Charchapatra

“સમજણ” શરણમ્ ગચ્છામિ

જીવન ક્યારેય સીધી લીટીમાં હોઇ જ ના શકે. ઉતાર-ચઢાવ, ખાડા-ટેકરા, વળાંકો એ જીવનનાં અનિવાર્ય પાસાંઓ છે. જીવન સીધી લીટીમાં ચાલે તો સમજવું કે જીવનમાં કંઈક ખૂટી રહ્યું છે. આહાર, નિદ્રા અને મૈથુન જેવી ક્રિયાઓથી તો પશુ-પક્ષી જગત પણ મુક્ત નથી. મોડર્ન મેડિકલ સાયન્સને કારણે પ્રમાણમાં અત્યારે મનુષ્યનું સ્વાસ્થ્ય અને આયુષ્ય બંને લંબાયા છે, એટલે કે જીવનમાં વર્ષો ઉમેરાયાં પણ એ વધેલાં વર્ષોમાં જીવન ઉમેરવાનું સૌ કોઈને હસ્તગત હોતું નથી. આધુનિક સમયમાં મનુષ્યના જીવનમાં ભૌતિક સંપત્તિ વધી પણ એની સાથે જે સમજણ વિકસવી જોઈએ એ વિકસી નથી. આધુનિક જગતને સૌથી કનડતો કોઈ પ્રશ્ન હોય કે કોઈ સંતાપ હોય તો તે છે “સમજણ” નો અભાવ! જીવનમાં બે પૈસા ઓછા હશે તો ચાલશે, પણ સમજણ ઓછી હશે તો જીવન ખોરંભાશે. પૈસાનો અભાવ માણસને જેટલો પીડે છે એના કરતાં એ અધિક સમજણનો અભાવ માણસને પીડી રહ્યો છે.

સમજણથી પૈસા અર્જિત કરી શકાય છે પણ પૈસાથી સમજણ વધે એ વાતમાં માલ નથી. ધારો કે આકસ્મિક ધનપ્રાપ્તિ થાય તોય એવા ધનને સાચવવા માટે પણ સમજણની આવશ્યકતા રહેવાની જ. જીવનની પ્રત્યેક સમસ્યાના કેન્દ્રમાં સમજણનો અભાવ રહેલો હોય છે અને એમાં ય “હમસચ્ચાઈ” તો સૌથી મોટો માનસિક રોગ છે. શારીરિક પીડામાં ઇન્સ્ટન્ટ રાહત થાય એવી દવા મેડિકલ સાયન્સ પાસે છે, પણ ઇન્સ્ટન્ટ સમજણ વધે એવી કોઈ દવા મેડીકલ સાયન્સ પાસે નથી. ધનવાન “છીછરો” હોઈ શકે, પણ સમજદાર હંમેશા “ઠરેલ” જ હોવાનો. સંપત્તિ માણસને જમીનથી બે ફૂટ અધ્ધર કરી શકે છે પરંતુ સમજદારી માણસને હંમેશા જમીનથી જોડાયેલો રાખે છે.

પૈસો જીવનમાં સગવડ લાવી શકે છે પણ સમજણ જીવનમાં સહજતા અને સરળતા લાવે છે. સહજતા અને સરળતા દીર્ઘાયુ હોય છે જ્યારે સગવડ પૈસા આધારિત હોઈ અલ્પજીવી બની રહે છે. પૈસો નાશવંત હોય છે, એટલે એ આજે છે ને કાલે નથી, પણ સમજણ શાશ્વત હોય છે. સમજણ વગરનો પૈસો માણસને ખીણમાં ધકેલી શકે છે અને વિનાશનું કારણ પણ બની શકે છે. જ્યારે સમજણ સાથેનો પૈસો માણસના વિકાસનું કારણ બની રહે છે અને એટલું જ નહીં માણસને શિખરે પણ પહોંચાડી શકે છે. જગતમાં એવી કોઈ સમસ્યા નથી જે સમજણના હથિયારથી ઉકેલી ના શકાય. સુખની સૌથી મોટી ચાવી સમજણના શરણે જવામાં રહેલી છે.
સુરત     – પ્રેમ સુમેસરા     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top