Gujarat

મેઘમહેર: સૌરાષ્ટ્રના ડેમો છલકાયા, દરિયો તોફાની બનતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાતમાં (Gujarat) ફરી એકવાર વરસાદી (Rain) માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં 75 તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ (Heavy rain) નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડતા ડેમ નદીઓ (Dam River) છલકાયા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર સહિતના વિસ્તારમાં સારો એવો નોંધાયો છે. વરસાદના પગલે સૌરાષ્ટ્રની નદીઓમાં નવા નીર આવ્યા છે. સારા વરસાદના પગલે સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીની આવક વધી છે. વરસાદના પગલે રાજકોટ જિલ્લાનો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે ભાદર-1 ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે. રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના 17 ડેમોમાં નવા નીર આવ્યા છે. મોરબી જિલ્લાના પાંચ ડેમોમાં પણ નવા નીર આવ્યા છે.

વરસાદના બીજા રાઉન્ડમાં સારા વરસાદના પગલે રાજકોટનો ભાદર-2 ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાદર-1 ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. સૌરાષ્ટ્રમાં થઈ રહેલા વરસાદને કારણે જળાશયોના જળસ્તર વધ્યા છે. ભાદર-1 ડેમની કુલ સપાટી 34 ફૂટ છે. ભાદર ડેમમાં 18 હજાર 167 ક્યૂસેક પાણીની આવક શરૂ થઈ છે. ભાદર ડેમમાં પાણીની આવક વધતા સપાટી 25.80 ફૂટ પર પહોંચી છે. રાજકોટને પાણી પુરુ પાડતા ભાદર-1, વેણુ-2 ડેમ અને ભાદર-2 ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે.

આ તરફ છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે મહેસાણાના વિજાપુર અને મહિસાગરના સંતરામપુર તથા ગીર સોમનાથના કોડીનારમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અરવલ્લીના મોડાસામાં 2 ઈંચ,મહિસાગરના કડાણામાં 2 ઈંચ તેમજ દાહોદના ઝાલોદમાં પણ 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ સાબરકાંઠામાં હિંમતનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો છે. હડિયોલ, ગઢોડા અને કાંકણોલ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડયો હતો. હડીયોલમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા.

11 અને 12 ઓગસ્ટે અહીં થશે ભારે વરસાદ
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ થવાની વકી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. 11 ઓગસ્ટેના પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 12 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે. અમદાવાદમાં આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી છે.

દરિયો ન ખેડવા માછીમારોને સૂચના
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાના કારણે વરસાદની સિસ્ટમ સક્રિય બની છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને પગલે દરિયો તોફાની બન્યો છે. સમુદ્રમાં ભારે પવન ફુંકાવાના પગલે જાફરાબાદ બંદર પર 10 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. બીજી તરફ જૂનાગઢ માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. દરિયામાં ભારે મોજાં ઉછળવાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Most Popular

To Top