Gujarat

કેન્દ્રીય બજેટ-2026 વિકસિત ભારત માટેનો ક્વોન્ટમ જમ્પ : ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં સંસદમાં રજૂ થયેલું કેન્દ્રીય બજેટ-2026 ત્રણ મુખ્ય કર્તવ્યોના આધાર પર વિકસિત ભારતના નિર્માણ માટે મજબૂત પીઠિકા તૈયાર કરનારું બજેટ છે, એવી સ્પષ્ટ પ્રતિક્રિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી છે.ગાંધીનગરમાં આજે બપોરે મીડિયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ બજેટ આર્થિક વૃદ્ધિને વેગ આપીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ,લોકોની અપેક્ષા પૂર્ણ કરીને કેપેસિટી બિલ્ડીંગથી સક્રિય જનભાગીદારી,અને ‘સૌના સાથ સૌનો વિકાસ’ની પ્રતિબદ્ધતા વ્યકત્ત કરાઈ છે. આ ત્રણ કર્તવ્યોને કેન્દ્રમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.

ગ્રામ વિકાસથી ગિફ્ટ સિટી સુધી સર્વગ્રાહી વિકાસ

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિકાસથી લઇને ગિફ્ટ સિટી સુધીના ક્ષેત્રોને આવરી લેતું આ બજેટ ગુજરાત માટે વિશેષ લાભદાયક છે. દેશના ફિનટેક હબ ગિફ્ટ સિટીમાં ટેક્સ હોલીડેને 10 વર્ષથી વધારી 20 વર્ષ કરવાની જાહેરાતથી ઇન્વેસ્ટર્સ વધુ ભરોસાથી લાંબા ગાળાના રોકાણ માટે આગળ આવશે.

ફાર્મા, ટેક્સટાઇલ અને MSMEને મોટું પ્રોત્સાહન

કેન્દ્રીય બજેટમાં બાયોફાર્મા શક્તિ કાર્યક્રમ અંતર્ગત 10 હજાર કરોડની ફાળવણીથી દેશને ગ્લોબલ બાયોફાર્મા મેન્યુફેક્ચરીંગ હબ બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં અગ્રણી ગુજરાતને આ યોજનાનો સીધો લાભ મળશે.ટેક્સટાઇલ સેક્ટર માટે જાહેર કરાયેલી 6 યોજનાઓ રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી ગતિ આપશે. સાથે જ “ચેમ્પિયન MSME” માટે 10 હજાર કરોડના SME ફંડની જાહેરાતથી રાજ્યના 42.9 લાખથી વધુ MSMEને લિક્વિડીટી અને વૃદ્ધિનો મોટો આધાર મળશે.

સેમિકન્ડક્ટરથી લોજિસ્ટિક્સ સુધી ગુજરાતને ફાયદો

ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ સાથે દેશનું સેમિકન્ડક્ટર હબ બનતી દિશામાં આગળ વધતા ગુજરાતને ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0થી વિશેષ લાભ મળશે.પીએમ ગતિશક્તિ હેઠળ DMIC ફ્રેઈટ રૂટ અને દાનકુનીથી સુરત સુધીના નવા ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્રને ઝડપી લોજિસ્ટિક સપોર્ટ મળશે.

શહેરો, ખેલ અને યુવાનો માટે નવી તકો

5 લાખથી વધુ વસ્તીવાળા ટીયર-2 અને ટીયર-3 શહેરોને ‘સીટી ઇકોનોમિક રિજીયન’ તરીકે વિકસાવવાની જાહેરાતથી ગુજરાતના નાના શહેરોના વિકાસને વેગ મળશે. કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે સજ્જ ગુજરાતને ખેલો ઇન્ડિયા મિશનથી સ્પોર્ટ્સ સેક્ટરમાં વધુ બળ મળશે.યુવાનો માટે AVGC (એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ) સેક્ટરમાં 2030 સુધી 20 લાખ પ્રોફેશનલ તૈયાર કરવાની યોજના અંતર્ગત 15 હજાર શાળાઓ અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપાશે, જેનો લાભ ગુજરાતના યુવાનોને મળશે.

સેન્ટ્રલ ડીવોલ્યુશનમાં વધારો

ગુજરાતના નેશનલ ગ્રોથમાં મહત્વપૂર્ણ યોગદાનને ધ્યાનમાં રાખીને 16માં નાણાંપંચ અંતર્ગત રાજ્યનું સેન્ટ્રલ ડીવોલ્યુશન 3.48 ટકાથી વધારી 3.75 ટકા કરવામાં આવ્યું છે, જેનાથી ગ્રામિણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધુ વેગ મળશે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ડબલ એન્જિન સરકારની ડબલ સ્પીડથી ગુજરાત વિકસિત ભારત માટે લીડ લેશે.

Most Popular

To Top