SURAT

‘બે જણા મારો પીછો કરી રહ્યાં છે’, સુરતના 19 વર્ષીય યુવકે મોટાભાઈને ફોન કર્યો અને પછી..

સુરત : (Surat) ઉન પાટીયા ખાતે નેશનલ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં રહેતા યુવાનના અપહરણ (Kidnap) કેસમાં તેણે જાતે જ તરકટ રચ્યું હોવાનું બહાર આવ્યું છે.

  • ઉન પાટીયા નેશનલ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં રહેતા અરશદ નામના 19 વર્ષીય યુવકે અપહરણનું નાટક કર્યું
  • પિતાએ બે દિવસ પહેલાં ઠપકો આપતા વતન જતા રહેવા નાટક કર્યું
  • ભાઈને ફોન કરી અજાણ્યા પીછો કરી રહ્યાં હોવાનું કહી ફોન સ્વીચ ઓફ કરી દીધો

પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉન પાટીયા નેશનલ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ સોમનાથ ટી સેન્ટરની ઉપર રહેતા અરશદ તેના નાના ભાઈ અને પિતા સાથે રહે છે. તેનો નાનો ભાઈ 19 વર્ષીય રાશીદ ગઈકાલે કારખાનામાંથી ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાંથી તેના ભાઈને ફોન કરીને કોઈ બે અજાણ્યા તેનો પીછો કરી રહ્યા હોવાનું કહીને ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જેથી પાંડેસરા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પાંડેસરા પોલીસની ટીમે રાશીદને સુરત રેલ્વે સ્ટેશનથી શોધી કાઢ્યો હતો.

રાશીદની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, રાશીદ ત્રણેક માસથી પોતાના વતન ખાતેથી સુરત આવ્યો હતો. અને તેના પિતાએ તેને પોતાની ફેક્ટરી પર કામ કરવા રાખ્યો હતો. રાશીદના મિત્રો વંશ રાજપુત અને છોટુ ઉર્ફે સની રાશીદને મળવા માટે અવાર-નવાર તેના ઘરે અને ફેક્ટરીમાં આવતા હતા. જેના કારણે રાશીદના પિતાએ તેને ત્રણેક દિવસ પહેલા ઠપકો આપ્યો હતો. અને તેને મળવા આવેલા તેના મિત્રોને ઘરેથી કાઢી મુક્યો હતો. જે વાતનું રાશીદને ખોટુ લાગી આવતા તેણે પોતાના પિતા સાથે ઝઘડો કર્યો હતો. અને પોતે ગામ જવા માગંતો હતો. પરંતુ તેના પિતા તથા ભાઇ અરશદ તેને વતન જવા દેતા નહોતા. જેથી તેણે અપહરણનું તરકટ રચ્યું હતું

પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ અલગથી ગુનો દાખલ કરાયો
રાશીદે સુરતમાં રહેવું નહીં હોવાથી તેના મિત્ર વંશ સર્વેસલાઇ રાજપુત (ઉં.વ.૧૮ રહે-ઘનશ્યામનગર શેરી નં-૭ લાભેશ્વર ચોકી પાસે, વરાછા તથા મુળ મુરેના, મધ્ય પ્રદેશ તથા છોટુ ઉર્ફે સની લાલ સકવાર (ઉ.વ.૧૯ ધંધો-જરીકામ રહે-ઘનશ્યામનગર શેરી નં- લાભેશ્વર ચોકી પાસે, વરાછા તથા મુળ મધ્ય પ્રદેશ) સાથે ભેગા મળી પોતાનું અપહરણ થયાનું સ્ટંટ કર્યો હતો. ત્રણેય સામે પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ અલગથી ગુનો દાખલ કરાયો છે.

Most Popular

To Top