અમારા એરિયામાં કેમ આવ્યો કહી ત્રિપૂટીનો યુવક પર ચાકુથી હુમલો

વડોદરા: વરસીયામાં અમારા એરિયામાં કેમ આવ્યો છે ? તેમ કહી કિશનવાડી વુડાના મકાનમાં કાકાને મળવા ગયેલા સેવઉસળ લારી ધારક વેપારીને ચાકૂના ઘા મારી ઇજા પહોંચાડી ત્રિપુટી નાસી છૂટી હોવાનો બનાવ વારસિયા પોલીસ મથકે નોંધાયો છે. ફરિયાદના આધારે પોલીસે હુમલાખોર ત્રિપુટીના સગડ મેળવવાની તજવીજ વારસિયા પોલીસે હાથ ધરી છે.  શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી સુવાસ કોલોનીમાં રહેતા 40 વર્ષીય અતુલભાઇ કનૈયાલાલ રાણા ફતેગંજ બ્રિજ પાસે ગુંજન સેવ ઉસળ નામની નાસ્તાની લારી ધરાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગઈકાલે રાત્રે 10 વાગ્યાના સુમારે તેઓ પોતાની એક એક્ટિવા લઈ કિશનવાડી વુડાના મકાન ખાતે રહેતા તેમના કાકાને મળવા માટે નીકળ્યા હતા. જયાંથી પરત ફરતાં કિશનવાડી વુડાના મકાન ખાતેના સંદીપના પાન પડીકીના ગલ્લા પાસે ઊભા હતા. તે વખતે બુટી નામનો શખ્સ તેના બે સાગરીતો સાથે ધસી આવ્યો હતો.

દરમિયાન અમારા એરિયામાં કેમ આવ્યો છે ? તેમ કહી એકટીવાને લાત મારી રોડ પર ફેંકી અપશબ્દો બોલ્યા હતા. જેથી અપશબ્દો બોલવા નહીં જણાવતા બુટીએ ચપ્પુ કાઢી તેના બે મિત્રોએ મને પાછળથી પકડી રાખ્યો હતો. અને બુટીએ કમરના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. મદદ માટે બૂમો પાડતા સ્થાનિક રહીશો મદદે દોડી આવી મને બચાવ્યો હતો. દરમ્યાન બુટી સહિતની ત્રિપુટી નાસી છુટી હતી અને ધમકી આપી હતી કે ફરીવાર આ એરિયામાં દેખાયો તો જાનથી મારી નાખીશું. હાલમાં અતુલભાઇ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે વારિસયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારી અને ધાકધમકીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts