Columns

ઊંચે ઊઠવા માટે

એક ઝેન ગુરુ ખૂબ જ જ્ઞાની અને સરળ હતા.ન તેમનો કોઈ આશ્રમ હતો;ન તેમના કોઈ શિષ્યો.તેમને જાણનારા તેમના મિત્રો બધા તેમને આશ્રમ સ્થાપવાની અને પોતાનું જ્ઞાન શિષ્યોને આપવાની અપીલ કરતા. તેઓ એમ જ કહેતા કે ‘આખી દુનિયા મારી છે અને મારું કોઈ નથી આ બંને સત્યો મને સ્વીકાર છે.મારું જ્ઞાન મારું છે અને મારું જ્ઞાન બધાનું છે એમાં કોઈએ મારા શિષ્યની જરૂર નથી.આશ્રમ કરીને મારે એક જગ્યાએ બંધિયાર નથી થઈ જવું અને આશ્રમ કરીને મારે મારો આશ્રમ છે એમ તેના મોહમાં નથી બંધાવું.મારે કોઈ અમુક શિષ્યોને જ માત્ર મારું જ્ઞાન નથી આપવું.મારું જ્ઞાન બધા માટે છે અને મારું જ્ઞાન કંઈ પર્યાપ્ત નથી. હજી મારે ઘણું શીખવાનું બાકી છે અને એક જગ્યાએ અટકી જઈને મારે શીખવાનું ,જાણવાનું, છોડવું નથી.હું ફરતો જ સારો છું.

જુદી જુદી જગ્યાએ જઈને જુદા જુદા લોકોને મળું છું.કંઇક તેમને શીખવાડું છું અને કંઇક હું તેમની પાસેથી શીખું છું.’ એક દિવસ તેઓ એક નગરમાં પહોંચ્યા અને એક ઝાડ નીચે બેઠા. ધીરે ધીરે લોકોને ખબર પડતાં બધા તેમની પાસે આવવા લાગ્યા અને કોઈ પોતાના પ્રશ્નો પૂછતાં, કોઈ સમસ્યાઓનું નિવારણ માંગતા.કોઈ માત્ર તેમની જ્ઞાનભરી વાતો સાંભળીને પોતાનું જ્ઞાન વધારતા. નગરના રાજાએ તેમને મહેલમાં પધારવાનું નિમંત્રણ મોકલ્યું.સરળ ઝેન ગુરુ રાજાના દરબારમાં પહોંચ્યા. રાજાએ તેમને આવકાર આપ્યો અને પછી કહ્યું, ‘ગુરુજી મને ભગવાને બધું જ આપ્યું છે.સંપત્તિ, સન્માન, સંતાન, કુટુંબ બધું જ છે.પરંતુ મારી ઈચ્છા છે કે મારે હજી વધુ ને વધુ ઊંચે જવું છે.નગરમાં સર્વોચ્ચ પદ પર બીરાજું છું છતાં મનમાં ઈચ્છા છે કે મારે હજી ઉપર પહોંચવું છે.ચારે બાજુ મારી નામના છે પરંતુ મનમાં ઈચ્છા છે કે મારી ખ્યાતિ હજી દૂર સુધી ફેલાય.માટે તમે મને રસ્તો દેખાડો કે હજી વધુ ઉન્નતિ કરવા મારે શું કરવું જોઈએ?’

ઝેન ગુરુ હસ્યા અને એક સરસ સ્મિત આપી આખી સભાને નમન કરતાં કરતાં જમીન પર બેસી ગયા.કોઈને કંઈ સમજાયું નહિ, પણ ઝેન ગુરુએ નમન કર્યા એટલે બધાએ સામા નમન કર્યા.રાજાએ પણ નમન કર્યા અને કહ્યું, ‘ગુરુજી, આપ વંદનીય છો પરંતુ આપ શા માટે બધાને વંદન કરો છો અને આપ જમીન પર નીચે શું કામ બેઠા. આમ મારી નજીકના આ ઉચ્ચ સિંહાસન પર બિરાજો અને મારા પ્રશ્નનો જવાબ આપો.’ ઝેન ગુરુ એટલું જ બોલ્યા, ‘રાજન્ મેં તારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે.ઊંચે જવા માટે જેટલા ઊંચે જવું હોય તેટલા નીચે નમવું પડે.તું નમ્રતા કેળવ.લોકોની નજીક જા.બધાની સામે અભિમાન છોડી નમીને વર્તન કર. તું આપોઆપ ઊંચે ઊઠતો જઈશ.’ રાજાએ સિંહાસન પરથી ઊભા થઈને ઝેન ગુરુના પગ પકડી લીધા.      
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top