60,000 કરોડ રૂપિયાના રાફેલ સોદામાં માત્ર 8.62 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર?

2016 ના સપ્ટેમ્બરમાં ભાજપના મોરચાની સરકારે ફ્રાન્સની દસો કંપની પાસેથી ૩૬ રાફેલ વિમાનો ખરીદવાનો સોદો કર્યો ત્યારથી વિપક્ષો તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરતા હતા, પણ તેમને કોઈ નક્કર પુરાવાઓ મળતા નહોતા. કોંગ્રેસ પક્ષ અને તેના અધ્યક્ષ રાહુલ ગાંધી ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી રાફેલના કથિત ભ્રષ્ટાચારના મુદ્દા પર જ લડવા માગતા હતા. આ કારણે જ તેમણે ચૂંટણી દરમિયાન ‘ચોકીદાર ચોર હૈ’ નો નારો પ્રચલિત કર્યો હતો. જો કે રાહુલ ગાંધી રાફેલના સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સાબિત ન કરી શકતાં તેમનો નારો ચાલ્યો નહોતો. હવે આ સોદાનાં પાંચ વર્ષ પછી ફ્રાન્સની મીડિયાપાર્ટ નામની સમાચાર સંસ્થાએ ધડાકો કર્યો છે કે રાફેલના સોદામાં ફ્રેન્ચ કંપની દ્વારા ભારતના એક વચેટિયાને દસ લાખ યુરોનું કમિશન આપવામાં આવ્યું છે. ૬૦,૦૦૦ કરોડ રૂપિયાના રાફેલ સોદામાં દસ લાખ યુરો કે ૮.૬૨ કરોડ રૂપિયા નાની રકમ છે; તો પણ આ ધડાકાને કારણે નરેન્દ્ર મોદીની ભાજપ મોરચા સરકાર મુસીબતમાં મૂકાઇ જાય તેમ છે.

ફ્રાન્સના કાયદાઓ મુજબ કોઈ કંપની પોતાના ગ્રાહકને મૂલ્યવાન ઘડિયાળ મફત આપે કે તેને ફાઇવ સ્ટાર હોટેલમાં લંચ કરાવે તેને પણ ભ્રષ્ટાચાર ગણવામાં આવે છે. અહીં તો રાફેલ વિમાન બનાવતી ફ્રેન્ચ કંપનીએ ભારતની એક કંપનીને દસ લાખ યુરો જેવી માતબર રકમ આપી છે અને હિસાબમાં તેનો ઉલ્લેખ ‘ગ્રાહકને ભેટ’ તરીકે કરવામાં આવ્યો છે. આ ભારતીય કંપનીનું નામ ડેફસિસ સોલ્યુશન છે અને તેના માલિકનું નામ સુશેન ગુપ્તા છે. આ કંપની દિલ્હી નજીક આવેલા ગુરુગ્રામમાં પોતાની ઓફિસ ધરાવે છે, જેમાં ૧૭૦ કર્મચારીઓ કામ કરે છે. ફ્રાન્સની કંપનીએ ભારતની કંપનીને રાફેલ જેટની ૫૦ પ્રતિકૃતિઓ બનાવવા માટે દસ લાખ યુરો આપ્યા હતા; તો પણ નવાઇની વાત છે કે તેનો ઉલ્લેખ ગિફ્ટ તરીકે કરવામાં આવ્યો હતો. ભારતની કંપનીએ આ ૫૦ પ્રતિકૃતિ બનાવી હોય તેવા કોઈ પુરાવા ન હોવાથી તે રકમ લાંચની જણાઈ રહી છે.

