Dakshin Gujarat

‘ગુલાબ’ની અસર: વલસાડમાં આભ ફાટ્યું, 8 ઈંચ વરસાદ, કપરાડામાં 7 ઇંચ વરસાદ

વાપી-વલસાડ: (Vapi Valsad) વલસાડમાં ગત મોડીરાતથી શરૂ થયેલા ભારે વરસાદને (Rain) લઈ સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું. રાત્રિના 12 થી 2 કલાક દરમિયાન 3 ઈંચ અને 2 થી 3 કલાક દરમિયાન 2 ઈંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા (Waterlogging) હતા. વલસાડની સાથે જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જનજીવનને અસર પહોંચી હતી. રાત્રે જ ખાબકેલા ભારે વરસાદને લઈ સમગ્ર વહીવટી તંત્ર સાબદુ થઈ ગયું હતું.

‘ગુલાબ’ વાવાઝોડાની (Gulab Cyclone) અસર હવે ધીરે ધીરે થઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતને ભરડામાં લેનાર આ ‘ગુલાબ’ વાવાઝોડાએ વલસાડ જિલ્લામાં મંગળવારે રાત્રે ભારે ધમધમાટી બોલાવી દીધી હતી. સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ ખાબકતાં નદી-નાળા અને નાના-મોટા ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં તો અડધી રાત્રે વરસાદી પાણી ફરી વળતાં લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. સમગ્ર જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી જામેલા વરસાદી માહોલ વચ્ચે મંગળવારે રાત્રિ દરમિયાન મેઘાએ ભારે બેટિંગ કરતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેની અસર જનજીવન પર પડી હતી. વલસાડમાં મોડી સાંજથી શરૂ થયેલા વરસાદ સાથે રાત્રે 12 થી 2 વાગ્યા સુધીમાં 3 ઇંચ અને 2 થી 3 સુધીમાં વધુ 2 ઈંચ વરસાદ પડતાં માત્ર 3 કલાકમાં જ 5 ઈંચ વરસાદથી વલસાડ પાણી પાણી થઈ ગયું હતું.

ભારે વરસાદથી ક્યાં ક્યાં પાણી ભરાયા
5 ઈંચ જેટલો વરસાદ વરસતા મોગરાવાડી વિસ્તાર, સ્ટેડિયમ રોડ, એમ.જી.રોડ, ગણપતિ મંદિર પાસે, છીપવાડ દાણાબજાર, હનુમાન મંદિર, વલસાડ પારડી, બરૂડીયાવાડ, કાશ્મીર નગર, ટેકરા ફળિયા, તિથલ રોડ, હાલર રોડ, નનકવાડા, કોસંબા, હનુમાન ભાગડા પીચિંગ, અબ્રામા એસટી વર્કશોપ પાસે, ધારાનગર, ધરમપુર ચોકડી, કસ્તુરબા હોસ્પિટલ પાસે રસ્તા ઉપર, ગ્રીનપાર્ક, ધનપુરા રોડ વગેરે વિસ્તારોમાં કમર જેટલા પાણી ભરાઈ ગયા હતા જેના કારણે રાત્રે વરસાદે લોકોની ઊંઘ હરામ કરી નાંખી હતી.
રાત્રે ભારે વરસાદથી વલસાડના છીપવાડ અને મોગરાવાડીનું ગરનાળુ પાણી ભરાઈ ગયું હતું. બંને ગરનાળામાં પાણી ભરાઈ જતાં બાઈક ચાલકો તથા રાહદારીઓ અને નોકરીયાત વર્ગના લોકો અટવાયા હતા. લોકોએ નોકરી પર જવા માટે વલસાડના ઓવરબ્રિજ તથા કુંડી ફાટક થઈને જવું પડ્યું હતું. છીપવાડના બાલા હનુમાન મંદિરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

