Charchapatra

નકલી દૂધ? નકલી ઇન્જેકશન?

3જી મે ના ‘ગુજરાતમિત્ર’ અખબારની કોલમ ‘ટુ ધ પોઇન્ટ’ દ્વારા નકલી દૂધની દુ:ખદ માહિતી જાણવા મળી! દૂધ પણ નકલી! નકલી દૂધ બનાવનાર પ્રજાની તંદુરસ્તી સાથે કેવી રમત રમે છે? એની બનાવટમાં યુરિયા(!), ખાવાનો સોડા, બટર ઓઇલ તથા વિદેશી દૂધના પાવડરનું પાણી નાંખી પ્રજાને મૂર્ખ બનાવવામાં આવે છે! લેખકશ્રીએ મહારાષ્ટ્ર રાજયની ઘટના આલેખી છે પણ ગુજરાતના મહેસાણા શહેરમાં પણ આ પ્રકારનું કારખાનું આવેલું છે! લેખકના જણાવ્યા મુજબ બજારમાં મળતું 90 ટકા દૂધ નકલી હોય છે! આપણાં દેશમાં ભેળસેળ કેટલી હદ સુધી કરવામાં આવે છે એનો અહીં પર્દાફાશ કરવામાં આવ્યો છે. બે-ત્રણ દિવસ પહેલાં ‘ગુજરાતમિત્ર’ના અહેવાલ મુજબ સુરતમાં જ નકલી રેમડેસિવિર ઇન્જેકશન બનાવતું કારખાનું ઝડપાયું હતું! હાલના કપરા સંજોગોમાં પણ નાંણાની લાલચે આવા માનવતાવિહિન કૃત્યો કરવાના? મોરબી સુધી આ ઇન્જેકશનો જતા હતાં! માનવસેવા નહીં થાય તો નહીં કરો પણ પ્રજાના સ્વાસ્થ્ય સાથે તો ચેડા ન જ થાય! આપણા દેશમાં ભેળસેળિયા વૃત્તિની માનસિકતા પ્રજાના દિમાગમાં ઘર કરી ગઇ છે! અનેકો જીવનજરૂરિયાતની વસ્તુઓ તથા દવાઓમાં પણ ભેળસેળ થાય છે. આ કેટલે અંશે યોગ્ય છે? અને આમજનતા બધી જ વસ્તુ ચકાસવા માટે સમર્થ નથી જ હોતી. અને આ ‘ટુ ધ પોઇન્ટ’ની માહિતી મુજબ કેટલા વર્ષોથી મુંબઇવાસીઓ નકલી દૂધ પીતાં હશે? ગુજરાતમાં પણ તપાસ થાય તો નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ તો થાય જ. અહીં બધું જ નકલી મળવા માંડયું છે! કદાચ પ્રજાને સદી પણ ગયું છે!
સુરત – નેહા શાહ–આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top