National

કેદારનાથ અને યમુનોત્રી ધામમાં હિમવર્ષા, નીચાણવાળા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

ઉત્તરાખંડમાં (Uttarakhand) બપોર બાદ હવામાનમાં (Weather) પલટો આવ્યો હતો અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા (Snowfall) શરૂ થઈ હતી. કેદારનાથ અને યમુનોત્રી ધામમાં હિમવર્ષા થઈ હતી. જ્યારે યમુના ઘાટી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ (Rain) પડ્યો હતો. હિમવર્ષા બાદ ઉત્તરાખંડના ધામોમાં ઠંડીમાં વધારો થયો છે.

જણાવી દઈએ કે હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં રાજ્યના પહાડી વિસ્તારોમાં વરસાદ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 એપ્રિલ સુધી ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢના કેટલાક સ્થળોએ અને બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદની સાથે હિમવર્ષા થવાની સંભાવના છે.

ભૂસ્ખલન બાદ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરાયો
જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગુરુવારે રામબન જિલ્લામાં ભૂસ્ખલન બાદ બંધ કરવામાં આવ્યો હતો. ભૂસ્ખલનને કારણે અહીં 300થી વધુ વાહનો ફસાયાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લાના શાલગારી વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું, જે વરસાદથી પ્રભાવિત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 270 કિલોમીટરના હાઇવેના જુદા-જુદા બિંદુઓ પર 300થી વધુ વાહનો ફસાયેલાં છે જે કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડતો એકમાત્ર બારમાસી માર્ગ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હાઇવેને ટ્રાફિક માટે ફરીથી ખોલવાનું કામ ચાલુ છે પરંતુ રામબન-બનિહાલ સેક્ટરમાં અવિરત વરસાદ અવરોધરૂપ સાબિત થઈ રહ્યો છે. રામબનના ડેપ્યુટી કમિશનરના ટ્વિટર હેન્ડલ અનુસાર સતત પથ્થરો પડવાથી બનિહાલ નજીક શાલગારીમાં ટ્રાફિક અવરોધાયો છે. ફસાયેલા મુસાફરો માટે આશ્રય શેડમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોને ટ્રાફિક કંટ્રોલ યુનિટની ખાતરી વિના હાઇવે પર મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.

Most Popular

To Top