SURAT

સુરત સિવિલ હોસ્પીટલમાં બે કલાક બત્તી ગુલ,દર્દીઓ અને ડોક્ટર પરેશાન

surat : નવી સિવિલમાં ( new civil hospital) વહેલી સવારે બે કલાક સુધી વીજળી ડુલ ( power cut) થઇ ગઇ હતી. જેના કારણે અનેક દર્દીઓ અને તેની સાથે આવનારા લોકો હેરાન થયા હતા. સિવિલના રેસીડેન્ટ ડોક્ટરોએ દર્દીઓને મોબાઇલ ટોર્ચ ( mobile torch) વડે તપાસીને તેઓની સારવાર કરવી પડી હતી. આ ઉપરાંત વીજળી ડુલ થઇ જવાને કારણે નવા કેસ પેપર કાઢવાની કામગીરી, સર્ટિફિકેટ કાઢવાની કામગીરી તેમજ બ્લડ રિપોર્ટ ( blood report) અને અન્ય સર્ટિફિકેટો આપવાની કામગીરીમાં અસર થઇ હતી.સુરત સિવિલ હોસ્પીટલમાં છેલ્લા કેટલાય સમયથી દર્દીઓએ તકલીફ સહન કરી રહ્યા છે, દવાની લાઈનો ,કેસ પેપર માટે લાઇન જેવી નાની મોટી સમસ્યાઓ ચાલતી રહે છે .ત્યારે હવે લાઇટ ગુલ થઈ જતાં દર્દીઓ અને ડોક્ટરો બંનેને તકલીફ સહન કરવી પડે છે.


પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે નવી સિવિલ હોસ્પિટલમાં અચાનક ઈલેક્ટ્રીસીટી સપ્લાઈ બંધ થઇ ગયો હતો. નવી સિવિલ હોસ્પિટલની મુખ્ય ઇલેક્ટ્રીસિટી લાઇનમાં શોર્ટસર્કિટ થયું હતું અને ટેક્નિકલ ખામી સર્જાતા વીજળી ડુલ થઇ હતી. વીજળી ડૂલ થવાને કારણે સર્જરીની ઓપીડી, ડેન્ટલ ઓપીડી, મેડિસિનની ઓપીડી તેમજ હીમોફીલિયાની ઓપીડીમાં અંધારપટ છવાઈ ગયો હતો. સૌથી વધારે અસર મેડીસીન વિભાગમાં થઇ હતી. અહીં વિવિધ પ્રકારના દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. તેઓને તપાસવા માટે રેસીડેન્ટ ડોક્ટરોએ મોબાઇલ ટોર્ચ શરૂ કરીને તપાસ કરી હતી. આ ઉપરાંત કેસ પેપર કાઢવા માટે પણ રજીસ્ટરમાં નોંધણી કરવામાં આવી હતી.

ચારેય બાજુથી પેક નવી સિવિલ હોસ્પિટલમાં વિવિધ ઓપીડીમાં દર્દીઓ બફારાના કારણે હેરાન થયા હતા. મુખ્ય કેસ બારી તથા 10 નંબરની ઓપીડીમાં કોમ્પ્યુટરાઈઝ કામગીરી ઉપર અસર પહોંચી હતી ત્યારે ઘણા દર્દીઓને હાથથી કેસ પેપર લખીને આપવામાં આવ્યું હતું. જ્યારે 10 નંબરની ઓપીડીની બહાર રિપોર્ટ લેવા આવેલા દર્દીઓ તેમજ ચેકઅપ કરવામાં માટે આવેલા દર્દીઓને કલાકો સુધી બહાર બેસીને કલાક સુધી રાહ જોવી પડી હતી. આ સમગ્ર ઘટના અંગે જ્યારે સિવિલ સુપ્રિટેન્ડન્ટ અને આરએમઓ સહિતના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ સાથે વાત થઇ શકી ન હતી.

Most Popular

To Top