World

દુનિયામાં રાજાશાહીઓનો ઢળતો સૂરજ

બ્રિટનના સદ્‌ગત રાણી કવીન ઇલિઝાબેથ સેકન્ડના અંતિમ દર્શન કરવા ડેવિડ બેકમ અગિયાર કલાક લંડનના પેલેસની બહાર અગિયાર કલાક રસ્તા પર કતારમાં ઊભો રહ્યો. ફૂટબોલ ખેલાડીના મજબૂત પગ પણ થાકી ગયા હશે. એક ભારતીય, એક ચીની અને અંગ્રેજ મહિલા સાથે મળીને રસ્તાને કાંઠે એક બેન્ચ પર ચાર દિવસ બેઠી રહી. રાણીના મરણ બાદ લોકો કરોડોની સંખ્યામાં ડૂસકે ચડયા. હજી ગયા મેં મહિનામાં ૯૬ વરસના રાણીએ પોતાના શાસનમાં સિત્તેર વરસ પૂરા કર્યા હતાં. આપણે અહીં તે બાબતની નોંધ લીધી હતી.

રાણીએ ચતુરાઇ, શાણપણ અને પ્રમાણિક જીવન જીવીને લોકોના દિલ જીતી લીધાં હતાં. આજકાલ રાજાશાહી એક સ્વીકાર્ય રાજય પધ્ધતિ ગણાતી નથી છતાં આ એક એવું રજવાડું છે જેના લોકોએ આજ સુધીના ઇતિહાસનું સૌથી મોટું સામ્રાજય સ્થાપ્યું હતું અને તેમાં પણ લોકોને લોકશાહીની ભેટ આપી હતી. ખૂદ યુકે લોકશાહીનું એક તિર્થસ્થળ બની રહ્યું. છતાં રાણીના શાસનના સિત્તેર વરસની ઉજવણી સમયે ઇંગ્લેન્ડની પ્રજામાંથી એક બહુમતી નહીં તો પણ મજબૂત અવાજ ઊઠયો હતો કે, ‘મેઇક ઇલિઝાબેથ ધ લાસ્ટ’.

અર્થાત હવે ઇલિઝાબેથ યુકેના છેલ્લાં રાણી (અથવા મોનાર્ક) બની રહેવા જોઇએ. ત્યારબાદ રાજા કે રાણી તરીકે કોઇ ન આવવું જોઇએ. કારણકે એક મોટી લોબીનું માનવું છે કે આજકાલ દુનિયામાં રાજાશાહીનું ખાસ પ્રવચન રહ્યું નથી. જયાં છે ત્યાંની પ્રજાને ગુલામ તરીકે જોવામાં આવે છે. વળી રાજા, રાજવીઓ, રાજકુમારો કશું કરે કારવે નહીં, માત્ર લફડાઓમાં વ્યસ્ત રહે ત્યારે બ્રિટનના કરદાતાઓએ તેઓના જબરદસ્ત ખર્ચાઓ અને નખરાંઓ શા માટે ઉઠાવવા જોઇએ. જોકે બ્રિટનની લગભગ ત્રેપન ટકા પ્રજા રાણીની તરફેણમાં હતી. પણ રાણી પછીના અનુગામી રાજવંશ માટે તેઓના મનમાં એટલો આદર ન હતો. છતાં પ્રિન્સ ચાર્લ્સ ત્રીજા હવે યુકેના કિંગ બન્યા છે.

અને પહેલેથી જ ચાર્લ્સની માતા હોય એવા જણાતાં કોમનર કેમિલ્લા બ્રિટનના રાણી બન્યાં છે. વચ્ચેથી કૂદરતે અને પ્રિન્સ ચાર્લ્સે લેડી ડાયેનાનું પત્તું કાપી નાખ્યું તેથી સદ્‌ગત રાણી જેવા જ વૃધ્ધ દેખાતા બીજા રાણી મળ્યાં છે. ગોડ સેવ ધ કિંગ. વાત એમ છે કે, યુકેનું મહાન સામ્રાજય અને રાજકુટુંબ ક્ષીણ બની રહ્યાં છે તેમ જગતભરમાં હવે રાજાશાહીઓ લોકપ્રિય રહી નથી. તેઓના વળતાં પાણી થયાં છે. તમે બ્રિટનની ભૂગોળ અને ઇતિહાસ વાંચો તો લાગે કે બ્રિટનમાં અસંખ્ય ભવ્ય પેલેસો અને શાહી એસ્ટેટો જ ફેલાયેલી છે. કુતુહલ એ થાય કે આવડા નાનકડાં બ્રિટનમાં આ ભવ્ય પથ્થરોનો ઠાઠમાઠ કેટલી જગ્યા રોકતો હશે? યુરોપે અને ખાસ કરીને બ્રિટને કેવાં કેવાં પ્રિવિલેજીસ અને પ્રોટોકોલ્સ શાહી ખાનદાનો માટે બાંધ્યા હતા? શું જીવનશૈલી હતી? યુરોપમાં સ્પેન, ફ્રાન્સ, પોર્ટુગલ, બેલ્જિયમ, ઓસ્ટ્રીઆ, જર્મની વગેરેમાં રાજાશાહી હતી. એ બધી હવે ઘસાઇ ગઇ છે જે રીતે ભારતમાં બન્યું છે.

