Dakshin Gujarat

લગ્ન બાદ વલસાડની પરિણીતાને સાસરિયા આ કારણથી અલગ જમવાનું આપવા લાગ્યા, પતિ પણ સાથે ન જમતો

નવસારી : વલસાડની (Valsad) પરિણીતા સાથે નવસારીના (Navsari) સાસરિયાઓએ દુરવ્યવહાર કર્યો. આટલું જ નહીં તેનો પતિ (Husband) પણ તેની સાથે દુરવ્યવહાર કરતો હતો. પરિણીતાને વારંવાર ત્રાસ (Torture) આપવામાં આવતો હતો. સાસિયાઓએ ફ્લેટ ખરીદવા માટે 30 લાખ રૂપિયા માંગી ત્રાસ આપી માર મારતા પરિણીતાએ સાસરિયાઓ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, વલસાડ ઉમરગામ તાલુકાના ફણસા ગામે રહેતી મેહઝબીનના ગત 2/6/20 ના રોજ નવસારીના દરગાહ રોડ પર રહેતા હારૂન ઇકબાલ શેખ સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડા સમયબાદ સાસુ રસીદાબેન મેહઝબીનને કામકાજ બાબતે ઝઘડો કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેમજ પતિ હારૂનને મેહઝબીન વિશે ચઢામણી કરતા હોવાથી તેઓ વચ્ચે પણ ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. જેથી સસરા ઇકબાલ શેખે અલગ રહેવા માટે જણાવતા હારૂન અને મેહઝબીન નીચે આવેલા ઘરમાં રહેતા હતા. પરંતુ હારૂન તેના માતા-પિતા સાથે જમતો હતો. અને મેહઝબીન માટે બહારથી જમવાનું લાવી તેને જમવાનું આપી દેતા હતા.

ત્યારબાદ મેહઝબિનના સાસરિયાઓએ મેહઝબિનના પિતા સાથે ઘરેણાં બાબતે વાતચીત કરી હતી. સાસરિપક્ષ અને પિયરપક્ષ તરફથી કુલ 7 તોલા સોનુ ખરીદ્યું હતું. જેમાં 3 તોલા સોનાની કિંમત 1.25 લાખ રૂપિયા પિયરપક્ષે અને 4 તોલા સોનાની કિંમત સાસરિયાઓએ સંયુક્ત રીતે ચૂકવ્યા હતા. જે તમામ સોનાના ઘરેણાં બીજા દિવસે સાસુ રસીદાબેને લઈ લીધા હતા. તેમજ લગ્નમાં આવેલી ભેટ અને ચાંદલાની રકમ પણ લઈ લીધી હતી. લગ્ન પહેલા પતિ હારૂનનો પગાર 35 હજાર છે તેમ જણાવ્યું હતું. પરંતુ લગ્ન બાદ હારૂનનો પગાર 6 હજાર જ હોવાનું માલુમ પડ્યું હતું.

ત્યારબાદ સાસરિપક્ષ નવો ફ્લેટ ખરીદવા માટે મેહઝબીન પાસે 30 લાખ રૂપિયા માંગી દબાણ કરતા હતા. પરંતુ મેહઝબીનના પિતા રીક્ષા ચલાવતા હોવાનું જણાવતા સાસરિયાઓએ મામા પૈસાદાર છે, તો તારા મામા પાસે પૈસા માંગ તેમ કહી ઝઘડો કરી માર મારતા હતા. સાસરિયાઓના શારીરિક-માનસિક ત્રાસને લીધે મેહઝબીન બિમાર પડી ગઈ હતી. પરંતુ તેણીની સારવાર કરાવવાને બદલે મેહઝબિનને તેના કાકાના ઘરે મૂકી ગયા હતા. જ્યાંથી મેહઝબીન તેના પિયર જતી રહી હતી. આ બાબતે મેહઝબીને નવસારી મહિલા પોલીસ મથકે પતિ હારૂન, સાસુ રસીદા, સસરા ઇકબાલ અને નણંદ ફાતિમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. શિલ્પાબેન દેસાઈએ હાથ ધરી છે.

Most Popular

To Top