World

અમેરિકી લશ્કરી કોર્ટેમાં 911 કેસમાં આખરે ટ્રાયલની તારીખ નક્કી, 25 વર્ષ બાદ પણ ન્યાયની પ્રક્રિયા અધૂરી

અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001ના આતંકી હુમલાના કથિત મુખ્ય સૂત્રધાર ખાલિદ શેખ મોહમ્મદ સામે હવે આખરે ટ્રાયલની તારીખ નક્કી થઈ છે. અમેરિકી લશ્કરી ન્યાયાધીશે બુધવારે આ કેસની કાર્યવાહી 5 જૂન 2028થી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. ખાલિદ શેખ મોહમ્મદ સાથે અન્ય 3 આરોપીઓ પણ ગ્વાન્ટાનામો બે, ક્યુબામાં લશ્કરી ટ્રિબ્યુનલ સમક્ષ ટ્રાયલનો સામનો કરશે. આ નિર્ણય 9/11 હુમલાના લગભગ 27 વર્ષ બાદ આવ્યો છે.

9/11 હુમલામાં લગભગ 3,000 લોકોનાં મોત

11 સપ્ટેમ્બર 2001ના રોજ અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદીઓએ 4 મુસાફર વિમાન હાઈજેક કર્યા હતા. બે વિમાનો ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ સાથે અથડાયા હતા, જ્યારે ત્રીજું વિમાન વોશિંગ્ટન ડીસીમાં પેન્ટાગોન સાથે અથડાયું હતું. ચોથું વિમાન પેન્સિલવેનિયામાં તૂટી પડ્યું હતું. આ હુમલામાં લગભગ 3,000 લોકોનાં મોત થયા હતા અને તે અમેરિકાના ઇતિહાસના સૌથી ભયાનક આતંકી હુમલાઓમાં સામેલ છે. ખાલિદ શેખ મોહમ્મદ પર આ સમગ્ર કાવતરાનું આયોજન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે.

કેસ 20 વર્ષથી વધુ સમયથી અટવાયેલો

આ કેસની સૌથી મોટી ખાસિયત એ છે કે આરોપીઓ સામેની કાનૂની કાર્યવાહી વર્ષોથી ચાલી રહી છે, પરંતુ અંતિમ ટ્રાયલ શરૂ થઈ શક્યો નથી. ખાલિદ શેખ મોહમ્મદ અને અન્ય આરોપીઓ સામે 2008માં આરોપો મૂકવામાં આવ્યા હતા. ત્યારથી પુરાવા, પૂછપરછની રીત અને કાનૂની પ્રક્રિયા અંગે સતત વિવાદ ચાલતો રહ્યો છે. લશ્કરી ન્યાયાધીશ લેફ્ટનન્ટ કર્નલ માઈકલ શ્રામાએ અગાઉ પ્રોસિક્યુશન દ્વારા માંગવામાં આવેલી જાન્યુઆરી 2027ની ટ્રાયલ તારીખને નકારી કાઢી હતી. તેમના મતે કેસમાં બાકી રહેલી પ્રી-ટ્રાયલ અરજીઓ અને પુરાવા સંબંધિત મુદ્દાઓ ઉકેલવા માટે વધુ સમય જરૂરી છે.

કયા આરોપીઓ સામે થશે કાર્યવાહી?

ખાલિદ શેખ મોહમ્મદ સાથે ટ્રાયલનો સામનો કરનારા અન્ય આરોપીઓમાં વાલિદ બિન અત્તાશ, અલી અબ્દુલ અઝીઝ અલી અને મુસ્તફા અહમદ અલ-હૌસાવીનો સમાવેશ થાય છે. આ તમામને 9/11ના કાવતરામાં કથિત ભૂમિકાને લઈને આરોપી બનાવવામાં આવ્યા છે.

  • ખાલિદ શેખ મોહમ્મદ
  • વાલિદ બિન અત્તાશ
  • અલી અબ્દુલ અઝીઝ અલી
  • મુસ્તફા અહમદ અલ-હૌસાવી

એક અન્ય આરોપી રમઝી બિન અલ-શિભને માનસિક રીતે ટ્રાયલ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યો છે, તેથી તેની કાર્યવાહી અલગ છે.

CIAની પૂછપરછ બની સૌથી મોટી કાનૂની મુશ્કેલી

આ કેસમાં સૌથી જટિલ મુદ્દાઓમાંનો એક આરોપીઓ પાસેથી લેવામાં આવેલા નિવેદનો અને પૂછપરછની રીત છે. ખાલિદ શેખ મોહમ્મદને 2003માં પાકિસ્તાનમાં પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને CIAની ગુપ્ત કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો અને 2006માં ગ્વાન્ટાનામો બે મોકલવામાં આવ્યો હતો. કોર્ટમાં એ અંગે પણ લાંબી કાનૂની લડાઈ ચાલી રહી છે કે CIAની કસ્ટડી દરમિયાન લેવામાં આવેલા કેટલાક નિવેદનો પુરાવા તરીકે સ્વીકારી શકાય કે નહીં. આરોપીઓના વકીલોનો દાવો છે કે કેટલાક નિવેદનો જબરદસ્તી અને ત્રાસપૂર્ણ પૂછપરછની પરિસ્થિતિમાં મેળવવામાં આવ્યા હતા.

મૃત્યુદંડનો મુદ્દો પણ કેન્દ્રમાં

આ કેસમાં આરોપીઓને મૃત્યુદંડ થઈ શકે છે. અગાઉ ખાલિદ શેખ મોહમ્મદ અને અન્ય આરોપીઓ સાથે સોદો કરવાની પ્રક્રિયા પણ થઈ હતી, જેમાં મૃત્યુદંડ ટાળીને આજીવન કેદનો વિકલ્પ હતો. જોકે આ સમજૂતી સામે કાનૂની પડકારો આવ્યા અને 2025માં અમેરિકી અપીલ કોર્ટે તેને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. હવે 5 જૂન 2028થી ટ્રાયલ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે કેસમાં હજુ પણ અનેક પ્રી-ટ્રાયલ કાનૂની મુદ્દા બાકી હોવાથી કાર્યવાહી ફરી પાછળ ઠેલાય તેવી શક્યતા સંપૂર્ણપણે નકારી શકાય નહીં.

9/11ના ઘા બાદ હવે ન્યાયની રાહ

અમેરિકા માટે આ કેસ માત્ર એક આતંકવાદી હુમલાની કાનૂની કાર્યવાહી નથી. 9/11 હુમલાને 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે અને આટલા લાંબા સમય બાદ પણ મુખ્ય આરોપીઓ સામે ટ્રાયલ શરૂ થઈ શક્યો નથી. હવે 2028ની તારીખ નક્કી થતાં પીડિત પરિવારો માટે વર્ષોથી ચાલતી ન્યાયની રાહને નવી દિશા મળી છે.

Most Popular

To Top