SURAT

VIDEO: રાંદેરના રસ્તા પર અડધી રાત્રે ચોર પાછળ પોલીસ દોડી, એક કિલોમીટર પીછો કર્યા બાદ પકડાયો

સુરત(Surat): રાંદેરના (Rander) એક બંગલામાં ચોરી (Theft) કરી નીકળેલા બે ચોર ઈસમોને ગણતરીની મિનીટોમાં સુરત પોલીસે ઝડપી પાડ્યા છે. એક કિલોમીટર કરતા વધુ દોડીને પોલીસે ચોરને ગરદનમાંથી પકડી લીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

ધૂળેટીની આગલી રાત્રે એટલે કે રવિવારની રાત્રે રાંદેરની કલ્પના સોસાયટીના એક બંગલામાં ચોર ઘુસ્યા હતા. ઘરમાં ચોર પ્રવેશ્યા હોવાની જાણ રાત્રે જ ઘરના સભ્યોને થઈ ગઈ હતી. તેથી તેઓએ સાવચેતીપૂર્વક સુરત પોલીસ કંટ્રોલ રૂમના નંબર 100 પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. કંટ્રોલ રૂમે તાત્કાલિક રાંદેરની પીસીઆરને જાણ કરી હતી. લગભગ 3.35 વાગ્યાના અરસામાં કોલ મળતા જ રાંદેરની પીસીઆર બંગલે પહોંચી હતી.

બંગલા માલિક યોગેશ મિસ્ત્રીએ પોલીસને કહ્યું કે, ઘરની પાછળની ગ્રીલ તોડી ચોર અંદર આવ્યા હતા અને હાલમાં જ ચોરી કરી ભાગ્યા છે. વધુ દૂર નહીં ગયા હોય. યોગેશભાઈના પત્નીએ પોલીસને કહ્યું કે, અમે બૂમાબૂમ મચાવતા ચોર ભાગ્યા છે. બે ઈસમો હતા. એક ઈસમે ચેક્સવાળો શર્ટ પહેર્યો હતો જ્યારે બીજાએ લાલ રંગનો શર્ટ પહેર્યો હતો.

આ માહિતી મળતા પોલીસે જરા પણ સમય વેડફ્યા વિના સ્ફૂર્તિ દાખવી ચોરનો પીછો શરૂ કર્યો હતો. પોલીસની અલગ અલગ ટીમ અલગ અલગ દિશામાં ગઈ હતી. દરમિયાન પાલનપુર પાટિયા સોના હોટલ પાસે એક લાલ રંગના શર્ટ પહેરેલો શંકાસ્પદ ઈસમ હાથમાં સફેદ થેલી લઈ ચાલતો જતો જોવા મળ્યો હતો. તપાસમાં મોપેડ પર નીકળેલા રાંદેર પોલીસના બે કોન્સ્ટેબલ અર્જુન રઘુભાઈ અને ગૌરવ અશોકની તે ઈસમ પર નજર પડી હતી.

તેથી તેની પૂછપરછ કરવા નજીક ગયા ત્યારે તે ઈસમ રસ્તા પર બેગ ફેંકીને ભાગવા લાગ્યો હતો. આથી પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કર્યો હતો. લગભગ એક થી દોઢ કિલોમીટર સુધી દોડ્યા બાદ તે ચોર ઈસમ રાંદેરના હિમગીરી એપાર્ટમેન્ટ પાસેથી પકડાયો હતો. આ રેસની ઘટના રસ્તા પરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે પોલીસે પીછો કરી ચોરને પકડ્યો.

રાંદેર પોલીસ મથકના પીઆઇ અતુલ સોનારાએ જણાવ્યું હતું કે, અલગ અલગ ટીમ ચોર ઈસમોને પકડવા તપાસ કરી રહી હતી ત્યારે રાંદેર પોલીસના બે કોન્સ્ટેબલને જોઈ એક ઈસમ ભાગ્યો હતો. તેનો પીછો કરી પોલીસે તેને પકડી પાડ્યો છે. તે ચોર ઈસમનું નામ સિકંદર અખ્તર સૈયદ હોવાની વિગતો બહાર આવી છે. તેની ધરપકડ કર્યા બાદ તેની સાથેના અન્ય ચોર ઈસમ વિશે પૂછપરછ કરી હતી. દરમિયાન બીજો ચોર ઈસમ શંકર તાનાજી જાદવ પણ રાંદેર વિસ્તારમાંથી પકડાયો હતો. રાંદેરના નવયુગ કોલેજ પાસે નાસ્તાની લારી પાસે શંકાસ્પદ હાલતમાં તે મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી તપાસ કરતા તે ચોરી ઘટનામાં સામેલ હોવાનું જણાય આવ્યું હતું.

ચોરોએ 7.75 લાખની ચોરી કરી હતી
પી.આઈ અતુલ સોનારાએ કહ્યું કે ચોર ઈસમોએ કલ્પના સોસાયટીના બંગલામાંથી રોકડ, સોનાના ઘરેણા, ચાંદીના વાસણો, ચાંદીના ઘરેણા સહિત જે મળ્યું તે વસ્તુની ચોરી કરી હતી. અંદાજે 7.75 લાખનો મુદ્દામાલ ચોર્યો હતો. પોલીસથી બચવા ચોર ઈસમે જે થેલી ફેંકી હતી તે પોલીસે કબ્જે લીધી છે. હાલ તપાસ ચાલી રહી છે.

રેકી કર્યા બાદ ઘરોમાં ચોરી કરે છે
પીઆઇ અતુલ સોનારાએ વધુમાં જણાવ્યું પકડાયેલા ચોર ઈસમો રીઢા ઘરફોડિયા છે. દિવસ દરમિયાન રેકી કર્યા બાદ તેઓ રાત્રિના સમયે ઘરોમાં ઘુસી ચોરી કરે છે. મોડી રાત્રીએ ઘરના દરવાજાના નકુચા તોડીને અથવા ઘરની પાછળની રેલિંગ તોડીને ઘરમાં ઘુસે છે. પકડાયેલ બંને આરોપીઓ પૈકી સિકંદર અખ્તર સૈયદ પર મહારાષ્ટ્રમાં 24 જેટલા ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. જ્યારે આરોપી શંકર તાનાજી જાદવ મહારાષ્ટ્રના 25 જેટલા ચોરીઓના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.

Most Popular

To Top