અમદાવાદ
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા નકલી ઘી બનાવવાના કૌભાંડનો શહેર મનપાના હેલ્થ વિભાગે પર્દાફાશ કરી ૪૦૦ કિલોગ્રામ કિંમત રૂ. ૧.૬૦ લાખનો નકલી ઘીનો જથ્થો જપ્ત કરીને, પેકિંગ માટેના ખાલી જાર, લેબલો, ગેસ સિલિન્ડર, મોટા તપેલા અને અન્ય સાધનો તથા અન્ય સામાન પણ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ મનપાના હેલ્થ વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના નિકોલ વિસ્તારમાં રોયલ બંગ્લોઝમાં કોઈ પણ જાતની મંજૂરી વગર વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી ‘ગાયનું ઘી’ બનાવી નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરાતા હોવાની બાતમી મળતી ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં રોયલ બંગ્લોઝ, ચિત્રકુટ આવાસ યોજના પાસે આવેલા મકાન નં. ૧૧૩ના પ્રથમ માળે રામગોપાલ રાણારામજી કુંપાવત દ્વારા ગેરકાયદેસર રીતે ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ એકમ પાસે FSSAI અન્વયેનું કોઈ પણ લાયસન્સ કે રજીસ્ટ્રેશન નહોતું. અહીં વનસ્પતિ ઘી (વેજીટેબલ ફેટ) અને પામોલીન તેલ ભેળવીને તેને ‘મંગલમૂર્તિ’ બ્રાન્ડના નામે ગાયના શુદ્ધ ઘી તરીકે પેક કરવામાં આવતું હતું.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પેકિંગ પર ઉત્પાદક તરીકે ‘વધમારુ ફૂડ પ્રોડક્ટ્સ, કઠવાડા’નું નામ દર્શાવવામાં આવતું હતું. આ લેબલ પર જે FSSAI લાયસન્સની મુદત પણ પૂરી થઈ ગઈ છે. આમ, છતાં ગ્રાહકોને છેતરવા માટે જૂના લાયસન્સ અને ખોટી વિગતોનો સહારો લેવાતો હતો.
હેલ્થ વિભાગની ટીમે સ્થળ પરથી ૫૦૦ ગ્રામ અને ૧૦૦ મીલીના પેક કરેલા જાર સહિત કુલ ૪૦૦ કિલોગ્રામ ડુપ્લીકેટ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. ૧,૬૦,૦૦૦ થાય છે. આ ઉપરાંત, પેકિંગ માટેના ખાલી જાર, લેબલો, ગેસ સિલિન્ડર, મોટા તપેલા અને અન્ય સાધનો મળી અંદાજે ૫૦૦ કિલો જેટલો અન્ય સામાન પણ સીઝ કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ અન્વયે ‘મંગલમૂર્તિ’ બ્રાન્ડના ઘીના નમૂનાઓ લઈ તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.