શિક્ષણજગતની ઘટનાઓ ચિંતા ઉપજાવનારી છે

એક તરફ કોરોના મહામારીએ ફરી આપણને ચિંતાગ્રસ્ત કર્યા છે તો સાથે સાથે સમાજના ઘડતર માટે અગત્યના ગણાતા શિક્ષણ ક્ષેત્રના સમાચાર પણ ચિંતા વધારનારા છે. ઉત્તર ગુજરાત યુનિ.માં એમ.બી.બી.એસ. એટલે કે મેડિકલની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને રી-એસેસમેન્ટ દ્વારા પાસ કરાવવાનું કૌભાંડ થયું છે તેવા આક્ષેપો થયા છે. સરકારે વાતને ગંભીરતાથી લઇને શિક્ષણ સચિવને તપાસના આદેશ આપ્યા છે.

જેઓ કૌભાંડ કરીને પાસ થયા છે તેમના સત્તા પક્ષના નેતાઓ સાથે સંબંધ છે માટે આખી તપાસનું પરિણામ શું આવે છે તેની રાહ જોવાની રહી. સાવ બોગસ ડિગ્રી સાથે ડોકટર બનનારા સમાજ માટે જોખમરૂપ છે. ભારતમાં જયારે જયારે કૌભાંડ થાય ત્યારે ત્યારે અગાઉ આવાં કેટલાં કૌભાંડ થયાં હશે તે વિચાર આવ્યા વગર રહેતો નથી. નેતાઓ ખોટી રીતે ચૂંટણી જીતે અને નિર્ણાયક સ્થાનો પર ગોઠવાઇ દેશ-સમાજનું નુકસાન કરે, વિદ્યાર્થીઓ ખોટી રીતે પરીક્ષાઓ પાસ કરી ખોટી રીતે મહત્ત્વનાં સ્થાનો પર ગોઠવાય એટલે ઉપરથી નીચે સુધી કેટલો સડો છે તે ખ્યાલમાં આવે છે.

ઉત્તર ગુજરાત યુનિ.ના જ બીજા સમાચાર એ છે કે એક જ અઠવાડિયામાં ત્રણ પરીક્ષા નિયામક બદલાયા. આમ તો ઘણા સમયથી આ યુનિ. કાર્યકરો પરીક્ષા નિયામકથી ચાલતી આવી છે. તેમાં અચાનક એક કાયમી પરીક્ષા નિયામકની નિમણૂક કરવામાં આવી અને તે ચાર્જ સંભાળે તેના ચોવીસ કલાક થાય તે પહેલાં તેમની નિમણૂક રદ કરી ફરી કાર્યકારી પરીક્ષા નિયામકની નિમણૂક કરી દેવામાં આવી.

યુનિવર્સિટીમાં રજીસ્ટાર, પરીક્ષા નિયામક આ બધાં પદો કુલપતિશ્રી જેટલા જ અગત્યના અને મહત્ત્વનાં છે. આ પદો પર નિયુકિતની લાયકાત છે અને નિમણૂકની એક કાયદામાન્ય પ્રક્રિયા છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ તાત્કાલિક નિમણૂક કરી અને તાત્કાલિક નિમણૂક રદ કરીને ઘણા બધા પ્રશ્નો ઊભા કર્યા છે પણ આ બધા પ્રશ્નોમાં સૌથી અગત્યનો પ્રશ્ન છે નિસ્બતનો અને પદની ગંભીરતાનો! શું યુનિવર્સિટીઓ અને શિક્ષણ બોર્ડમાં નિયુકિતઓ નિસ્બતપૂર્વક અને ગંભીરતાપૂર્વક થાય છે ખરી? અને જો આ અગત્યનાં પદો પરથી નિમણૂક આ રીતે થાય તે આ પદે બેસનાર વ્યકિત વિદ્યાર્થીઓના પરીક્ષા કે શિક્ષણ અંગેના નિર્ણયો ગંભીરતાપૂર્વક કેવી રીતે લેશે?

