Columns

પેન્ડોરાના પટારામાંથી ૩૮૦ ભારતીયોનું ગુપ્ત ધન મળી આવ્યું

વિશ્વભરના ધનકુબેરો પોતાની બેનંબરની કમાણીનું રોકાણ ટેક્સ હેવન તરીકે ઓળખાતા દેશોમાં કરે છે, તે બહુ જાણીતી વાત છે. થોડા સમય પહેલાં પનામા પેપર્સના લિકેજને કારણે વિશ્વના અનેક માલેતુજારો દ્વારા વિદેશોમાં ઊભી કરવામાં આવેલી શેલ કંપનીઓની વિગતો જાહેર કરવામાં આવી હતી. આ વિસ્ફોટ અન્વેષણાત્મક પત્રકારોના જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યાર પછી પેરેડાઈઝ પેપર્સમાં વધુ વિગતો જાહેર કરવામાં આવી હતી.

હવે ત્રીજા તબક્કામાં પેન્ડોરા પેપર્સ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં ૧.૧૯ કરોડ ગુપ્ત દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં સચિન તેંડુલકર, અનિલ અંબાણી અને જેકી શ્રોફ સહિત ૩૮૦ ભારતીયોનાં નામો છે. પેન્ડોરા પેપર્સ અગાઉ પ્રકાશિત થયેલા દસ્તાવેજોથી અલગ પડે છે, કારણ કે તેમાં વિશ્વના ધનકુબેરો દ્વારા પોતપોતાના દેશોમાં કરચોરી કરવા વિદેશોમાં સ્થાપવામાં આવેલા ટ્રસ્ટોની માહિતી બહાર પાડવામાં આવી છે. ટેક્સ ઉઘરાવતા સત્તાવાળાઓ દ્વારા વિદેશોમાં સ્થાપવામાં આવતી કંપનીઓ ફરતેનો ગાળિયો ટાઇટ કરવામાં આવતાં તેમણે ટ્રસ્ટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હોવાનું જણાય છે.

પેન્ડોરા પેપર્સમાં કરવામાં આવેલા ધડાકા મુજબ બ્રિટનની કોર્ટમાં દેવાળું જાહેર કરનારા ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને તેમના સાગરીતો દ્વારા ૨૦૦૭ અને ૨૦૧૦ દરમિયાન જર્સી, બ્રિટીશ વર્જિન આઈલેન્ડ અને સાયપ્રસ જેવા દેશોમાં ૧૮ ઓફ્ફશોર કંપનીઓની સ્થાપના કરવામાં આવી હતી. તેમાંની સાત કંપનીઓ દ્વારા ૧.૩ અબજ ડોલર (આશરે ૯,૬૪૯ કરોડ રૂપિયા) નું રોકાણ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં અનિલ અંબાણીએ બ્રિટનની કોર્ટને જણાવ્યું હતું કે તેણે દેવાળું કાઢ્યું છે અને તે ત્રણ ચીની બેન્કના રૂપિયા ચૂકવી શકે તેમ નથી. કોર્ટે કહ્યું હતું કે અનિલ અંબાણી દ્વારા વિદેશોમાં રોકાણ કરવામાં આવ્યું હોય તેવું બની શકે છે. ત્યાર બાદ કોર્ટે તેમને ૭૧.૬ કરોડ ડોલર (આશરે ૫,૩૧૫ કરોડ રૂપિયા) ચૂકવવાનો આદેશ કર્યો હતો.

