Columns

ચિત્તા ભલે લાવ્યા પણ દેશમાં વાઘ, સિંહ, દીપડા કેટલા બચ્યા છે?

Advertisement

8 વર્ષ બાદ ચિત્તાએ તો દેશમાં પુનરાગમન કરી લીધું છે. નામિબિયાથી 8 ચિત્તાઓને વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. આ ચિત્તાઓને મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ ‘બિગ કેટ’ પ્રજાતિના અન્ય જીવોની સ્થિતિની પણ ચર્ચા થઈ રહી છે. દેશમાં સિંહ, વાઘ, દીપડાની શું હાલત છે, જાણો છો? જો આ બધી પ્રજાતિનું સંરક્ષણ નહીં કરવામાં આવે તો એની હાલત પણ આ ચિત્તાઓ જેવી થશે!

ભારતના જે વિસ્તારમાં અત્યારે ચિત્તાને વસાવવાની કોશિશ થઈ રહી છે ત્યાં જ છેલ્લે એશિયાટિક ચિત્તા જોવા મળ્યા હતા, એવું કહેવાય છે. એ જ મધ્ય પ્રદેશના કોરિયામાં છેલ્લા 3 ચિત્તા માર્યા ગયા હતા. હવે 70 વર્ષ પછી ભારતમાં એ જ ચિત્તાઓની આફ્રિકન જાતિને સ્થાયી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, હવે કોરિયા વિસ્તાર છત્તીસગઢનો એક ભાગ છે. એ જ કોરિયન રજવાડાના મહેલના એક ઓરડામાં છેલ્લા માર્યા ગયેલા ચિત્તાઓના માથા લટકેલા છે.

દસ્તાવેજો એવું જણાવે છે કે – ડિસેમ્બર 1947માં કોરિયાના મહારાજા રામાનુજ પ્રતાપ સિંહદેવે તેમના રજવાડાના રામગઢ વિસ્તારમાં 3 ચિત્તાનો શિકાર કર્યો હતો. તે પછી ભારતમાં એશિયાટિક ચિત્તાના કોઈ પુરાવા મળ્યા ન હતા અને ભારત સરકારે 1952માં ચિત્તાને ભારતમાં લુપ્ત પ્રાણી તરીકે જાહેર કર્યું હતું. 70 વર્ષ બાદ ચિત્તાએ તો દેશમાં પુનરાગમન કરી લીધું છે. નામિબિયાથી 8 ચિત્તાઓને વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. એક તરફ દેશમાં ચિત્તાઓના પુનર્વસન માટેના પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ ‘બિગ કેટ’ પ્રજાતિના અન્ય જીવોની સ્થિતિની પણ ચર્ચા થઈ રહી છે. દેશમાં સિંહ, વાઘ, દીપડાની શું હાલત છે, જાણો છો?

સૌથી પહેલા વાત કરીએ જંગલના રાજા સિંહની. એશિયાટિક સિંહો વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતા નથી, માત્ર ભારતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં આજે જોવા મળે છે. આ એશિયાટિક સિંહ ભારતમાં જોવા મળતી 5 બિગ કેટમાંથી એક છે. ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની રેડ લિસ્ટમાં સિંહોને ‘લુપ્તપ્રાય’ પ્રાણીઓ તરીકે વર્ગીકૃત કરી દેવામાં આવ્યા છે! જંગલનો આ રાજા એક સમયે સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને એશિયા, આફ્રિકા, મધ્ય પૂર્વ અને યુરોપમાં મુક્તપણે ફરતો જોવા મળતો હતો પરંતુ આજે એવું બિલકુલ નથી. તાજેતરના સર્વે પર નજર કરીએ તો સિંહોની સંખ્યા વિશ્વમાં લગભગ 30,000થી ઘટીને હવે 20,000 થઈ ગઈ છે!

