Madhya Gujarat

આણંદમાં સાયન્સ ફિક્સન ‘ગજબ થઇ ગયો’ ફિલ્મની ટીમ આવી

આણંદ : આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી ખાતે ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય સુપરસ્ટાર મલ્હાર ઠાકર આવતા પી.એમ. પટેલ કોલેજ કેમ્પસમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમ વખત સાયન્સ ફિક્સન ગજબ થઇ ગયો 7મી એપ્રિલના રોજ રિલીઝ થઇ રહી છે, ત્યારે તેના પ્રમોશન અંતર્ગત ટીમ આવી હતી. આ પ્રસંગે મલ્હાર ઠાકરએ ખુબ ખુશી વ્યક્ત કરી હતી. ગુજરાતી સિનેમામાં પ્રથમ વખત ગુજરાતીમાં સાયન્સ ફિકશન ફિલ્મ ‘ગજબ થઇ ગયો’નું નિર્માણ કરવામાં આવ્યું છે. એ સૌપ્રથમ સાયન્સ ફિક્શન લાઇટ હાર્ટેડ કિડ્સ એડવેન્ચર ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર ભગીરથનું પાત્ર ભજવે છે અને સાથે પૂજા ઝવેરી પણ લીડ રોલમાં છે. આ ફિલ્મની થીમ એ છે કે માતૃભાષા સામે ટકી રહેવા માટે હંમેશા પડકારો આવતા હોય છે, પરંતુ જો તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નવીન શિક્ષણ કૌશલ્યોનો ઉપયોગ કરો તો તમે તમારી મંઝીલ સુધી પહોંચી શકો છો. એ વાતને લઇ ફિલ્મની ટીમ અભિનેતા મલ્હાર ઠાકરના નેતૃત્વમાં એપીએમએસની મુલાકાતે આવી હતી.

આ કાર્યક્રમના આરંભમાં સંસ્થાના પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલની વિશેષ ઉપસ્થિતીમાં અભિનેતા મલ્હાર ઠાકરનું પુષ્પ ગુચ્છથી અભિવાદન વાઈસ પ્રેસિડેન્ટ અને સીઇઓ ડૉ. પાર્થ બી. પટેલએ કર્યું હતું. આ ફિલ્મ અને તારક મહેતા ટીવી સિરિયલના અભિનેતા સુનિલ વિસરાણીનું સ્વાગત સેક્રેટરી અને રજિસ્ટ્રાર ડો. ઈશિતાબેન પી. પટેલએ તથા આ ફિલ્મના નિર્માતા અતુલભાઈ પટેલનું અભિવાદન એડમીન વિભાગના યુગમાબેનએ કર્યું હતું. આ પ્રસંગે બિપીનચંદ્ર પટેલે  ‘ગજબ થઇ ગયો’ ફિલ્મને સરકાર ટેક્સ ફ્રી કરે તેવી જાહેર અપીલ કરી હતી.  અભિનેતા સુનિલ વિસરાણીએ પણ આ મુલાકાતને યાદગાર ગણાવી ફિલ્મની અભિનેત્રી પૂજા ઝવેરી અમેરિકા હોવાથી હાજર રહી શક્યા ન હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. આ ફિલ્મ 7 એપ્રિલે ઇતિહાસ રચશે તેવો વિશ્વાસ અત્રે ઉપસ્થિત આગેવાનોએ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top