છતાં ત્યાં હજી લોકો ભારત જેટલા આધુનિક નથી થયાં.  કોઇને કોઇક નાના મોટા સ્વરૂપમાં રાજારાણીઓનાં હોદ્દાઓ, ટાઇટલો વગેરે નામનાં તો નામનાં, પણ જાળવી રાખ્યાં છે. ગ્રાન્ડ ડયુક, ગ્રાન્ડ ડચેસ, પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ, વગેરે વગેરે. હમણાં વ્યકિતગત કર્મોને કારણે બીજા ક્રમના રાજકુમાર એન્ડ્રુનો હમણા શાહી ખાનદાનમાંથી એકડો નીકળી ગયો છે. એના તમામ ટાઇટલો લફડાબાજીના અનુસંધાને છીનવી લેવાયા છે. રાણીની એક અંતિમવિધિમાં એ સામાન્ય નાગરિક તરીકે જ હાજર રહ્યા હતા. પણ એ સમય હવે દૂર નથી કે ભવિષ્યમાં પ્રિન્સો અને પ્રિન્સેસોએ સામાન્ય નાગરિકો તરીકે જ જીવવું પડશે. હીઝ રોયલ કે હર રોયલ હાઇનેસ ઇતિહાસ બની જશે. આજે દુનિયામાં લગભગ 40 જેટલા નાનકડા દેશોમાં રાજા, સુલતાનો અને કિંગનાં શાસનો છે. દુનિયામાં બ્રિટનથી સ્વતંત્ર થયેલા અનેક દેશોમાંથી લગભગ 14 દેશો આજે પણ યુકેનાં રાણી કે રાજાને પોતાના મોનાર્ક તરીકે સ્વીકારે છે. જો કે એ દેશોમાં લોકશાહી છે. એ 14 દેશોને સમાવીએ તો જગતમાં ચાલીસ રાજાશાહી ચલાવતા દેશો છે.

રાજાશાહી ધરાવતા દેશોની સંખ્યામાં 1980 બાદ ખાસ મોટી વધઘટ થઇ નથી. 1980 સુધીમાં બ્રિટન અને બીજી યુરોપીઅન સત્તાઓના સંસ્થાન (કોલોની) રાષ્ટ્રો સ્વતંત્ર બની ગયા હતા. તેનો અર્થ એ થયો કે 80 ના દશક બાદ રાજાશાહીઓ લગભગ સ્થિર રહી છે. પણ જો તેની સંખ્યા અને સ્થિતિ પર ઝીણવટભરી નજર નાખીએ તો ખ્યાલ આવે છે કે રાજાશાહીઓમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેમ કે 1950ના દશકના પ્રારંભમાન જગતની ત્રીજા ભાગ કરતા વધુ વસતિ રાજાશાહી હેઠળ જીવતી હતી. અથવા તો કોઇ અન્ય રાજાશાહી દેશના સંસ્થાનમાં વસતા હતા. UK ના પ્રભુત્વ અને શાસન હેઠળના કોમનવેલ્થ દેશોની સંખ્યા 50 થી વધુ હતી. ભારત સ્વતંત્ર થયું તેની સાથે જ બ્રિટનના સામ્રાજયમાં એક મોટી તિરાડ પડી. ડચ, પોર્ટુગીઝ અને બેલ્જિયન શાસનો હેઠળના દેશો પણ સ્વતંત્ર થયા. 1980 સુધીમાં એ બધા શાસનોમાં જીવતા લોકોનું પ્રમાણ સાડા 9 ટકા જેટલું હતું અને તેમાં પણ ક્રમશ: ઘટાડો થયો છે અને આજે માત્ર સાડા 7 ટકા દુનિયાની પ્રજા રાજાશાહી હેઠળ જીવે છે.

જે જૂની રાજાશાહીઓમાં રાજાઓ, શહેનશાહો છે અને તેઓએ પ્રજાને પણ સત્તામાં ભાગીદાર બનાવી છે તેનાં કદ મોટા રહ્યા છે અને તેઓ જાપાનની માફક સમૃધ્ધ રહ્યા છે. જાપાનમાં હજી પણ સમ્રાટનું શાસન છે. એવું  UK નું પણ કહી શકાય. જો કે એક અવલોકન પ્રમાણે UK પ્રગતિમાં જાપાન જેટલી ઝડપ કરી શકયું નથી. IMF ના આંકડાઓ પ્રમાણે તો ભારત આ વરસે અર્થતંત્રના કુલ કદમાં UK કરતા પણ આગળ નીકળી ગયું.

