અમેરિકામાં ૧૩૯ વર્ષ જુનું એક આખેઆખું મકાન બીજા સ્થળે ખસેડાયું

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરના ફ્રેન્કલીન સ્ટ્રીટમાં આવેલું એક ૧૩૯ વર્ષ જુનું બે માળનું મકાન હવે એક નવું સરનામું ધરાવે છે. તેને આખે આખું થોડા દૂરના અંતરે ખસેડવામાં આવ્યું છે.

બે માળનું વિકટોરિયન બાંધણીના આ જૂનું લીલા રંગનું મકાન વિશાળ બારીઓ અને એક કથ્થઇ પ્રવેશ દ્વાર ધરાવે છે. આ મકાનનું સ્વરૂપ યથાવત રીતે જાળવી રાખીને તેને લગભગ ૬ બ્લોકના અંતરે આવેલ એક સ્થળે ખસેડવામાં આવ્યું હતું.

આ મકાનને પૈડાઓ વાળા વિશાળ તખતાઓ પર ગોઠવવામાં આવ્યું હતું અને પછી એક શક્તિશાળી એન્જિન ધરાવતા ખટારા વડે તેને ખેંચવામાં આવ્યું હતું. કલાકના માંડ એક માઇલની ઝડપે તેની મુસાફરી શરૂ થઇ હતી.

આ કામગીરીના ફોટાઓ પાડવા લોકોએ રસ્તાની બાજુએ લાઇન લગાવી દીધી હતી. એક ઢાળ ઉતારવામાં તો ભારે તકલીફ પડી હતી, મકાનના માળખાને નુકસાન નહીં થાય તેની પણ કાળજી રાખવાની હતી.

રસ્તામાં આવતા કેટલાક વૃક્ષોની ડાળીઓ કાપવી પડી હતી અને ટ્રાફિક સાઇનો બદલવી પડી હતી. ભારે જહેમત બાદ કામ પાર પડ્યું હતું. આ કામગીરી માટે પ્રોપર્ટી દલાલ ટીમ બ્રાઉને ૪૦૦૦૦૦ ડોલર ફી તથા ખસેડવાનો મોટો ખર્ચ ચુકવવો પડશે.

Related Posts