પાણીની મુખ્ય લાઇન તૂટતા મકાનોના પાયા બેસી ગયા, દીવાલોમાં ભયજનક તિરાડો
સ્થાનિકોમાં આક્રોશ: “બેદરકારી માટે જવાબદાર સામે કાર્યવાહી અને તાત્કાલિક વળતર આપો”
(પ્રતિનિધિ), વડોદરા, તા. 23
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા હવેલી ફળિયામાં ગેસ લાઇન નાખવાની કામગીરી દરમિયાન તંત્રની ગંભીર બેદરકારી સામે આવતા બે રહેણાંક મકાનો ધરાશાયી થવાની કગાર પર પહોંચી ગયા છે. મકાનોના પાયામાં પાણી ઘૂસી જતાં બંને પરિવારોને તાત્કાલિક ઘર ખાલી કરવાની ફરજ પડી છે, જેને કારણે વિસ્તારમાં ભારે ફફડાટનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, હવેલી ફળિયામાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન જેસીબી મશીનથી કરાયેલા બેદરકારીભર્યા ખોદકામથી નજીકથી પસાર થતી મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી. જેના કારણે હજારો લિટર પાણી રસ્તા પર ફરી વળ્યું અને નદી જેવી સ્થિતિ સર્જાઈ હતી. સતત પાણીના પ્રવાહને કારણે મકાનોના પાયાની આસપાસની જમીન પોચી પડી જતા બે મકાનો ખતરનાક રીતે એક તરફ ઝૂકી ગયા છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, પાણીના દબાણથી જમીન બેસી જતા મકાનોની દીવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે અને હાલ મકાનો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા બંને પરિવારોને તાત્કાલિક મકાન ખાલી કરાવાયા છે. પોતાની જીવનભરની બચતથી બનાવેલા ઘર જોખમમાં મુકાતા પરિવારોમાં ભારે વ્યથા જોવા મળી રહી છે.
આ બનાવને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
રહીશોએ આક્ષેપ કર્યો છે કે ગેસ લાઇનના કામ દરમિયાન કોઈ તકેદારી રાખવામાં આવી નહોતી અને વારંવાર રજૂઆત છતાં જવાબદાર તંત્ર દ્વારા અવગણના કરવામાં આવી હતી. ઘટનાના કલાકો બાદ પણ પૂરતી રાહત કાર્યવાહી હાથ ધરાઈ નહોતી.
હવેલી ફળિયાના રહીશોએ માંગ કરી છે કે બેદરકારી માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને ગેસ એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ નુકસાનગ્રસ્ત મકાનોના પરિવારોને તાત્કાલિક વળતર આપવામાં આવે. હાલ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે અને લોકો તંત્રની કાર્યવાહી તરફ નજર માંડીને બેઠા છે.