Sports

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 15 વર્ષ બાદ ટેસ્ટ રમાશે: મહિલા ક્રિકેટરો પહેલીવાર રમશે પિન્ક બોલથી ડે-નાઈટ મેચ

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ વન ડેમાં મળેલી જીત પછી આત્મવિશ્વાસ સભર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ગુરૂવારથી અહીં યજમાન ઓસ્ટ્રેલિયા સામે શરૂ થઇ રહેલી ઐતિહાસિક ડે એન્ડ નાઇટ ટેસ્ટમાં પણ એ રિધમ જાળવી રાખવાની ઇચ્છા ધરાવે છે. ત્રીજી વન ડે રવિવારે રમાઇ હતી અને સોમવારે આરામનો દિવસ હતો ત્યારે મિતાલી અને તેની ટીમને આ ટેસ્ટની તૈયારી માટે માત્ર બે જ સેશન મળ્યા છે.

ભારતીય ટીમ પિન્ક બોલથી પહેલીવાર ટેસ્ટ રમવાની છે, તેથી ખેલાડીઓને એ જરા પણ ખબર નથી કે ચમકતા પિન્ક બોલથી શું અસર થઇ શકે છે. (pink ball day night women test india australia cricket) ઓસ્ટ્રેલિયાએ એકમાત્ર ડે એન્ડ નાઇટ ટેસ્ટ નવેમ્બર 2017માં રમી હતી, તેને પણ વધુ પ્રેક્ટિસનો સમય મળ્યો નથી, પણ અહીંના મેટ્રિકોન સ્ટેડિયમની ઘાસ આચ્છાદિત પીચ પર તેના ઝડપી બોલર વધુ ખતરનાક બની શકે છે.

  • 15 વર્ષ પછી ભારતીય મહિલાઓ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ રમવા મેદાને ઉતરશે અને તે પણ પિન્ક બોલથી
  • ભારતીય મહિલાઓ પ્રથમવાર પિન્ક બોલ ટેસ્ટ રમવાની હોવાથી તેમના માટે આ ટેસ્ટ મોટો પડકાર બનશે

ભારતીય ટીમે સાત વર્ષ પછી પોતાની પ્રથમ ટેસ્ટ રમતા જૂનમાં ઇંગ્લેન્ડ સામેની એ ટેસ્ટ ડ્રો કરી હતી. ખેલાડીઓ અને નિષ્ણાતોનું માનવું છે કે પિન્ક બોલનો પડકાર ભારતીયો માટે આકરો રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો છેલ્લે 2006માં ટેસ્ટ રમ્યા હતા. બંને ટીમની હાલની ખેલાડીઓમાંથી માત્ર મિતાલી અને ઝૂલન ગોસ્વામી એ ટેસ્ટમાં રમ્યા હતા.

હરમનપ્રીત કૌર મેચ નહીં રમી શકે, મેઘના સિંહ અને યસ્તિકા ભાટિયાને પદાર્પણની તક મળી શકે
ભારતીય ટીમની વાઇસ કેપ્ટન હરમનપ્રીત કૌરે ઇજાને કારણે છેલ્લી બે વન ડે ગુમાવી હતી અને તે આ ટેસ્ટમાં પણ રમી નહીં શકે, જો કે તેણે નેટ પ્રેક્ટિસ કરી હતી. મિતાલીએ કહ્યું હતું કે હરમનના અંગુઠામાં ઇજા થઇ હતી અને તેમાંથી સંપૂર્ણ સાજી ન થવાથી તે રમી નહીં શકે. વન ડે સીરિઝમાં પ્રભાવક પ્રદર્શન કરનારી ઝડપી બોલર મેઘના સિંહ અને બેટ્સમેન યસ્તિકા ભાટિયાને આ ટેસ્ટમાં ડેબ્યુની તક મળવાની સંભાવના છે.

Most Popular

To Top