Dakshin Gujarat

વલસાડ: સ્કૂલના વિદ્યાર્થીઓને રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં એકલા બેસાડી શિક્ષિકા ઘરે ચાલ્યા ગયા

વલસાડ: (Valsad) કપરાડા સ્થિત એકલવ્ય મોડલ સ્કૂલના (School) ત્રણ વિદ્યાર્થીને શિક્ષિકા (Teacher) સાથે નડિયાદ શાળાકીય સ્પર્ધા માટે મોકલ્યા હતા, જ્યાંથી બુધવારે મોડી રાત્રે ગુજરાત ક્વીન ટ્રેન મારફતે પરત વલસાડ આવ્યા હતા. જોકે વિદ્યાર્થીઓ સાથે રહેવાના બદલે શિક્ષિકા વિદ્યાર્થીઓને વેઇટિંગ રૂમમાં (Waiting Room) બેસાડી ઘરે નીકળી ગયા હતા. ધો.7 ના વિદ્યાર્થીઓ હોઈ અને ગ્રામ્ય વિસ્તારના હોવાથી તેઓ ડરી ગયા હતા. વેઈટિંગ રૂમમાં વિદ્યાર્થીઓને એકલા જોતા રેલવે પોલીસે બાળકો સાથે વાતચીત કરતા તેઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ રેલવે પોલીસ વેઈટિંગ રૂમમાંથી બાળકોને પોલીસ મથકે લઇ ગઈ હતી. જ્યાં પોલીસે આચાર્યને બોલાવી બીજા દિવસે બાળકોને સોંપ્યા હતા.

  • કપરાડાની એકલવ્ય મોડલ શાળાના વિદ્યાર્થીઓને રેલવે પોલીસે સાચવ્યા
  • પોલીસે આચાર્યને બોલાવી બીજા દિવસે બાળકોને સોંપ્યા
  • રેલવે સ્ટેશનથી બાળકોને લઈ જવાનું જણાવાયું છતાં આચાર્ય બીજા દિવસે પહોચ્યા

વલસાડ રેલવે પોલીસે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ તેમની શિક્ષકા સાથે ગુજરાત ક્વીનમાં વલસાડ આવ્યા હતા અને શિક્ષિકા વિદ્યાર્થીઓને વેઇટિંગ રૂમમાં બેસાડી પોતાના ઘરે ચાલ્યા ગયા હતાં. જોકે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ પોલીસ બાળકોને પોલીસ મથકે લઇ આવી હતી. પોલીસે આચાર્યને ફોન કરતાં ગુરુવારે આચાર્ય પોલીસ મથકે આવી બાળકોને લઈ ગયા હતા.

અમને જાણ કર્યા વગર શિક્ષિકા વિદ્યાર્થીને લઈ ગઈ
એકલવ્ય મોડલ સ્કૂલ કપરાડાના આચાર્ય વસંત પાઠકે જણાવ્યું કે, શાળાના ત્રણ વિદ્યાર્થી વાપીની શિક્ષિકા સાથે નડિયાદ રાજ્યકક્ષાની શાળાકીય રમતોની સ્પર્ધા માટે ગયા હતા. ત્યાંથી બુધવારે મોડી રાત્રે ગુજરાત ક્વીન મારફતે વલસાડ આવ્યા હતા. જોકે શિક્ષિકા અન્ય વિદ્યાર્થીને લઈ અમને જાણ કર્યા વગર વાપી નીકળી ગઈ હતી. વલસાડ રેલવે પોલીસ દ્વારા જાણ કરાતા હું અન્ય શિક્ષકો સાથે ગુરુવારે સવારે વલસાડ પહોંચી પોલીસ પાસેથી વિદ્યાર્થીઓને લઈ પરત આવ્યો હતો.

ખુલાસા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે
વલસાડ રમતગમત વિકાસ કચેરીના સિનિયર કોચ અલ્કેશ પટેલે જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતા જોતા કપરાડાની એકલવ્ય મોડલ સ્કૂલના આચાર્ય અને વિદ્યાર્થીઓને સ્ટેશન પર એકલા મૂકી જનાર વાપીની શિક્ષિકાને નોટિસ પાઠવવામાં આવી છે, ખુલાસા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ગંભીર ભૂલ હોવાથી ખુલાસો કરવા જણાવાયું છે
એન.એમ.ટાટા વાડિયા હાઇસ્કૂલના જુડો ટ્રેનર સપના રાઠોડને જિલ્લા રમત અધિકારી દ્વારા અપાયેલી નોટિસમાં જણાવ્યા મુજબ નડિયાદ સ્પર્ધા માટે મેનેજર તરીકે ઓર્ડર કરાયો હતો. જોકે પરત આવ્યા બાદ કપરાડા સ્થિત એકલવ્ય શાળાના બાળકોને શાળાના આચાર્યને સોંપવાના બદલે વલસાડ રેલવે સ્ટેશન પર એકલા મૂકી જતા તમે રહ્યા હોઈ, તે ગંભીર ભૂલ હોવાથી તાત્કાલિક ખુલાસો કરવા જણાવાયું છે.

કપરાડાની એકલવ્ય મોડેલ સ્કૂલના આચાર્યને પણ નોટિસ
કપરાડા એકલવ્ય મોડેલ સ્કૂલના આચાર્યને અપાયેલી નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે, 19 ઓકટોબરે તમારી શાળાના ત્રણ વિદ્યાર્થીઓ મેનેજર સાથે નડિયાદથી પરત વલસાડ આવ્યા હતા. જ્યાંથી મેનેજર દ્વારા ફોન કરી બાળકોને લઈ જવા જણાવાયું હોવા છતાં સમયસર નહીં લઈ જતા રેલવે પોલીસ મથકે લઇ જવાયા હતા. પોલીસે તમને જાણ કરવા છતાં પણ તમારા દ્વારા વિદ્યાર્થીઓને રાત્રે લઈ જવાયા ન હતા, જે બાબત ખૂબ જ ગંભીર હોવાથી આપના દ્વારા ગંભીર બેદરકારી રાખવામાં આવતા ઘટના શા માટે બની, તેનો ખુલાસો વલસાડ કચેરી ખાતે તાત્કાલિક કરવા જણાવાયું છે.

Most Popular

To Top