સચિન તેંડુલકર જેવો ક્રિકેટર ભારતના કરોડો યુવાનોની પ્રેરણામૂર્તિ ગણાય છે. સરકાર દ્વારા સચિન તેંડુલકરને દેશના સર્વોચ્ચ ભારતરત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો. સચિન તેંડુલકર જ્યારે ક્રિકેટ રમતો હતો ત્યારે કરોડો રૂપિયાની કમાણી કરતો હતો. ક્રિકેટમાંથી રિટાયર થયા પછી પણ તેની જાહેરખબરોની કમાણી ચાલુ છે. તેમાં અમુક રકમ બેનંબરમાં ચૂકવવામાં આવી હોય તેવું પણ બની શકે છે. તેને ગુપ્ત રાખવા સચિન તેંડુલકર અને તેનાં સ્વજનો દ્વારા બ્રિટીશ વર્જિન આઇલેન્ડમાં સાસ ઇન્ટરનેશનલ નામની કંપની સ્થાપવામાં આવી હતી. તેમાં સચિનની પત્ની અંજલિ અને તેના સસરા આનંદ મહેતા લાભાર્થી અને ડિરેક્ટરો હતા. ૨૦૧૬ માં પનામા પેપર્સ બહાર પડ્યા તેના ત્રણ મહિના પછી આ કંપનીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સચિન તેંડુલકર ફાઉન્ડેશનના ડિરેક્ટર મૃનમોય મુકરજી દાવો કરે છે કે તે રોકાણ કાયદેસરનું હતું અને સચિન તેંડુલકરના ઇન્કમ ટેક્સ રિટર્નમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો આ રોકાણ કાયદેસરનું હોય તો તે ભારતને બદલે વિદેશમાં કેમ કરવામાં આવ્યું હતું? મોટા ભાગના ધનકુબેરો પોતાના દેશના કાયદાઓને ચાતરી જવા માટે જ આવાં રોકાણોનો ઉપયોગ કરતા હોય છે.

પંજાબ નેશનલ બેન્કના કરોડો રૂપિયા લઈને વિદેશમાં નાસી ગયેલા નીરવ મોદીએ ભારત છોડ્યું તેના પહેલાં એક મહિને તેની બહેનના નામે વિદેશની ભૂમિ પર એક ટ્રસ્ટની સ્થાપના કરી હતી. વિખ્યાત ઉદ્યોગપતિ કિરણ મઝુમદાર શોના પતિ મેકકુલમ માર્શલ શો દ્વારા ન્યુ ઝીલેન્ડમાં ડિનસ્ટોન નામના ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ ટ્રસ્ટના પ્રોટેક્ટર તરીકે કુણાલ કશ્યપનું નામ આપવામાં આવ્યું હતું. કુણાલ કશ્યપ એલેર્ગો કેપિટલ નામની કંપનીનો મેજોરિટી શેરહોલ્ડર છે.

તેને કિરણ મઝુમદાર શોની કંપની બાયોકોનમાં ઇનસાઇડર ટ્રેડિંગ કરવા બદલ સેબી દ્વારા એક વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. કિરણ મઝુમદાર શોએ ટ્વિટ કરીને પોતાનો બચાવ કર્યો છે કે મારા પતિ દ્વારા તેની કાયદેસર સ્થાપના કરવામાં આવી છે. ભારતનો કોઈ નાગરિક આ ટ્રસ્ટનો વહીવટ કરતો નથી. તો પછી આ ટ્રસ્ટ ભારતની ભૂમિ પર કેમ સ્થાપવામાં નથી આવ્યું? જોર્ડનના રાજા કિંગ અબ્દુલ્લા દ્વારા ૧૦.૬ કરોડ ડોલરના ખર્ચે ૧૪ લક્ઝરી મકાનો ખરીદવામાં આવ્યાં હતાં. તેમણે કેલિફોર્નિયાના સમુદ્ર તટે ૨.૩ કરોડ ડોલરમાં મકાન ખરીદ્યું હતું. જોર્ડન એક ગરીબ દેશ છે અને તે વિદેશી સહાય પર જીવે છે. જોર્ડનના કાયદા મુજબ તેના રાજાને ટેક્સ ભરવાની જરૂર નથી; તો પણ છૂપી રીતે તેણે બે નંબરની મિલકત ભેગી કરી હતી.

