ગાંધીનગર,
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે અત્યંત ઉત્સાહભર્યા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકાયેલી ‘ECINET’ એપ પર પ્રિસાઇડિંગ અધિકારીઓ દ્વારા અપલોડ કરાયેલા ડેટા મુજબ, સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઉમરેઠ બેઠક પર અંદાજિત ૫૪.૪૩% મતદાન નોંધાયું છે. ભાજપના હર્ષદ ગોંવિદભાઈ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ અને અપક્ષ સહિત છ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ જવા પામ્યુ છે. આગામી તા.4થી મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
આ પેટાચૂંટણીમાં કુલ 306 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું, જેમાં શહેરી વિસ્તારમાં 68 અને ગ્રામ્ય વિસ્તારમાં 238 મથકોનો સમાવેશ થાય છે. તમામ મથકો પર વેબકાસ્ટિંગ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી, જેથી પારદર્શિતા અને સુરક્ષા સુનિશ્ચિત થાય. મતદાન પહેલાં દરેક મથક પર EVM મશીનોનું મોક પોલ કરવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારોના એજન્ટોની હાજરી રહી હતી. ઉપરાંત, કેન્દ્રીય ચૂંટણી પંચની નવી પહેલ મુજબ પ્રિસાઇડિંગ અધિકારીઓ દ્વારા ECINET એપ પર મતદાન ડેટા અપલોડ કરવામાં આવ્યો હતો.
ઉમરેઠ પેટાચૂંટણીમાં કુલ 2,45,623 મતદારો નોંધાયેલા હતા, જેમાં 1,26,545 પુરુષ, 1,19,072 મહિલા અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો મેદાને છે. મતદાન પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે તમામ મથકો પર વેબકાસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી, જ્યારે વિશેષ પહેલ તરીકે દિવ્યાંગો, યુવાઓ અને મહિલાઓ દ્વારા સંચાલિત બૂથ તેમજ ૦૫ આદર્શ મતદાન મથકો પણ તૈયાર કરાયા હતા. વહીવટી તંત્ર દ્વારા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે વિશેષ સંવેદનશીલતા દાખવતા ૮૫ વર્ષથી વધુ વયના ૧૦૧ મતદારોને ઘરે બેઠા મતદાનની સુવિધા આપી હતી, જ્યારે બૂથ પર ૨૧૮ વ્હીલચેર, ૩૬૧ સ્વયંસેવકો અને નિઃશુલ્ક વાહન વ્યવહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. પ્રચંડ ગરમીને ધ્યાને રાખીને તમામ કેન્દ્રો પર શેડ, પીવાનું પાણી અને ORS ના પેકેટની સુવિધા સાથે વોટર આસિસ્ટન્સ બૂથ કાર્યરત કરાયા હતા, જ્યાં મતદારોના મોબાઈલ સાચવવા માટે પણ સુચારૂ વ્યવસ્થા કરાઈ હતી. સવારે ૭:૦૦ વાગ્યે મોક પોલ બાદ શરૂ થયેલું મતદાન સાંજે કોઈ પણ અનિચ્છનિય ઘટના નોંધાવવા પામી નથી.