જે દેશોમાં આજકાલ રાજાશાહી છે તે બધા દેશો મળીને દુનિયાની કુલ જીડીપીમાં લગભગ 16 ટકા જેટલું યોગદાન આપે છે. 1975ની આસપાસ આ પ્રમાણ 25 ટકા જેટલું હતું. અનેક રજવાડાઓમા પ્રજા વૃધ્ધ થઇ ગઇ છે. રાજવીઓ વૃધ્ધ થઇ ગયા છે. રાણી ઇલિઝાબેથના પતિ રાજકુમાર ફિલિપ ગયા વરસે 100 વર્ષમાં બે મહિના ઓછા હતા અને મરણ પામ્યા. ખૂદ રાણી 96 વરસે અચાનક વિદાય થયાં. હતું કે એમની માતા કવીનમધરની માફક 100 વરસ પૂરા કરશે. ઇલિઝાબેથે 1952માં ગાદી સંભાળી ત્યારે રાજવીઓની સરેરાશ ઉંમર 42 (બેતાલીસ) વરસની હતી. રાણી પોતે 25 વરસના હતા. આજે રાજવીઓની સરેરાશ ઉંમર 67 (સડસઠ) વરસની છે.

જગતના ઘણા રાજવીઓ માત્ર જૂના સમયના પોષાક, તાજ, છડી અને છત્રી ધારણ કરવા પૂરતા જ મોનાર્ક રહી ગયા છે. કેટલાક હોલીવૂડની કે બોલીવૂડની ફિલ્મોમાં સેલિબ્રિટી કલાકારો બન્યા છે. અમુક હીરા, ઝવેરાત, ફર્નીચર અને રોયલ પેલેસોમાં હોટેલોના ધંધાઓ ચલાવે છે. આ માત્ર ભારતની જ વાત નથી. કિમ ચાર્લ્સ અને લેડી ડાયેનાનો નાનો પુત્ર હેરી હોલીવૂડની એક મિશ્ર રંગની કન્યાને પરણ્યો છે અને તે કન્યા મેગન મરકલના નિવેદનોએ અંગ્રેજી પ્રેસમાં  વારંવાર ઉહાપોહ પેદા કર્યો છે. મોનેકોની રાજકુમારીઓ ફ્રાન્સના દરિયા કિનારે બેજીજક નગ્ન નહાતી જોવા મળતી હતી. એવું જ એન્ડ્રુની પત્ની ફરગ્યુસનનું હતું. તેઓ પોતે જ કોમનર અર્થાત સામાન્ય માનવી તરીકેનું જીવન વધુ પસંદ કરી રહ્યા છે. લેડી ડાયેનાને ભવ્ય મહેલોમાં ગૂંગળામણ થતી હતી. સાઉદી અરેબિયા અને દુબઇની રાજકુમારીઓને પણ પેલેસોમાં જીવવા કરતા સામાન્ય જીવન વધુ પસંદ છે. છતાં આજે સાચા અર્થમાં જો કોઇ રજવાડા હોય તો ગલ્ફના દેશોમાં છે.

ફરક એટલો છે કે હવે જગતભરમાં લોકશાહીનું પ્રચલન વધ્યું છે ત્યારે અરબ શાસકો જાણે છે કે પ્રજાને જેમ બને તેમ વધુ સુખી કરીશું તો જ સોશિયલ મિડિયાના યુગમાં રાજાશાહી ટકાવી શકાશે. આજે ગલ્ફના સુખી અને સમૃધ્ધ દેશોના રાજવીઓ લોકોની સુખાકારીની પૂરેપૂરી ખેવના રાખે છે. ઇંગ્લેન્ડ, યુકેમાં રાજાશાહીની સત્તા પર કાપ અને અંકુશો છેક 1884થી લાગુ થયા હતા. આજે દુનિયા ખરેખર રાજાશાહી કહેવાય એવી તો માત્ર 14 જ રાજાશાહી છે. ભૂતાન, બહરીન, બ્રુનેઇ, સ્વીટઝરલેન્ડ, જોર્ડન, કુવૈત, મોનેકો, મોરક્કો, લીશેનસ્ટીન, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, ટોંગા અને યુવાઇટેડ આરબ અમીરાત (UAE). આ 14 રજવાડાઓમાં જગતની માત્ર એક પોઇન્ટ 4 ટકા (દોઢ ટકાથી ઓછી) આબાદી વસે છે અને જગતની કુલ જીડીપીમાં તેઓનો ફાળો પૂરો 2 ટકા પણ નથી. કદાચ ચાર્લ્સ અને કેમિલ્લાના શાસનમાં જ એકાદ રજવાડું ઓછું થશે. ઢલતા સૂરજ ધીમે ધીમે ઢલતા હૈ, ઢલ જાએગા.

Most Popular

To Top