શિક્ષણ ક્ષેત્રે નિયુકિતના નિર્ણયો વિવાદાસ્પદ છે તેવી જ રીતે શિક્ષણ ક્ષેત્રના નિર્ણયો પણ વિવાદાસ્પદ રહયા છે. સરકારે રાજયની ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની ભરતી માટે હવે કેન્દ્રિય ધોરણે (મેરીટ) ગુણવત્તા નક્કી કરી આપવાનું નક્કી કર્યું છે. આમ તો અધ્યાપકની ભરતી કોલેજે જ કરવાની છે પણ ઉમેદવારોનું મેરીટ સરકાર નક્કી કરી આપશે અને સરકાર એટલે વ્યવહારમાં અધિકારીઓ હવે ગુજરાતમાં અધ્યાપકોની ગુણવત્તા નક્કી કરવાના જે માપદંડો નક્કી થયા છે તેણે ખાસ્સો વિવાદ સજર્યો છે. ખાસ તો ગુણવત્તાના માપનમાં જો ઉમેદવારે એમ.ફીલ. કર્યું છે તો સાત ગુણ ગણવા, પી.એચ.ડી. કર્યું છે તો પચ્ચીસ ગુણ ગણવા. પણ જો ઉમેદવારે એમ.ફીલ. અને પી.એચ.ડી. એમ બંને ડીગ્રી મેળવી હોય તો માત્ર પચ્ચીસ માર્કસ જ ગણવા. આ નિયમ ખાસ્સો ચર્ચાનો વિષય બન્યો છે અને ચર્ચા થાય જ, કારણ જેણે બે ડીગ્રી મેળવી તે એક ડીગ્રીવાળા સમકક્ષ થઇ ગયો.

કેન્દ્રિય પધ્ધતિની અરજી મંગાવી ગુણવત્તા નિર્ધારણમાં એક ગંભીર બાબત સામે આવી છે તે એ કે બહુ જ બધા બીજા રાજયના વિદ્યાર્થીઓએ ગુજરાતમાં અધ્યાપક થવા અરજી કરી છે. વળી અનુભવના માર્કસ, પી.એચ.ડી.ના માર્કસ આ બધામાં આ વિદ્યાર્થીઓ રજૂ કરેલા સર્ટી.ના આધારે માર્કસ વધારે મેળવી રહ્યા છે. ગુજ.ના વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે હિન્દીભાષી રાજયોમાં વર્ષો પહેલાં પી.એચ.ડી. કરીને ખાનગી કોલેજ કે યુનિવર્સિટીમાં નોકરી કરતા બીજા રાજયના યુવાનોને અનુભવ અને પી.એચ.ડી.ના માર્કસ મળી જાય તો ગુજરાતના તાજેતરમાં પાસ થયેલા ‘ફ્રેશ’ હોંશિયાર વિદ્યાર્થીઓને આ ભરતીમાં ચાન્સ જ ન મળે!

એક શંકા એવી પણ હવે થાય છે કે જેમ ગુજરાતની તમામ રાષ્ટ્રિયકૃત બેંકોમાં કેન્દ્રિય કચેરીઓમાં બિનગુજરાતી ઓફિસરો વધતા જાય છે તેમ આ કેન્દ્રિય ભરતી પ્રક્રિયાના કારણે કોલેજોમાં અને આવનારા સમયમાં શાળાઓમાં પણ બિન ગુજરાતીઓ જ નોકરી કરતા હોય તો નવાઇ ન પામવું! ભરતી પ્રક્રિયાના નિયમોની જેમ જ ચિંતા ઉપજાવે તેવા સમાચાર એ પણ છે કે નવી શિક્ષણનીતિના ઉદારમતનો ઉપયોગ કરીને (ગેરઉપયોગ!) હવે યુનિ.ઓ એવો નિયમ લાવી રહી છે કે આર્ટસના વિદ્યાર્થીને પણ એન્જીનિયરીંગમાં એડમિશન આપવામાં આવશે! વર્ષોથી એન્જીનિયરીંગ કોલેજોમાં ક્રમશ: વિદ્યાર્થી સંખ્યા ઘટતી જાય છે. આ કોલેજોના લાભાર્થે તો આ નિયમ નથી બદલાવાનો ને? એવા પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. કારણ આર્ટસના વિદ્યાર્થીએ ગણિત છોડી દીધું હોય અને એન્જીનિયરીંગનો પાયો જ ગણિત છે. એટલે આમાં શિક્ષણનું હિત છે કે સંચાલકોનું હિત એ વિચારવાનો પ્રશ્ન છે જ!

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts