SURAT

VIDEO: ઉકાઈ ડેમના 13 દરવાજા 6 ફૂટ ખોલી દેવાયા, અદ્દભૂત નજારો જોવા મળ્યો

સુરત(Surat): મંગળવારે તા. 19 જુલાઈના રોજ સવારે 10 વાગ્યાથી ઉકાઈ ડેમના 13 દરવાજા 6 ફૂટ ખોલી (Ukai Dam) 1.88 લાખ ક્યૂસેક (Cusec) પાણી છોડવાનું શરૂ કરાયું છે. 10 દરવાજા 10 ફૂટ જ્યારે 1 દરવાજા 8 ફૂટ અને 2 દરવાજા 7 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સાથે જ તંત્ર દ્વારા તાપી કિનારે વસતા ગામોના લોકોને એલર્ટ (Alert) કરાયા છે. તાપી કિનારે નહીં જવા સૂચના અપાઈ છે. 1.88 લાખ ક્યૂસેક પાણી છોડાતું હોવાના લીધે તાપીમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાં વરસાદ (Rain) અને હથનૂર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાના લીધે ઉકાઈમાંથી 1.88 લાખ ક્યૂસેક પાણી છોડવાની ફરજ પડી છે. હાલ ઉકાઈ ડેમ રૂલ લેવલથી ઉપર વહી રહ્યો છે.

19-07-2022, બપોરે 03:00 કલાકનું અપડેટ

  • ઉકાઈની સપાટી 332.36 ફૂટ
  • ઈનફલો 72174 ક્યૂસેક
  • આઉટફલો 187634 ક્યૂસેક

મંગળવારે બપોરે ઉકાઈ ડેમની સપાટી 332.36 ફૂટ થઈ હતી. ડેમમાં ઈનફલો 72174 ક્યૂસેક અને આઉટફલો 1,87,634 ક્યૂસેક નોંધાયો હતો. મહારાષ્ટ્રમાં આવેલા પ્રકાશ ડેમમાંથી હાલમાં 1,49,37 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુંછે. તાપી જિલ્લાના નિઝર, કુકરમુંડા, વ્યારા અને સોનગઢના લોકોને તાપી કિનારે નહીં જવા સૂચના અપાઈ છે.

તાપી બે કાંઠે વહેવા લાગતા લોકો જોવા ઉમટ્યા
ઉકાઈ ડેમ રૂલ લેવલ ક્રોસ કરતા તંત્ર દ્વારા ઈનફલો કરતા અઢી ગણું પાણી ડેમમાંથી છોડવાનું શરૂ કરાયું છે, જેના લીધે તાપીમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવ્યું છે. ડેમમાંથી છોડાયેલા 1.88 લાખ ક્યૂસેક પાણીને લીધે તાપી આ સિઝનમાં પહેલીવાર બે કાંઠે થઈ છે. પાણીના ધસમસતા પ્રવાહના લીધે તાપીમાં અદ્દભૂત નજારો જોવા મળી રહ્યો છે. લીલ સહિતનો કચરો પાણીના પ્રવાહ સાથે તણાઈ રહ્યો છે.  કોઝવે ખાતે તાપી નદીની સપાટી વધીને 7.72 મીટરે પહોંચી ગઈ છે.

તાપી નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો
ઉકાઈ ડેમમાંથી 1.88 લાખ પાણી છોડાઈ રહ્યું હોય તાપી નદી પર આવેલો બારડોલી તાલુકાના હરિપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કોઝવે પરથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવતા સામે પાર આવેલા 10થી વધુ ગામોનો કડોદ તેમજ બારડોલીથી સીધો સંપર્ક તૂટવા પામ્યો છે.

સાવધાનીને ધ્યાનમાં લઈને તંત્રએ સુરત જિલ્લા કલેક્ટર, તાપી જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર અને ફ્લેડ કંટ્રોલ સેલ ગાંધીનગરને જાણ કરવામાં આવી છે. બીજી તરફ સુરત જિલ્લામાં વરસાદ ખુબજ સામાન્ય વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં 2 એમએમ, બારડોલી તાલુકામાં 4 એમએમ અને મહુવામાં 3 એમએમ નોંધાયો છે.

Most Popular

To Top