Dakshin Gujarat

સેન્ટ્રલ જીએસટી અધિકારીઓ 20 હજારની લાંચ લેતા ઝડપાયા

વલસાડ : વલસાડના (Valsad) સેન્ટ્રલ જીએસટી (એક્સાઇઝ) અધિકારીઓ દ્વારા સર્વિસ ટેક્સ (Tax) ભરાવા છતાં રૂ. 20 હજારની લાંચની માંગણી થતાં અરજદારે એસીબીને તેની ફરિયાદ કરી હતી. જેના પગલે એસીબીએ જીએસટીના સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સપેક્ટરને રૂ. 20 હજારની લાંચ લેતા તેમની જ ઓફિસમાં (Office) રંગે હાથ પકડી પડ્યા હતા. સેન્ટ્રલ ગવર્મેન્ટની કચેરીના આ બે અધિકારીઓ એક સાથે પકડાતાં ભારે ખળભળાટ મચી ગયો છે.

વલસાડના એક લેબર કોન્ટ્રાક્ટરની પેઢી બંધ થઇ ગઇ હતી. જેનો સર્વિસ ટેક્સ ભરવાનો બાકી હતો. જેની નોટિસ મળતાં તેમના દ્વારા ટેક્સ ભરાઇ ગયો હતો, તેમ છતાં વાપી એક્સાઇઝ ઓફિસમાં કાર્યરત જીએસટી સુપ્રિટેન્ડન્ટ રામકિશોર શ્રીનારાયણ મીના અને ઇન્સપેક્ટર ગુરપિન્દર મુખ્તિયાર સિંઘે તેમની પાસે રૂ. 20 હજારની લાંચની માંગણી કરી હતી. અરજદારે બંને વિરૂદ્ધ સુરત એસીબીને ફરિયાદ કરી હતી. જેના પગલે એસીબીએ વાપી એક્સાઇઝ ઓફિસમાં જ છટકું ગોઠવી સુપ્રિટેન્ડન્ટ રામકિશોરને રોકડા રૂ. 20 હજારની લાંચ લેતા પકડી પાડ્યો હતો. જોકે, ઇન્સપેક્ટર ગુરપિન્દ્ર હાથમાં આવ્યો ન હતો. જેની તપાસ એસીબીએ હાથ ધરી છે. આ બનાવ સંદર્ભે એસીબીએ બંને વિરૂદ્ધ ગુનો દાખલ કરી સુપ્રિટેન્ડન્ટ રામકિશોરને ડિટેઇન કરી તેની વધુ પુછતાછ હાથ ધરી છે.

ઉમરગામના મોટી દહાડ અને ગાંધીવાડીમાંથી બે બાઇકની ઊઠાંતરી
ઉમરગામ : ઉમરગામમાં મોટી દહાડ અને ગાંધીવાડી વિસ્તારમાંથી બે મોટર સાયકલની ચોરીથી ફાફડાટ મચી જવા પામ્યો છે. ઉમરગામ ગાંધીવાડી આનંદ નગર વિસ્તારમાં પીન્ટુ ગુપ્તાની ચાલીમાં રહેતા ફરિયાદી ધર્મવીર નરસીંગ મૌરિયાએ ચાલીમાં બિલ્ડિંગ નીચે ગતરોજ પોતાની કાળા કલરની પલસર મોટર સાયકલ નંબર યુપી-૫૬-એેએમ-૫૮૦૯ કિંમત રૂપિયા ૪૫ હજાર પાર્ક કરી હતી. તે મોટરસાયકલનુ લોક તોડી અથવા કોઈ ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલી કોઈ ચોર ઈસમ ચોરી કરી નાસી ગયા હતા. વધુમાં શિવસંગ બિલ્ડીંગ શીતલ ટાઉનશીપની પાસે મોટી દહાડમાં રહેતા ધનલાલસિંહ યાદવે પોતાની હીરો કંપનીની બ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર જીજે-૧૫ બીએસ-૬૩૨૪ કિંમત રૂપિયા ૨૫ હજાર બિલ્ડીંગ નીચે પાર્ક કરી હતી. કોઈ ચોર ઈસમ મોટરસાયકલનું લોક તોડી અથવા ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલી મોટરસાયકલની ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવની ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top