Sports

ટ્રેન્ટ બોલ્ટ ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લેશે! ન્યૂઝીલેન્ડ બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર

નવી દિલ્હી: ક્રિકેટ (Cricket) ચાહકો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ન્યૂઝીલેન્ડનો (New Zealand) ક્રિકેટ સ્ટાર અને ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ (Trent Boult) નિવૃત્તિ (Retirement) લેવાનું વિચારી રહ્યો છે. ફાસ્ટ બોલર તરીકે પોતાની ઓળખ બનાવર અને વનડે મેચમાં નંબર વન બનનાર ટ્રેન્ટ ક્રિકેટ જગતને હવે અલવિદા કહેશે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે તે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ (NZC)ની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર થઈ ગયો છે.

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર થવાનો નિર્ણય 33 વર્ષીય ટ્રેન્ટ બોલ્ટે પોતે લીધો છે. આના પર ન્યુઝીલેન્ડ બોર્ડ પણ સહમત થઈ ગયું છે. પરંતુ અહીં ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે કે બોલ્ટે સંન્યાસ લેવાની ના પાડી દીધી છે. તેણે આ બધું પરિવાર સાથે સમય પસાર કરવા અને વિશ્વભરમાં ક્રિકેટ લીગ રમવા માટે કર્યું છે.

12 વર્ષ સુધી દેશ માટે ક્રિકેટ રમવા બદલ ગર્વ છે
ટ્રેન્ટ બોલ્ટે કહ્યું કે ‘ખરેખર આ નિર્ણય મારા માટે ઘણો મુશ્કેલ હતો. મને ટેકો આપવા બદલ NZC નો આભાર. દેશ માટે રમવું એ મારું બાળપણનું સપનું હતું. 12 વર્ષ સુધી દેશ માટે રમ્યાનો ગર્વ છે. મારો આ નિર્ણય સંપૂર્ણપણે પત્ની ગર્ટ અને ત્રણ છોકરાઓ માટે હતો. પરિવાર હંમેશા મારા માટે પ્રેરણારૂપ રહ્યો છે. ક્રિકેટ પછી તેને પ્રાથમિકતા આપીને હું સારું અનુભવું છું. ,

બોલ્ટ, જેણે બ્રેક લેવા અથવા નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું છે!
ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પણ ટ્રેન્ટ બોલ્ટના આ નિર્ણય બાદ ફેન્સને કહ્યું કે બોલ્ટના નિર્ણઁયને ખોટી રીતે ન લો કારણે કે તે માત્ર ક્રિકેટ જગતથી બ્રેક લઈ રહ્યો છે. અને આ નિર્ણય તેની કારકિર્દીનો અંત નથી. સાથે જ ન્યુઝીલેન્ડ બોર્ડે કહ્યું કે જે ખેલાડીઓ કરારમાં છે તેમને જ પસંદગીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. આવી સ્થિતિમાં અનુમાન લગાવી શકાય છે કે બોલ્ટે આડકતરી રીતે થોડો સમય બ્રેક લીધો છે અથવા તો તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું મન બનાવી લીધું છે.

ટ્રેન્ટ બોલ્ટે IPLમાં ધમાલ મચાવી હતી
ટ્રેન્ટ બોલ્ટે દેશ માટે રમતા અત્યાર સુધીમાં 78 ટેસ્ટમાં 317 વિકેટ અને 93 વનડેમાં 169 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત તેણે 44 ટી20 મેચમાં 62 વિકેટ ઝડપી છે. બોલ્ટ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પણ રમી ચૂક્યો છે. તે છેલ્લી એટલે કે 2022 IPL સિઝનમાં રાજસ્થાન તરફથી રમતા જોવા મળ્યો હતો. બોલ્ટે IPLની 78 મેચમાં 92 વિકેટ લીધી છે.

Most Popular

To Top