SURAT

સુરત પોલીસે દેશવ્યાપી ડુપ્લીકેટ માર્કશીટ રેકેટનો પર્દાફાશ કર્યો, દિલ્હીથી એકને ઊંચકી લાવી

સુરત(Surat): સુરત પોલીસે (SuratPolice) રાષ્ટ્રીય સ્તરના ડુપ્લીકેટ માર્કશીટ, સર્ટિફિકેટના રેકેટનો (Duplicate MarkSheet Scam) પર્દાફાશ કર્યો છે. સુરતના એજન્ટ નિલેશની ધરપકડ (Arrest) બાદ સુરતની પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ડુપ્લીકેટ સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવનાર દિલ્હીના ઈસમની સુરત પોલીસે ધરપકડ કરી છે.

ડુપ્લીકેટ માર્કશીટ/સર્ટિફિકેટ કેસમાં સુરતની સિંગણપોર પોલીસે દિલ્હીમાં એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ દિલ્હીના રાહુલ સૈનીને ઉંચકી લાવી છે. સુરતનો એજન્ટ નિલેશ દિલ્હીમાં ડુપ્લીકેટ માર્કશીટ બનાવડાવતો હતો. આ સાથે જ સુરત પોલીસે દેશવ્યાપી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

જણાવી દઈએ કે આ કેસમાં અત્યાર સુધીમાં સુરત પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ સુવ્યવસ્થિત નેટવર્ક ધરાવતા રેકેટને ખુલ્લું પાડ્યું છે. આરોપીઓ લાખો રૂપિયા લઈ ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતા હતા. પોલીસ આ કેસમાં સઘન તપાસ કરી રહી છે.

આ રીતે ચાલતું હતું કૌભાંડ
સુરત પોલીસના જણાવ્યા અનુસાર ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ દેશભરમાં ફેલાયેલું છે. એજન્ટોના નેટવર્ક મારફતે આ સ્કેમ ચાલી રહ્યું હતું. વિદેશ જવા માંગતા હોય તેવા યુવક-યુવતીઓને ડોક્યુમેન્ટ જોઈતા હોય છે. ત્યારે તેઓ ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ ખરીદતા હતા. નિલેશ સાવલિયા ગુજરાતનો એજન્ટ હતો. તેના દેશભરના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા એજન્ટો સાથે કોન્ટેક્ટ હતા. નિલેશની પૂછપરછ દરમિયાન બે એજન્ટ ઝડપાયા હતાં. જેમાં સેલવાસથી હાસીફ જીવાણી અને કેતન જેઠવાની ધરપકડ કરાઈ હતી. આ બંને જણા જે કોઈને સર્ટિફિકેટની જરૂર હોય તેઓને નિલેશ પાસે મોકલતાં હતાં.

દિલ્હી-હરિયાણા ડુપ્લીકેશનનું હબ
ગુજરાતનો એજન્ટ નિલેશ ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવવા માટે દિલ્હી અને હરિયાણાના એજન્ટ પાસે મોકલતો હતો. દિલ્હી અને હરિયાણામાં કરણ, રાહુલ અને મનોજકુમાર નામના એજન્ટ હતા. આ લોકો પાસે નિલેશ જેવા દેશભરમાં અનેક એજન્ટ હતાં. તપાસ દરમિયાન રાહુલ સૈનીનું નામ બહાર આવ્યું હતું. પોલીસે તેની અટકાયત કરી હતી. સૈનીના ઘરમાંથી અલગ અલગ 60 ડિગ્રી પોલીસને મળી છે. જેમા 47 નામ સાથેની છે. બાકીની કોરી છે. રાહુલની કસ્ટડી મંગાઈ છે.

દિલ્હી-હરીયાણામાં માસ્ટરમાઈન્ડ
દેશભરમાં ફેલાયેલા આ રેકેટનો દોરી સંચાર દિલ્હી-હરીયાણામાંથી થતો હતો. એક રીતે આ સ્કેમના માસ્ટર માઈન્ડ દિલ્હી-હરીયાણામાં બેઠાં છે એમ કહી શકાય. સુરત પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં 217 બોગસ ડિગ્રી અને સર્ટિ કબ્જે કર્યા છે. બોગસ ડિગ્રીનો ઉપયોગ કરનારા બે ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત સહિત દેશની કેટલીક યુનિવર્સિટીની સંડોવણીની શંકા
તપાસ દરમિયાન કેટલીક યુનિવર્સિટીની સંડોવણી હોવાની આશંકા ઉભી થઈ છે. સુરત પોલીસની તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે કૌભાંડીઓ કેટલીક યુનિવર્સિટીઓના સંપર્કમાં હતાં. અમદાવાદની પણ એક યુનિવર્સિટી સંકળાયેલી હોવાનું સામે આવતાં તપાસ ચાલી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 24 સર્ટિફિકેટ પણ સામે આવ્યાં હતાં. જેમાં તપાસ કરતાં આ ડિગ્રી ફેક હોવાનું તપાસમાં આવ્યું હતું. જેના આધારે ગુનો દાખલ કરાયો છે. હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. યુનિવર્સિટી તરફથી ઓથોરિટી આપવામાં આવી હોવાની વિગતો પણ મળી છે. હાલ તપાસ ચાલી રહી છે, વધુ વિગતો ધીમે ધીમે બહાર આવે તેવી શક્યતા છે.

Most Popular

To Top