પેન્ડોરાના પટારામાં કોઈ ભારતીય રાજકારણીનું ગુપ્ત ધન હોવાની વિગતો બહાર આવી નથી; પણ પાકિસ્તાનના અનેક રાજકારણીઓ દ્વારા ટેક્સ હેવન ગણાતા દેશોમાં બેનંબરના નાણાંનું મોટા પાયે રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. તેમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના પ્રધાનમંડળના સાથીદારોનો પણ સમાવેશ થાય છે. ઇમરાન ખાન તો રાજકારણમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનાં વચન સાથે સત્તા પર આવ્યો હતો, પણ તેના પ્રધાનો જ ભ્રષ્ટાચારમાં લપેટાઇ ગયા છે. કોઈ પણ નેતા સત્તા પર આવે ત્યારે તેના હાથમાં અબજો રૂપિયાનો વહીવટ આવે છે. તેમાંથી કરોડો રૂપિયા તેઓ ખાઈ જાય છે અને પકડાઈ ન જવાય તે માટે વિદેશોમાં સ્થાપવામાં આવેલી કંપનીઓમાં તેનું રોકાણ કરે છે. પનામા પેપર્સમાં અનેક રાજકારણીઓની કાળી કમાણીની વિગતો જાહેર કરવામાં આવી હોવા છતાં તેમની સામે કોઈ પગલાં લેવાયાં હોય તેવું જાણમાં નથી.

પેન્ડોરા પેપર્સમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર અને તેમની પત્ની દ્વારા લંડનના પોશ વિસ્તારમાં એક ઓફિસ ખરીદવા માટે ૯૦ લાખ ડોલરની ચૂકવણી તેમની વિદેશમાં આવેલી કંપની દ્વારા કરવામાં આવી હતી. આમ કરીને તેમણે ૪.૨૨ લાખ ડોલરનો ટેક્સ બચાવ્યો હતો. બ્રિટનના કાયદા મુજબ તેમાં કાંઇ ગેરકાયદે નહોતું; પણ તેમણે કાયદાની છટકબારીનો ઉપયોગ ટેક્સ બચાવવા માટે કર્યો હતો. બ્રિટનના સામાન્ય નાગરિકોને તેવો લાભ મળતો નથી; કારણ કે તેઓ વિદેશી બેન્કોમાં પોતાનાં ખાતાં ધરાવતાં હોતાં નથી. ભારતના રાજકારણીઓ પણ વિદેશી બેન્કોનાં ખાતાંનો ઉપયોગ બેનંબરી નાણાંના સંગ્રહ માટે કરતા હોય છે. વિશ્વના ધનકુબેરો વિદેશના ટ્રસ્ટમાં રોકાણ કરતા હોય છે, તેનાં ઘણાં કારણો છે. ટ્રસ્ટમાં રોકાણ કરવાને કારણે તેમને ટેક્સમાં રાહત મળે છે. વળી વિદેશનાં ટ્રસ્ટોને ભારતના કાયદાઓ લાગુ પડતા નથી.

કોઈ પણ ધનકુબેર દ્વારા વિદેશના ટ્રસ્ટમાં નાણાંનું દાન કરવામાં આવે છે ત્યારે ભારતના લોકોને તેની જાણ થતી નથી. જો જાણ થાય તો લોકોને ખબર પડી જાય કે આ વ્યક્તિ પાસે આટલા ફાજલ નાણાં છે. ભારતના ઘણા ઉદ્યોગપતિઓ ટેક્સ બચાવવા માટે નોન રેસિડેન્ટ ઇન્ડિયન બની જતા હોય છે. ભારતમાં ૩૦ ટકા સુધી ટેક્સ ભરવો પડતો હોય છે, જ્યારે વિદેશમાં ટેક્સ ઓછો લાગે છે. ભારતીય નાગરિક દર વર્ષે અઢી લાખ ડોલર જ વિદેશ મોકલી શકે છે, જ્યારે નોન રેસિડેન્ટ ઇન્ડિયન દસ લાખ ડોલર મોકલી શકે છે. વિદેશમાં સંપત્તિ હોય તો તેના પર સંપત્તિવેરો ભરવો પડતો નથી. ધનકુબેરો દેશને લૂંટીને સંપત્તિ વિદેશમાં મોકલવામાં ઉસ્તાદ થઈ ગયા છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top