મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે થયેલી એક ફોન વાતચીત હાલમાં વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. વિવિધ આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ ટ્રમ્પે નેતન્યાહુને ઇઝરાયેલ દ્વારા લેબનોનમાં કરવામાં આવેલા હુમલાઓને લઈને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો.
માહિતી અનુસાર ટ્રમ્પ ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીથી ખૂબ જ નારાજ હતા, કારણ કે આ હુમલાઓના કારણે અમેરિકા દ્વારા ઈરાન સાથે ચાલી રહેલી શાંતિ અને રાજદ્વારી પ્રક્રિયાને નુકસાન પહોંચવાની આશંકા ઊભી થઈ હતી. ચાલી રહેલી ચર્ચા અનુસાર ફોન પર ટ્રમ્પે નેતન્યાહુને જણાવ્યું કે તેમની કાર્યવાહીથી ઇઝરાયેલની આંતરરાષ્ટ્રીય છબી ખરાબ થઈ રહી છે અને દુનિયાભરમાં ઇઝરાયેલ પ્રત્યે નારાજગી વધી રહી છે.
“તમે હવે બધાની નજરમાં ખરાબ બની ગયા છો”
મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે ટ્રમ્પે વાતચીત દરમિયાન નેતન્યાહુને કહ્યું કે, “હવે દરેક વ્યક્તિ તમારાથી નારાજ છે. આ પ્રકારની કાર્યવાહીથી ઇઝરાયેલને નુકસાન થઈ રહ્યું છે.” ટ્રમ્પે હુમલાઓને અતિશય પ્રતિક્રિયા ગણાવી હતી અને ચેતવણી આપી હતી કે તેનાથી સમગ્ર વિસ્તારમાં ફરી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
“જો હું ન હોત તો તમે જેલમાં હોત”
રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પે ગુસ્સામાં નેતન્યાહુને તેમના કાનૂની કેસોની પણ યાદ અપાવી હતી. તેમણે કથિત રીતે કહ્યું કે, “જો હું તમારો સાથ ન આપ્યો હોત તો કદાચ આજે તમે જેલમાં હોત.” આ નિવેદન નેતન્યાહુ સામે વર્ષોથી ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને છેતરપિંડી સંબંધિત કેસોના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ અગાઉ પણ જાહેરમાં નેતન્યાહુના સમર્થનમાં નિવેદનો આપી ચૂક્યા છે અને તેમના વિરુદ્ધ ચાલતી કાર્યવાહી રદ કરવા અથવા માફી આપવા માટે અપીલ કરી ચૂક્યા છે.
લેબનોન અને હિઝબુલ્લાહ મુદ્દે વધ્યો વિવાદ
તાજેતરમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેના અથડામણો વધુ ઉગ્ર બન્યા હતા. લેબનોનના કેટલાક વિસ્તારોમાં ઇઝરાયેલી હવાઈ હુમલાઓ થયા હતા, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની હતી. અમેરિકા ઈરાન સાથે સંવાદ જાળવી રાખવા અને વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આ હુમલાઓએ સમગ્ર રાજદ્વારી પ્રક્રિયાને મુશ્કેલીમાં મૂકી દીધી હોવાનું માનવામાં આવે છે.
ટ્રમ્પે યુદ્ધ રોકવા માટે દબાણ વધાર્યું
અહેવાલો મુજબ ટ્રમ્પે નેતન્યાહુ પર વધુ હુમલાઓ અટકાવવા માટે ભારે દબાણ કર્યું હતું. મહત્વ નું છે કે અમેરિકી મધ્યસ્થી બાદ ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે અથડામણો ઘટાડવા માટે પ્રયાસો શરૂ થયા હતા. જોકે નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું હતું કે જો હિઝબુલ્લાહ તરફથી હુમલા ચાલુ રહેશે તો ઇઝરાયેલ પણ જવાબી કાર્યવાહી કરવાનું બંધ નહીં કરે.
વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનો વિષય
ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચેની આ તીખી વાતચીત દર્શાવે છે કે મધ્ય પૂર્વની સ્થિતિને લઈને અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે પણ મતભેદો ઊભા થઈ રહ્યા છે. સામાન્ય રીતે બંને નેતાઓને નજીકના સહયોગી તરીકે જોવામાં આવે છે, પરંતુ તાજેતરના ઘટનાક્રમે સંબંધોમાં તણાવની ઝલક આપી છે. વિશ્લેષકોના મતે આ ઘટના મધ્ય પૂર્વની ભવિષ્યની રાજદ્વારી અને સુરક્ષા નીતિઓ પર અસર કરી શકે છે.
ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે થયેલી આ કથિત ફોન વાતચીતે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી છે. એક તરફ અમેરિકા વિસ્તારમાં શાંતિ સ્થાપવા માંગે છે, જ્યારે બીજી તરફ ઇઝરાયેલ પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યું છે. આવનારા દિવસોમાં બંને દેશોના સંબંધો અને મધ્ય પૂર્વની સ્થિતિ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.