Editorial

નાની બચત યોજનાઓના વ્યાજ દરોનો કાપ પાછો ખેંચવાનો નિર્ણય: આ સરકારમાં કોઇ સંકલન જ નથી?

આપણા દેશમાં રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રો(એનએસસી), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ) જેવી અનેક નાની બચત યોજનાઓ દાયકાઓથી ચાલે છે. સરકાર સંચાલિત આ યોજનાઓમાં મોટે ભાગે ઓછી આવક ધરાવતા લોકો રોકાણ કરતા હોય છે અને તેમને સામાન્ય રીતે બેંક થાપણો કરતા ઉંચા દરે આમાં વ્યાજ આપવામાં આવે છે. આમાં વ્યાજના દર સમયે સમયે બદલાતા રહે છે. હાલ નવો ત્રિમાસિક ગાળો અને નવું નાણાકીય વર્ષ શરુ થવાના ટાણે આ યોજનાઓ પરના વ્યાજ દરોમાં મોટો કાપ જાહેર કરવામાં આવ્યો, ત્યાં સુધી તો ઠીક છે પણ બીજા જ દિવસે નાણા મંત્રીએ જાહેર કર્યું કે આ વ્યાજ દર કાપ પાછો ખેંચવામાં આવે છે. દર કાપ જાહેર કરવામાં ભૂલ થઇ હતી તેવો ખુલાસો નાણા મંત્રીએ કર્યો! આવું કદાચ પહેલા ક્યારેય બન્યું નથી.

File Picture

નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે સવારે ટ્વીટર પર જણાવ્યું હતું કે પીપીએફ અને એનએસસી- જેવી નાની બચત યોજનાઓ પરનો તીવ્ર વ્યાજકાપ સરકાર પાછો ખેંચી લેશે. તેમણે જણાવ્યું હતું કે તે કાપ મૂકવામાં ભૂલ થઇ હતી. આવું શા માટે કરવામાં આવ્યું? એવો જ વિચાર પહેલા તો આવે. પણ આ પગલું કાપ મૂકવાના નિર્ણયથી જ્યાં ચૂંટણીઓ ચાલી રહી છે તે પશ્ચિમ બંગાળ, આસામ તથા અન્ય ત્રણ રાજ્યોમાં સામાન્ય માણસને થનાર નુકસાનને કારણે સરકારને ફટકો પડે તેવા ભયથી ભરવામાં આવ્યું હોવાનું માનવમાં આવે છે.

જ્યારે સરકાર સામાન્ય રીતે નાની બચત પરના વ્યાજ દરો દરેક ત્રિમાસિક ગાળાના અંતે જાહેર કરે છે તે મુજબ બુધવારે ૩૧ માર્ચે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ) અને નેશનલ સેવિંગ્સ સ્કિમ(એનએસસી) સહિતની બચત યોજનાઓ પરના નવા વ્યાજ દર જાહેર કરવામાં આવ્યા હતા જેમાં આવી લગભગ તમામ નાની બચત યોજનાઓ પર ૧.૧ ટકા જેટલો વ્યાજ કાપ મૂકવામાં આવ્યો હતો. આ વ્યાજ કાપ પશ્ચિમ બંગાળમા બીજા તબક્કાની ચૂંટણીના એક દિવસ પહેલા જ જાહેર થયો હતો, જે તબક્કાની ચૂંટણીમાં રાજકીય હોટબેડ નંદીગ્રામમાં પણ મતદાન છે જ્યાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પોતે ચૂંટણી લડી રહ્યા છે.

નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરોમાં તીવ્ર કાપ મૂકાયાના થોડા કલાકોમાં જ આ કાપ પાછો ખેંચી લેવાયો હતો જેમાં એવું કારણ અપાયું હતું કે આ નિર્ણય ઉતાવળે લેવામાં ભૂલ થઇ છે! આ કદાચ અભૂતપૂર્વ છે. શું નાણા મંત્રાલય અને સરકારના અન્ય વિભાગો વચ્ચે અને નાણા મંત્રાલયના વિવિધ વિભાગો વચ્ચે કોઇ સંકલન જ નહીં હોય? જેમાં દેશના કરોડો લોકો રોકાણ કરતા હોય છે તેવી બચત યોજનાઓના વ્યાજ દરમાં ફેરફાર જાહેર કરવા જેવી ગંભીર બાબતમાં પણ કોઇ ચર્ચા જ કરવામાં આવી ન હોય? સરકારો ઘણા પગલાં ચૂંટણીઓને અનુલક્ષીને લેતી હોય છે અને જો પાંચ વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખવાની જ હતી તો વ્યાજ દરમાં કાપ આમ ઉતાવળે શા માટે જાહેર કરી દેવાયો? કે તેને થોડા જ કલાકોમાં પાછો ખેંચવો પડે? પણ આ સરકાર ઘણુ બધું અભૂતપૂર્વ કરી રહી છે.

ભારત સરકારની નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો ૨૦૨૦-૨૧ના છેલ્લા ક્વાર્ટરમાં જે હતા તે દરે જ ચાલુ રહેશે, માર્ચ ૨૦૨૧માં જે દરો પ્રવર્તતા હતા તે જ ચાલુ રહેશે. ઉતાવળમાં ભૂલથી બહાર પાડવામાં આવેલ આદેશો પાછા ખેંચવામાં આવશે એમ નાણા મંત્રી સીતારમણે પહેલી એપ્રિલે સવારે ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પીપીએફ પરનો વ્યાજ દર ગઇકાલે ૦.૭ ટકા ઘટાડીને ૬.૪ ટકા જ્યારે એનએસસી પરનો વ્યાજ દર ૦.૯ ટકા ઘટાડીને પ.૯ ટકા કરવામાં આવ્યો હતો. સૌથી મોટો દર કાકપ એ વર્ષની ટર્મ ડિપોઝિટ પર મૂકાયો હતોો જેમાં ૧.૧ ટકા કાપ મૂકીને તે પ.પ ટકા પરથી ૪.૪ ટકા કરવામાં આવ્યો હતો. કોઇ તો નાણા મંત્રીના આ ટ્વીટને પહેલી એપ્રિલે એપ્રિલ ફૂલની મજાક પણ સમજી બેસે, પણ ના આ મજાક ન હતી, નાણા મંત્રી દ્વારા કરવામાં આવેલી ગંભીર જાહેરાત હતી. જો કે હાલની સરકારે ઘણા મજાક જેવા પગલાઓ ભર્યા જ છે અને ઘણા નિર્ણયોમાં, જાહેરાતોમાં કે તેમાં યુ-ટર્ન લેવામાં પ્રજાને રમૂજ પુરી પાડી જ છે. આને પણ આવું જ એક રમૂજભર્યું પગલું સમજી લેવું, બીજું શું?

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top