Dakshin Gujarat

વાપી અનુપ પેઈન્ટસ કંપનીમાં ભીષણ આગ: ડ્રમ ફાટતા અફરાતફરી, કામદારોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

વાપી: (Vapi) વાપી જીઆઈડીસીના (GIDC) ફોર્ટી શેડ વિસ્તારમાં આવેલી અનુપ પેઈન્ટસ કંપનીમાં (Company) મંગળવારના રોજ બપોરના આશરે સવા એકાદ વાગ્યાની આસપાસ આગ (Fire) ફાટી નીકળી હતી. ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડયા હતાં. આગની જાણ તરત જ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પોલીસ સહિત ફાયર ફાઈટરોની ટીમ પહોંચી ગઈ હતી. કંપનીમાં સોલવન્ટ સહિતનો માલસામાન હોય આગ દરમિયાન કેટલાક ડ્રમો ફાટયા પણ હતા જેને લઈ ત્યાં હાજર લોકો ભયભીત પણ બન્યા હતાં. આગની ઘટનામાં એક કામદારને સામાન્ય ઈજા પહોંચી હતી. આગે રૌદ્રસ્વરૂપ ધારણ કર્યુ હતું અને ફાયર ટીમે પાણી સહિત ફોમનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન કર્યા હતાં.

  • વાપી અનુપ પેઈન્ટસ કંપનીમાં ભીષણ આગ : કામદારોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
  • વાપી ઉદ્યોગનગર પોલીસ ટીમ સ્થળ પર પહોંચી સુરક્ષાને ધ્યાને લઈ વાહનોને ડાયવર્ટ કર્યા અને લોકટોળાને પણ દૂર કર્યા

ઘટના સ્થળેથી અને ફાયર વિભાગ દ્વારા મળતી વિગત અનુસાર, વાપી જીઆઈડીસીના ફોર્ટી શેડ વિસ્તારમાં અનુપ પેઈન્ટસ કંપની આવેલી છે. કંપનીમાં રાબેતા મુજબ કામદારો કામ કરી રહ્યા હતાં. બપોરના આશરે સવા એકાદ વાગ્યાની આસપાસ કંપનીના કોઈ એક ભાગમાં આગ લાગી હતી. આગ લાગતા જ કંપની સંચાલકો અને કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. નોંધનીય છે કે, કંપનીમાં ઈન્ડસ્ટ્રીયલ અને ડોમેસ્ટિક પેઈન્ટસ બનાવતી હોય સોલવન્ટના ડ્રમો પણ હતા જેને લઈ આગે રૌદ્રસ્વરૂપ ધારણ કર્યુ હતું અને કંપનીમાં રાખેલ રેડીમેઈડ પેઈન્ટસના ડ્રમનો સ્ટોક સહિતનો માલસામાન આગની ચપેટમાં આવી ગયો હતો. કંપનીમાં આગ લાગ્યાની જાણ તરત જ પોલીસ અને ફાયર ટીમને કરવામાં આવી હતી.

ઘટના સ્થળે વાપી ઉદ્યોગનગર પોલીસ સહિત વાપી જીઆઈડીસી નોટિફાઈડ ફાયર ટીમ યુનિટ-1-2, વાપી નગરપાલિકા ફાયર, સરીગામ, વલસાડ, ધરમપુર, સંઘપ્રદેશ દાનહના સેલવાસ સહિત ખાનગી કંપનીઓથી ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ ઉપર પાણી સહિત ફોમનો ઉપયોગ કરી કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. કંપનીમાં લાગેલી આગના ધૂમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડયા હતાં. કંપનીમાં લાગેલી ભીષણ આગને પગલે કંપનીમાં રાખેલ મોટેભાગનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો અને આગ દરમિયાન સોલવન્ટને લઈ અનેક ડ્રમોમાં બ્લાસ્ટ પણ થતાં લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતાં. આગની ઘટનામાં કંપનીના એક કામદારને સામાન્ય ઈજા પહોંચી હતી.

આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વાપી ઉદ્યોગનગર પોલીસ ટીમ દ્વારા કેટલાક માર્ગો બંધ કરી વાહનવ્યવહારને ડાયવર્ટ કરાયા હતાં. કંપનીમાં લાગેલી આગની જવાળા કંપારી છોડી દે તેવી હતી જેને લઈ આ કંપનીની આસપાસ આવેલ અન્ય કંપનીના કામદારોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. જયારે કંપની દ્વારા રાખવામાં આવેલ રો-મટીરિયલ સહિતનો સામાન સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરાઈ હતી. ફાયર ટીમ દ્વારા બેથી અઢી કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કંપનીમાં આગ કયા કારણોસર લાગી, આગને પગલે કેટલું નુકશાન થયું તે હજી સુધી જાણી શકાયું નથી.

Most Popular

To Top