તિથલ બીચ સહેલાણીઓ માટે બે દિવસ બંધ રહેશે
વલસા ડઃ હવામાન ખાતાની આગાહી અનુસાર વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સાથે ભારે પવન ફુંકાવવાની શક્‍યતા રહેલી છે. વલસાડની નજીક દરિયા કિનારે ગુજરાતના પ્રસિધ્ધ પ્રવાસન સ્થળ તિથલ ખાતે સહેલાણીઓની અવર-જવર રહે છે. સંભવિત ભારે વરસાદ અને ભારે પવન ફુંકાવાના કારણે કોઇ દુર્ઘટના ન ઘટે એ માટે તિથલ બીચ ઉપર આવતા સહેલાણીઓની અવર જવર માટે તા.૩૦/૦૯/૨૧ અને તા.૦૧/૧૦/૨૧ એમ બે દિવસ માટે પ્રતિબંધ મુકવા સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, ગાંધીનગર તરફથી ટેલિફોનિક સુચના મળી છે. જેને ધ્યાને લઇ નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂતે બે દિવસ માટે તિથલ બીચ ઉપર સહેલાણીઓની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવી જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને કાર્યવાહી કરવા જણાવ્યું છે.

ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર શું કહે છે
જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રેએ માહિતી આપી હતી કે, વલસાડ તાલુકામાં મોડી સાંજથી રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો છે અને જિલ્લામાં પરિસ્થિતિ જોઈને વહીવટીતંત્ર પહોંચી વળવા તૈયાર છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે કેટલાક રસ્તાઓ બંધ થઈ ગયા છે. નાગરિકોને નદી કે દરિયા કિનારે નહીં જવા માટે જણાવ્યું હતું. મધુબન ડેમમાં બે દિવસમાં આગાહીને પગલે આજે પાણી છોડવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય તો લોકોને સ્થળાંતર કરવા મુખ્ય સેન્ટર હોમ માટે પણ તૈયારી દર્શાવી હતી. ફુડ પેકેટની વ્યવસ્થા પણ કરાઈ છે. એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

જો હજુ વરસાદ પડશે તો પાકને નુકશાનની ભીતિ
મંગળવારે મોડીરાતથી શરૂ થયેલો વરસાદ બુધવારે બપોર સુધી ચાલુ રહ્યો હતો. કપરાડા તાલુકામાંથી પસાર થતી પાર અને કોલક નદી બંને કાંઠે વહેતી જોવા મળી હતી. તાલુકાના મહત્તમ નીચા કોઝવે પાણીમાં ડૂબી જતાં અનેક ગામોનો મુખ્ય માર્ગો સાથે સંપર્ક કપાયો હતો. જોકે કેટલાક સ્થળોએ પોલીસ નહીં હોઈ વાહન ચાલકો કોઝવે ઉપરથી ધસમસ્તા પાણી વચ્ચેથી વાહન લઈ જવાનું દુ:સાહસ કરી રહ્યા હતા. જો આજ વરસાદ હજુ ચાલુ રહેશે તો લીલા શાકભાજી, બાગાયતી શાકભાજી, ડાંગર, કઠોળ અને શેરડીના પાકને નુકશાન થવાની શક્યતા ખેડૂતો દર્શાવી રહ્યા છે.

  • જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ
  • વલસાડ 200 મીમી (8 ઈંચ)
  • કપરાડા 178 મીમી (7 ઈંચ)
  • પારડી 113 મીમી (4 ઈંચ)
  • ઉમરગામ 94 મીમી (4 ઈંચ)
  • વાપી 90 મીમી (4 ઈંચ)
  • ધરમપુર 69 મીમી (3 ઈંચ)