વિશ્વના ઘણા દેશોમાં તેમની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2020ના ડેટા અનુસાર, ભારતમાં સિંહોની કુલ સંખ્યા 674 છે, જે વર્ષ 2015માં 523 હતી. દેશમાં 5 વર્ષમાં સિંહોની સંખ્યામાં 28.87 %નો વધારો થયો છે. 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ પર વડા પ્રધાન મોદીએ સિંહોની સંખ્યામાં વધારો થવા પર ખુશી વ્યક્ત કરી હતી અને સિંહોના સંરક્ષણ સાથે જોડાયેલા લોકોને અભિનંદન પણ આપ્યા હતા. તેમણે ટવીટ કર્યું હતું કે, વિશ્વ સિંહ દિવસ પર હું તે તમામ લોકોને બિરદાવું છું, જેઓ જાજરમાન સિંહોના રક્ષણ માટે કામ કરી રહ્યા છે.

ભારત હંમેશાં જાજરમાન એશિયાટિક સિંહનું ઘર રહેશે. ‘બિગ કેટ’ પ્રજાતિમાંના એક વાઘ પણ ભારતમાં જોવા મળે છે. વાઘ લાંબા સમયથી ભારતીય પૌરાણિક કથાઓ અને લોકકથાઓ સાથે જોડાયેલા છે. એમાં પણ રોયલ બંગાળ ટાઇગર વિશ્વમાં પોતાની એક ખાસ ઓળખ ધરાવે છે. 2018-19ની વાઘની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 2967 વાઘ બચ્યા છે. જે વૈશ્વિક વસ્તીના 75 % છે. અહેવાલો અનુસાર, 19મી સદીની શરૂઆતમાં વિશ્વમાં વાઘની વસ્તી 10,000થી વધુ હતી. 2018માં આ સંખ્યા ઘટીને લગભગ 4,000 થઈ ગઈ છે!

વાઘ પણ લુપ્ત થતી પ્રજાતિમાં છે. રાજ્યસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, 2021માં કુલ 127 વાઘના મોત થયા હતા, જે ગત વર્ષ કરતાં વધુ છે. 2020માં કુલ 106 વાઘના મોત થયા હતા, જ્યારે 2019માં 96 વાઘના મોત થયા હતા. ગયા વર્ષે મધ્ય પ્રદેશમાં સૌથી વધુ 42 વાઘના મૃત્યુ થયા હતા, ત્યાર બાદ મહારાષ્ટ્રમાં 27, કર્ણાટકમાં 15 અને ઉત્તર પ્રદેશમાં 9 વાઘના મોત થયા હતા. તમને જણાવી દઈએ કે ભારતમાં 1970થી વાઘના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ પછી ભારત સરકાર દ્વારા વાઘના સંરક્ષણ માટે વર્ષ 1973માં પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારથી વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે છતાં પણ આ પ્રજાતિ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.

સ્નો લેપર્ડ ભારતની 5 ‘મોટી બિલાડીઓ’માંથી એક છે. વિશ્વના 10% સ્નો લેપર્ડ ભારતમાં જોવા મળે છે. તે આ 5 રાજ્યોમાં – જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે, જે તેના વૈશ્વિક વસવાટનો માત્ર 5 % હિસ્સો ધરાવે છે. આ દીપડાઓ જો કોઈને જોવા મળી જાય તો એ નસીબની વાત છે. આ દીપડાઓને જોવા એ ખૂબ જ દુર્લભ છે. તેઓ હિમાલય અને ટ્રાન્સ-હિમાલયન પ્રદેશોમાં દરિયાકિનારાથી 2700 મીટરથી વધુની ઊંચાઈએ જોવા મળે છે. વર્ષોથી થતાં શિકારને કારણે તેની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થયો છે. દેશમાં સ્નો લેપર્ડના સંરક્ષણ માટે વિશેષ પ્રોજેક્ટ પણ ચલાવવામાં આવી રહ્યા છે. ભારતના મિઝોરમ સ્થિત ડેમ્પા ટાઇગર રિઝર્વને ક્લાઉડેડ લેપર્ડના અભ્યાસ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ક્લાઉડેડ દીપડાની સૌથી ગીચ વસ્તી ડેંપા ટાઇગર રિઝર્વમાં મળી આવી છે.

Most Popular

To Top