Technology

મેટાએ અમેરિકાના 47 રાજ્યો સાથે કરી સમજૂતી, $17.1 બિલિયન સુધી ચૂકવવાની તૈયારી

સોશિયલ મીડિયા કંપની મેટા માટે બાળકોની સુરક્ષા સાથે જોડાયેલો મોટો કાનૂની વિવાદ હવે અબજો ડોલરની સમજૂતી પર પહોંચ્યો છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને કિશોરો માટે વ્યસનકારક બનાવવામાં આવ્યા, બાળકોને પૂરતી સુરક્ષા આપવામાં આવી નહીં અને નાની ઉંમરના વપરાશકર્તાઓનો ડેટા યોગ્ય રીતે સુરક્ષિત કરવામાં આવ્યો નહીં એવા આરોપો વચ્ચે મેટાએ અમેરિકાના 47 રાજ્યો, વોશિંગ્ટન ડીસી અને કેટલાક અમેરિકી પ્રદેશો સાથે સમજૂતી કરી છે. કંપની 10 વર્ષ દરમિયાન વધુમાં વધુ આશરે $17.1 બિલિયન ચૂકવી શકે છે અને સાથે ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામમાં બાળકો માટે મોટા સુરક્ષા ફેરફારો કરવાની સંમતિ આપી છે.

કિશોરોના સોશિયલ મીડિયા ઉપયોગ પર આવશે સમય મર્યાદા

સમજૂતી હેઠળ મેટાએ 18 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓ માટે નવા નિયંત્રણો લાગુ કરવાની સંમતિ આપી છે. તેમાં દરરોજ સોશિયલ મીડિયા ઉપયોગ માટે 2 કલાકની ડિફોલ્ટ મર્યાદા, રાત્રિના સમયે એપ્લિકેશનના ઉપયોગ પર રોક અને શાળાના સમય દરમિયાન સૂચનાઓ બંધ કરવાની વ્યવસ્થા સામેલ છે. આ ઉપરાંત કિશોરોના ખાતામાં પસંદગી અને ગોપનીયતાને વધુ સુરક્ષિત બનાવવામાં આવશે. અજાણ્યા અથવા શંકાસ્પદ પુખ્ત વયના લોકો સાથે સંપર્ક ઘટાડવા અને બાળકોને અયોગ્ય સામગ્રીથી દૂર રાખવા માટે પણ નવા નિયમો લાગુ થશે.

ઉંમર છુપાવીને ખાતું બનાવવું મુશ્કેલ બનશે

સમજૂતીનો મહત્વનો ભાગ ઉંમર ચકાસણી સાથે જોડાયેલો છે. મેટાએ નાની ઉંમરના બાળકોને પ્લેટફોર્મથી દૂર રાખવા માટે વધુ કડક ઉંમર ચકાસણી વ્યવસ્થા લાગુ કરવાની સંમતિ આપી છે. ખાસ કરીને 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ખાતું બનાવતા રોકવા માટે કંપનીએ વધુ મજબૂત વ્યવસ્થા કરવાની રહેશે. આ પ્રક્રિયા પર સ્વતંત્ર નિરીક્ષક દ્વારા પણ નજર રાખવામાં આવશે.

‘લાઈક’ અને કેટલીક સુવિધાઓ પર પણ રોક

નવા નિયમોમાં બાળકોને અસર કરી શકે તેવી કેટલીક સુવિધાઓ પર પણ નિયંત્રણ મૂકવામાં આવશે. નાની ઉંમરના વપરાશકર્તાઓ માટે લાઈક અને પ્રતિક્રિયાઓની સંખ્યા છુપાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. કેટલીક એવી સુવિધાઓ પણ દૂર કરવામાં આવશે જેને બાળકો માટે હાનિકારક માનવામાં આવી છે. આ ઉપરાંત કિશોરોને વ્યક્તિગત પસંદગીના આધારે સામગ્રી બતાવવાને બદલે બિન-વ્યક્તિગત સામગ્રીનો વિકલ્પ પણ આપવામાં આવશે.

મેટા પર આરોપ શું હતો?

અમેરિકાના રાજ્યોનો આરોપ હતો કે મેટાએ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને એવી રીતે ડિઝાઇન કર્યા કે બાળકો અને કિશોરો લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરતા રહે. કેસમાં એવો પણ આરોપ હતો કે કંપની પ્લેટફોર્મની સુરક્ષા અંગે લોકોને ગેરમાર્ગે દોરી રહી હતી અને 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો વ્યક્તિગત ડેટા યોગ્ય મંજૂરી વિના એકત્ર કરવામાં આવતો હતો. આ કેસમાં શરૂઆતમાં 29 અમેરિકી રાજ્યો સામેલ હતા અને કેસ કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં ચાલી રહ્યો હતો. કાર્યવાહી દરમિયાન કંપની સામે સંભવિત નુકસાનની રકમ અબજો ડોલર સુધી પહોંચી શકે તેવી ચર્ચા પણ થઈ હતી.

મેટાએ આરોપ સ્વીકાર્યા નથી

મહત્વનું એ છે કે આ સમજૂતીનો અર્થ મેટાએ કાયદો તોડ્યો હોવાનું સ્વીકારી લીધું એવો નથી. કંપનીએ ગેરરીતિના આરોપોને નકાર્યા છે, પરંતુ લાંબી કાનૂની લડાઈને બદલે સમજૂતી અને પ્લેટફોર્મમાં ફેરફારનો રસ્તો પસંદ કર્યો છે. આ સમજૂતીથી મળનારી રકમનો ઉપયોગ રાજ્યોમાં બાળકો અને યુવાનોના માનસિક આરોગ્ય, સંકટ સમયે મદદ, ડિજિટલ સાક્ષરતા અને અન્ય યુવા કેન્દ્રિત કાર્યક્રમોમાં થઈ શકે છે.

હવે સોશિયલ મીડિયા કંપનીઓ પર વધશે દબાણ

મેટા સાથેની આ સમજૂતી માત્ર એક કંપની પૂરતી મર્યાદિત રહી શકે તેવી નથી. અમેરિકામાં ટિકટોક, યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓ સામે પણ બાળકોની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યને લઈને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. મેટાએ પણ અન્ય મોટી કંપનીઓને સમાન સુરક્ષા પગલાં અપનાવવા અપીલ કરી છે. એટલે આગામી સમયમાં બાળકો સોશિયલ મીડિયા પર કેવી રીતે અને કેટલો સમય રહી શકે, તેની આસપાસના નિયમો વધુ કડક બનવાની શક્યતા છે.

Most Popular

To Top