ભારે વરસાદથી જિલ્લાના 41 રસ્તા બંધ કરી દેવાયા
(1)લવકર વરવઠ ખડકવાલ રોડ, કપરાડા (2) ચાવશાળા નાંદગામ માતુનીયા રોડ, કપરાડા (3) ઘોટણ રાહોર પીપરોટી રોડ, કપરાડા (4) કેતકી કાસ્ટોનીયા રોડ, કપરાડા (5) ગીરનારા નીલુંગી રોડ, કપરાડા (6) વારણા અંધારપાડા રોડ, કપરાડા (7) મેંણધા નાંદગામ રોડ, કપરાડા (8) વડોલી મંજરી ફળીયા રોડ, કપરાડા (9) અરણાઇ કુંડા ધામણી રોડ, કપરાડા (10) અંભેટી ખરેડા ફળીયા રોડ, કપરાડા (11) ટુકવાડા ધાડવી ઉમરપાડા કુંભસેત રોડ, કપરાડા (12) પીપરોણી નીશાળ ફળીયાથી બરમબેડા રોડ, કપરાડા (13) ઘાણવેરી અસલકાટી સુલીયા રોડ, કપરાડા (14) બીલોનીયા એપ્રોચ રોડ, કપરાડા (15) દહીખેડ બુરવડ રોડ, કપરાડા (16) ઓઝર રાય ફ રોડ, કપરાડા (17) જીરવલ પ્રા.શા. થઈ આદિમજૂથ દાનહને જોડતો રોડ, કપરાડા (18) વારોલીજંગલ હૈદલબારી દહીંખેડ કરચોંડ બુરવડ રોડ, કપરાડા (19) માંડવા ચાંદવેંગણ વેરીભવાડા રોડ, કપરાડા (20) અસલોના મુખ્યરસ્તાથી ગરદુનિયાથી કાળુનીયા રોડ, કપરાડા (21) માની મૂળગામ રોડ, કપરાડા (22) ઉલસપીંડી નાનીકોસબાડી રોડ, ધરમપુર (23) તુતરખેડ કોસબાડી ભવથાણ જંગલ રોડ, ધરમપુર (24) હૈદરી એપ્રોચ રોડતો, ધરમપુર (25) સિદુમ્બર ભટાડી ફળીયા રોડતા, ધરમપુર (26) પાંડવખડક ચીકારપાડા રોડ, ધરમપુર (27) વાંસદા જંગલ મુળગામ એપ્રોચ રોડ, ધરમપુર (28) ફુલવાડી એપ્રોચ રોડ, ધરમપુર (29) બામટી શીશવાડા રોડતા, ધરમપુર (30) ભાનવળ એપ્રોચ રોડ, ધરમપુર (31) રોહિણા બરઈ સાદડવેરી સુખાલા રોડ, પારડી (32) ધગઠમાળ અરનાલા પાટી રોડ, પારડી (33) મોટી તંબાડી હનુમાન મંદિર વાઘછીપાને જોડતો રોડ, વાપી (34) દાંડીવલ્લી ઓઝર કાકડમતી રોડ, વલસાડ (35) સારંગપુર એપ્રોચ રોડ, વલસાડ (36) વલસાડ ધરમપુરથી ભોમાપારડી થઈ ઓરંગા નદીને જોડતો રોડ (37) વાઘલધરા રિવર બેંકથી જેસિયા રોડતા-વલસાડ (38) મોહનગામ દમણ રોડથી પાલીધુયા રોડ, ઉમરગામ (39) અંકલાસ વડીપાડા રોડ (૧/૦ થી ૧/૨), ઉમરગામ (40) ટેંભી વારોલી નદીથી મહાદેવ મંદિર તરફ જતો રોડ, ઉમરગામ (41) ભીલાડ નગવાસ રોડથી પ્રથમપાડા રોડ, ઉમરગામ. ઉપરોક્ત તમામ રોડ વધુ વરસાદના કારણે ક્રોઝવે તથા રોડ ઓવર ટોપીંગના કારણે બંધ થયા છે.

દમણમાં 24 કલાકમાં 3.2 ઈંચ વરસાદ
દમણ : વલસાડ જિલ્લાની સાથે દમણમાં પણ 2 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. મુશળધાર વરસાદને પગલે પ્રદેશનાં નાળા અને તળાવો પાણીથી છલકાઈ જવા પામ્યા છે. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ જવા પામી છે. દમણમાં 24 કલાક દરમ્યાન 3.2 ઈંચ વરસાદ નોંધાયો છે. બુધવારે સવારે 9 થી સાંજે 5 સુધીમાં ફક્ત અડધો ઈંચ જેટલો જ વરસાદ પડ્યો હતો. અત્યાર સુધીમાં દમણમાં સીઝનનો કુલ વરસાદ 97.10 ઈંચ જેટલો વરસાદ થયો છે.

Most Popular

To Top