Dakshin Gujarat Main

લોકો ફોટા પાડવા માંડ્યા અને પાંજરામાં પુરાયેલો દીપડો બહાર આવી ગયો, ઝઘડિયાની ઘટના..

ભરૂચ: (Bharuch) ઝઘડિયાના જાંબોલી ગામે છેલ્લા કેટલા દિવસથી દીપડાનો આતંક યથાવત હતો. ગ્રામજનોએ ઝઘડિયા વન વિભાગને દિપડાને (Panther) ઝડપી લેવા રજૂઆત કરી હતી. ઝઘડિયા વનવિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યું હતું, જેમાં દીપડો આબાદ ઝડપાઇ ગયો હતો અને ગ્રામજનો દીપડાના ફોટા (Photo) પાડવા ઉમટી પડ્યા હતા. વનવિભાગની નિષ્ક્રીયતાના કારણે પાંજરૂ સમતલ જગ્યાએ નહીં હોવાથી દીપડાએ ધમપછાડા કરતા પાંજરૂ પલ્ટી ગયું હતું અને પાંજરાનો દરવાજો ખુલી જતા દિપડો જેવો બહાર નીકળ્યો કે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, દીપડો ગભાયેલો હતો ને તે જંગલમાં ભાગી ગયો હતો. સદ્દનસીબે દીપડાએ કોઈ વ્યક્તિ પર તરાપ મારી ન હતી, જેથી કઈ જાનહાનિ થઈ ન હતી.

ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે દીપડાઓની જાહેરમાં દેખાવાની ઘટનાઓ વધી રહી છે. હાલમાં સુગર ફેકટરીઓના શેરડી કટીંગ પૂરજોશમાં ચાલતું હોય દીપડાઓ બહાર નીકળી રહ્યા છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી ઝઘડિયા તાલુકાના જાંબોલી ગામે અવાર નવાર દીપડો ખેડૂતોને દેખાતો હોવાની ફરિયાદ વનવિભાગને કરવામાં આવી હતી. વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવ્યું હતું. જેમાં દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાયા બાદ ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. કેટલાક લોકોએ પાંજરે કેદ થયેલ દીપડાને તસ્વીરોમાં પણ કેદ કરવા માંડ્યા હતા. તે દરમિયાન પાંજરે પુરાયેલો દીપડો ધમપછાડા કરતો હતો જેમાં પાંજરૂ પલટી થઈ ગયું હતું અને તેનો દરવાજો પણ અડધો ખુલી ગયો હતો. જેના કારણે દીપડો પાંજરામાંથી ભાગી જવામાં સફળ થયો હતો. દીપડો પાંજરામાંથી છટકી જતા જાંબોલી ગામમાં દીપડા સાથે સાથે ગ્રામજનોમાં નાસભાગ મચી જવા પામી હતી.

પાંજરૂં બરાબર બંધ થયું ન હતું, ને પાંજરૂ સમતલ જગ્યાએ મુકાયું પણ ન હતું
વનવિભાગની નિષ્કાળજીના કારણે પાંજરૂં બરાબર બંધ નહિં થયું હોય અને પાંજરૂ સમતલ જગ્યાએ મુકાયું નહીં હોવાના કારણે દીપડાના ધમપછાડામાં પાંજરૂ પલ્ટી જતા અને દરવાજો પણ ખુલી જતાં દીપડાને ભાગી જવામાં મોકળો માર્ગ મળ્યો હતો તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.

ચીખલીના ચાસા ગામમાં અઠવાડિયામાં આતંક મચાવતો દીપડો પાંજરે પુરાયો

ઘેજ: ચીખલી તાલુકાના ચાસા ગામેથી દીપડો પાંજરે પૂરાતા સ્થાનિકોને મોટી રાહત થવા પામી હતી. છેલ્લા એકાદ અઠવાડિયામાં ત્રણેક જેટલા પશુઓનું મારણ અને એકને ઇજાગ્રસ્ત કરતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ ચાસા ગામના ડચ ફળિયા વિસ્તારમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી દીપડાની અવર-જવર વધી હતી. આ દરમ્યાન દીપડાએ એક વાછરડુ અને બે બકરી સહિત ત્રણેક પશુઓનો શિકાર કર્યો હતો અને એક બકરુ ઇજાગ્રસ્ત થતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો અને લોકો ઘરની બહાર નીકળવા માટે પણ ડરી રહ્યા હતા.

દીપડાની રહેણાંક વિસ્તારમાં વારંવારની લટાર અંગે માજી સરપંચ સુરેશભાઇ દ્વારા વનવિભાગને જાણ કરાતા આરએફઓ અમીતભાઇ ટંડેલની સૂચનાનુસાર સ્ટાફે સ્થળ નીરીક્ષણ કરી મહમ્મદભાઇ જોગીભાઇના ખેતરમાં દીપડાને જબ્બે કરવા પાંજરુ ગોઠવ્યું હતું. આ દરમ્યાન ગુરુવારની વહેલી સવારે ચાર વર્ષીય દીપડો પાંજરે પૂરાતા દીપડાને જોવા લોકો મોટી સંખ્યામાં ધસી આવ્યા હતા. આ અંગે માજી સરપંચ સુરેશભાઇએ જાણ કરતા વનવિભાગના સ્ટાફે દીપડાનો કબજો લઇ પશુ ચિકિત્સક પાસે સારવાર કરાવી સહી સલામત રીતે જંગલમાં છોડવાની તેજવીજ હાથ ધરવામાં આવી હતી. ચીખલી તાલુકામાં હાલે મોટાપાયે શેરડીની કાપણી થઇ જતા શેરડીના ખેતરો ખાલી થતા રહેણાંક વિસ્તારોમાં દીપડાની અવર-જવર વધવાની શકયતા જણાઇ રહેલી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top