ફ્રાન્સની કંપની દ્વારા ભારતની કંપનીને રાફેલની પ્રતિકૃતિઓ બનાવવા માટે દસ લાખ યુરો જેવી જંગી રકમ આપવામાં આવે તે વાત જ શંકા પેદા કરનારી છે. જો ફ્રાન્સની કંપની રાફેલની પ્રતિકૃતિ તૈયાર કરવા માગતી હોય તો તે કામ કરે તેવી અનેક કંપનીઓ ફ્રાન્સમાં છે. તેનો કોન્ટ્રેક્ટ ભારતની કંપનીને આપવાની કોઈ જરૂર જ નહોતી. અનિલ અંબાણીની કંપનીને દસો કંપની દ્વારા કેટલાક છૂટા ભાગોનું ઉત્પાદન કરવા માટે કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો તે તો ભારત સરકાર સાથે કરવામાં આવેલા સોદાનો ભાગ હતો. ડેફસિસ સોલ્યુશન નામની કંપની બાબતમાં ભારત સરકારે તેવો કોઈ સોદો કર્યો નહોતો.

ભારતની કંપની દ્વારા પ્રતિકૃતિઓ બનાવીને પૂરી પાડવામાં આવી હોય તેવા કોઈ પુરાવા ફ્રાન્સની કંપની પૂરા પાડી શકતી નહોતી. નવાઇની વાત એ હતી કે ભારતની કંપની ઓર્ડર મુજબ માલ પૂરો પાડી શકી નહોતી તો પણ ફ્રેન્ચ કંપની દ્વારા તેની સામે કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી. તેનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ હતી કે ડેફસિસ સોલ્યુશન કંપનીને વિમાનની પ્રતિકૃતિ બનાવવાનો કોઈ અનુભવ નહોતો.

આ કંપનીની સ્થાપના ૨૦૦૭ માં બેંગ્લોરમાં થઈ હતી. ૨૦૧૪ માં તેણે ગુરુગ્રામમાં પોતાનું કારખાનું નાખ્યું હતું. તેનો મુખ્ય ધંધો ફ્લાઇટ સિમ્યુલેટરો અને વીજળીક ઉપકરણો બનાવવાનો છે. તેના માલિક સુશેન ગુપ્તા ૨૦૧૯ માં અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં જેલમાં પણ જઈ આવ્યા છે. ટૂંકમાં શસ્ત્રોના સોદામાં તેઓ વચેટિયા તરીકે જાણીતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો દાવો હતો કે રાફેલ સોદામાં કોઈ વચેટિયો રાખવામાં આવ્યો નથી. તો પછી ડેફસિસ સોલ્યુશન કંપનીને ગિફ્ટ આપવાની જરૂર કેમ પડી?

ડેફસિસ સોલ્યુશન કંપનીના માલિક સુશેન ગુપ્તા હરિયાણાની ભાજપ સરકાર સાથે મીઠા સંબંધો ધરાવતા હોવાનું પણ સમજાય છે. ભાજપ સરકારે ગુરુગ્રામના સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં આ કંપનીને સોનાની લગડી જેવી જમીન પાણીના ભાવે આપી હતી. આ કંપનીના ૯૯.૯૯ ટકા શેરો ડીએમજી ફાઇનાન્સ કંપનીના હાથમાં હતા, જ્યારે બાકીના ૦.૧ ટકા શેરો સુશેન ગુપ્તાના નામે હતા. ૨૦૧૯ માં આ કંપનીના ૪૯ ટકા શેરો દેવાશ્રય ટ્રસ્ટે, ૪૯ ટકા શેરો સિર્સ ટ્રસ્ટે અને બાકીના બે ટકા શેરો શ્રીમતી શૂભ્રા ગુપ્તાએ ખરીદી લીધા હતા, જેને કારણે જમીનની માલિકી પણ તેમની થઈ ગઈ હતી. આ બે ટ્રસ્ટો પણ સુશેન ગુપ્તાના પરિવારની માલિકીના હતા. તેને કારણે કંપનીની માલિકીની જમીન પણ ટ્રસ્ટોની માલિકીની થઈ ગઈ હતી. હરિયાણા સરકાર દ્વારા તેની મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. જમીનના આ સોદામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા પેદા થાય છે.

