Columns

વ્યક્તિની સાચી કસોટી


એક ગુરુજીના આશ્રમમાં એક નવો શિષ્ય દૂરના ગામડામાંથી આવ્યો હતો.ગુરુજીના આશ્રમના અમુક શિષ્યો તે ગામડિયા શિષ્યને બહુ જ હેરાન કરતા. બધા સાથે મળી તેની મજાક કરતા, તેના પર પાણી નાખતા, તેનાં પુસ્તકો છુપાવી દેતાં,ગુરુજીએ કહ્યું છે કહીને તેની પાસે સતત પોતાનાં કામ કરાવતાં.

ગુરુજીએ બધું જાણ્યું અને કોઈને ખબર ન પડે તેમ પેલા શિષ્યોને નવા શિષ્યને હેરાન કરતા જોયા.ગુરુજીને પોતાના શિષ્યો દ્વારા આશ્રમમાં થતી આવી પ્રવૃત્તિથી બહુ દુઃખ થયું.તેમણે કૈંક નિર્ણય લીધો. બીજે દિવસે સવારે તેમણે પ્રાર્થના બાદ જાહેર કર્યું કે ‘આજથી દર દસ દિવસ માટે હું એક શિષ્યને સંચાલક બનાવીશ અને તે આશ્રમની ગતિવિધિ પર નજર રાખશે અને જો કોઈ ગેરલાયક વર્તન હશે તે વિશે મને માહિતી આપશે.જે પણ વ્યક્તિ આશ્રમમાં કોઈ પણ ખરાબ વર્તન કરતાં પકડશે તો તેને આશ્રમમાંથી કાઢી મૂકવામાં આવશે. સૌથી પહેલા સંચાલક તરીકે હું આજે સૌથી નવા આવેલા શિષ્યની નિમણૂક કરું છું.’

ગામડામાંથી આવેલા નવા શિષ્યને હેરાન કરતાં બધા શિષ્યોના હાંજા ગગડી ગયા કે ‘હવે આવી બન્યું.ગુરુજીએ આપેલી આ તકનો પેલો ગામડિયો લાભ ઉઠાવશે અને આપણી વિરુદ્ધ કાલે જ ફરિયાદ કરશે.’ બીજે દિવસે સવારે ગુરુજીએ નવા સંચાલક બનેલા શિષ્યને પૂછ્યું, ‘છે કોઈ ફરિયાદ…આશ્રમમાં કોઈની સાથે કોઈ ગેરવર્તન થયું છે, કોઈએ બિનવ્યાજબી પ્રવૃત્તિ કરી છે?’ નવા શિષ્યને અત્યાર સુધી હેરાન કરનાર બધા શિષ્યોને થયું ‘હમણાં આપણા વિરુદ્ધ ફરિયાદ થશે અને આપણને બધાને સજા થશે.’તેઓ ડરી ગયા.પણ નવા શિષ્યે કહ્યું, ‘ના કોઈ ફરિયાદ નથી.’

એક શિષ્યથી ચૂપ ન રહેવાતાં તેણે ઊભા થઈ કહ્યું, ‘શા માટે ચૂપ રહે છે? શું કામ ડરે છે? કહી દે તને હેરાન કરનાર બધાંનાં નામ..’ ગુરુજી બધું જાણતા હતા. તેમણે કહ્યું, ‘જો કોઈ તને હેરાન કરતું હોય તો મને જણાવ.હું તેને હમણાં જ સજા કરીશ.’ નવા શિષ્યે કહ્યું, ‘ગુરુજી, મને માફ કરજો, હું કોઈના નામ આપવા માંગતો નથી.તેમને સજા થાય અને તેમને આશ્રમ છોડીને જવું પડે તેવી મારી કોઈ ઈચ્છા નથી.હું અહીં બધાની જેમ વિદ્યા મેળવવા આવ્યો છું અને અન્ય કોઈને મારે કારણે સજા થાય તેવું ઈચ્છતો નથી.’

ગુરુજી ઊભા થયા અને નવા શિષ્યને શાબાશી આપતાં કહ્યું, ‘શાબાશ, તારા વિચારો ઉચ્ચતમ છે.શિષ્યો, હું જાણું છું કે તમારામાંથી અમુક શિષ્યોએ આ શિષ્યને બહુ પરેશાન કર્યો છે અને આજે તક હોવા છતાં તેણે કોઈનાં નામ આપ્યાં નથી.કોઈ વ્યક્તિના મન અને વિચારોની સાચી કસોટી કરવી હોય તો તેને સત્તા આપો, હક્ક આપો, પછી તે કઈ રીતે વર્તન કરે છે તે જુઓ.અત્યારે ફરિયાદ કરવાનો હક્ક અને તક હોવા છતાં આ શિષ્યે કોઈનાં નામ ન આપીને પોતાના ઉમદા મન અને વિચારની સાબિતી આપી છે.’ નવા શિષ્યે હેરાન કરનાર શિષ્યોએ તેની માફી માંગી.

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top