જો રાફેલના સોદામાં ૨૦૧૭ માં ભ્રષ્ટાચાર થયો હોય તો શા માટે ફ્રાન્સની સરકારે આજ દિન સુધી કોઈ કાર્યવાહી નહોતી કરી? શા માટે મીડિયામાં કોઈ હેવાલ આવ્યો નહોતો? શા માટે આજની તારીખમાં આ હેવાલ લિક કરવામાં આવી રહ્યો છે? તેવા સવાલો પણ થાય છે. મીડિયાપાર્ટના હેવાલ મુજબ ફ્રાન્સની સરકારના ધ્યાનમાં આ ગરબડ ૨૦૧૮ માં આવી હતી. ફ્રાન્સની ભ્રષ્ટાચારવિરોધી શાખાએ દસો કંપનીને સવાલ કર્યો હતો કે આ દસ લાખ યુરો ભારતની કંપનીને ક્યા કામ માટે આપવામાં આવ્યા હતા? દસો કંપની તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો તો પણ ફ્રાન્સની ભ્રષ્ટાચારવિરોધી શાખા દ્વારા સરકારને તેની જાણ કરવામાં આવી નહોતી. તેણે પોતાના હેવાલમાં માત્ર બે ફકરામાં આ ગરબડનો ઉલ્લેખ કર્યો હતો. તેના પરથી ખ્યાલ આવે છે કે ફ્રાન્સમાં ભ્રષ્ટાચારની તપાસ કરતી સંસ્થા દ્વારા જ આ બાબત પર ઢાંકપિછેડો કરવામાં આવ્યો હતો.

મીડિયાપાર્ટના હાથમાં આ હેવાલ કેવી રીતે આવ્યો અને ક્યારે આવ્યો? તેમણે શા માટે આટલા સમય સુધી આ હેવાલ દબાવી રાખ્યો? તેનો પણ કોઈ ખુલાસો મળતો નથી. મીડિયાપાર્ટ ફ્રાન્સની સ્વતંત્ર સમાચાર સંસ્થા છે, જેનું પોતાનું પોર્ટલ પણ છે. મીડિયાપાર્ટના પોર્ટલ પર જાહેરાત કરવામાં આવી છે કે તેઓ આ હેવાલ ત્રણ ભાગમાં પ્રકાશિત કરવાના છે. તેનો પહેલો ભાગ બહાર પડતાં જ ભારતમાં ખળભળાટ ચાલુ થઈ ગયો છે. ભાજપના સાડા છ વર્ષના શાસનમાં ભ્રષ્ટાચારનો એક પણ કિસ્સો બહાર ન આવ્યો હોવાને કારણે વિપક્ષો હતાશ થઈ ગયા હતા.

રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર પુરવાર કરવા માટે તેમણે બહુ પ્રયાસો કર્યા હતા. આ સોદાની તપાસ કરાવવા માટે તેઓ સુપ્રિમ કોર્ટ સુધી ગયા હતા, પણ હતાશ થયા હતા. સુપ્રિમ કોર્ટે તપાસનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો, જેને કારણે વિપક્ષોના હાથ હેઠા પડ્યા હતા. હવે મીડિયાપાર્ટના ધડાકાને કારણે વિપક્ષો પાસે મોદી સરકાર સામે ફોડવાનો દારૂગોળો આવી ગયો છે.

રાફેલ સોદામાં જેનું નામ ચમક્યું છે તે સુશેન મોહન ગુપ્તાની ૩૬૦૦ કરોડ રૂપિયાના અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તાજના સાક્ષી બનેલા રાજીવ સક્સેનાના કહેવા મુજબ આ સોદામાં જે કમિશન ચૂકવવામાં આવ્યું હતું તે ગૌતમ ખૈતાન ઉપરાંત સુશેન ગુપ્તાના ખાતામાં પણ ગયું હતું. નિદર્શન વિભાગના જણાવ્યા મુજબ સુશેન ગુપ્તાના ઘરેથી કેટલીક ડાયરીઓ મળી આવી હતી, જેમાં કમિશન કોને ચૂકવાયું તેનાં નામો હતાં. જો કે સુશેન ગુપ્તા ભાજપ સાથે સંકળાયેલો હોવાના કોઈ પુરાવા હજુ સુધી મળ્યા નથી.

આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts