છેલ્લા છ માસ દરમિયાન ગુજરાતના વર્તમાનપત્રોમાં વ્યક્તિગત રીતે શિક્ષક વડોદરામાં વિદ્યાર્થીઓ પર બળજબરી આચરતો, બનાસકાંઠામાં પ્રાથમિક શાળાનાં બાળકોને સોટીથી વીંઝી નાખતો અને વલસાડમાં એકના ડબલ કરવાની પેરવીમાં સંડોવાયેલો દેખાય છે. તો સામૂહિક રીતે શિક્ષણના ખાનગીકરણ તરફના ઝુકાવ સામે પોતાના ‘થોડું કામ અને વધુ વળતર’ના અધિકારને હાનિ પહોંચતી હોવાનું જણાવી સાર્વત્રિક હડતાલનું એલાન કરતા શિક્ષક યુનિયનોની વાત પણ વર્તમાનપત્રોમાં છપાઈ છે. એક વાલી તરીકે આ બધું જોતાં ‘શિક્ષક એક આદર્શ’ એવો ભાવ તો અર્થહીન લાગે છે, પરંતુ સ્વયં શિક્ષણવ્યવસ્થા બિનઉપયોગી બની રહી હોવાનું ભાસે છે.
બદલાતી જતી સામાજિક પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં આજના શિક્ષણની સ્થિતિ જોતાં પ્રશ્ન થાય છે કે આજના શિક્ષણની બેહાલી માટે માત્ર શિક્ષકને જ શા માટે જવાબદાર ઠેરવવામાં આવે છે? શું શિક્ષણની પ્રક્રિયામાં વાલીઓની જાગૃતિનું મહત્વ નથી? મેકૉલેની શિક્ષણવ્યવસ્થાના એકમો તંત્ર, શાળા, અભ્યાસક્રમ, વિદ્યાર્થી અને પરીક્ષા- આ પાંચેય પરિબળો સામાજિક પરિસ્થિતિની માંગને અનુરૂપ રહે તે માટે રાજ્ય પ્રયત્ન કરે છે. એકમોના અગત્યતાના ક્રમમાં ફેરબદલી પણ કરે છે. આમ છતાં, સરવાળે શિક્ષણ જગતની સ્થિતિ નિરાશાજનક જણાય છે. ત્યારે હવે મેકૉલેની શિક્ષણવ્યવસ્થાના પાંચ આધારોમાંથી શક્ય હોય તેવા એકમોને સમૂળગા દૂર કરવાનો સમય પાકી ગયો હોવાનું જણાય છે.
જૂના સમયમાં સમજણ અને જ્ઞાનની આપ-લેની પદ્ધતિ તો ઘરઘરમાં કાર્યરત હતી જ, પરંતુ આ વિચાર માળખાગત બનતાં તેણે શાળા, અભ્યાસક્રમ અને યુનિવર્સિટી જેવાં રૂપો ધારણ કર્યા. સ્વતંત્રતા બાદ સામૂહિક એકતા કોઈ એકમાત્ર મકસદ રહ્યો નહીં અને આઝાદીના ૭૫ વર્ષ દરમિયાન જે રીતે વ્યક્તિલક્ષિતાનો પ્રવાહ ઊભર્યો છે, તે સ્થિતિમાં તો આજે સમાજની જરૂરિયાત નક્કી થાય તે પહેલાં જ પરિસ્થિતિ બદલાઈ જાય છે. આવી પ્રવાહી સ્થિતિમાં સામાજિક સુવ્યવસ્થાઓનો દારોમદાર માત્ર શિક્ષણ ઉપર રાખવો એ વધુ પડતી અપેક્ષા છે.
પરિસ્થિતિના ઉપાય તરીકે હવે દેશમાં ચાલતાં સેંકડો ઉદ્યોગો અને વ્યાપારી સંકુલોની માફક શિક્ષણ પ્રક્રિયાને પણ મુક્ત બજાર વચ્ચે મૂકીએ, જ્યાં શિક્ષણની ગુણવત્તા મુજબ શિક્ષકને વેતન મળે, શાળાના સંચાલકોની વ્યવસ્થાશક્તિના આધારે ફીનું ધોરણ નક્કી થાય, વિદ્યાર્થી પોતાની વ્યક્તિગત ક્ષમતા મુજબ ગમતા વિષયો પસંદ કરે અને એટલું જ નહીં, પોતાની તૈયારી અનુસાર પરીક્ષાર્થી બની આગળ વધે તેવી સુવિધા ઊભી કરવામાં આવે. બજારમાં આવતી ચીજવસ્તુઓને I.S.I. માર્કની જરૂર હોય તેમ પ્રોડક્ટને નિયત ગુણવત્તા સુધી પહોંચાડવામાં આવે છે, તે જ રીતે શાળાઓ માટે પણ બાળકોની સંખ્યાના આધારે નહીં, પરંતુ શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ અને બાળકોને આપવામાં આવતા કૌશલ્યના આધારે સરકારી અનુદાન અને ફીનું ધોરણ નક્કી કરી દેવામાં આવે.
શાળાની માન્યતા, શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ભરતી, શાળાનું સંચાલન અને છેક પરીક્ષાના પરિણામ સુધી સરકારી તંત્રની સામેલગીરી આજના શિક્ષણની મુખ્ય મર્યાદા છે. આ પરિસ્થિતિને મહદંશે દૂર કરી ‘સરકાર માત્ર જવાબદાર પરીક્ષા તંત્રનું સંચાલન કરે’ તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આવી વ્યવસ્થાના કારણે માર્ચ અને ઑક્ટોબર જેવી પરીક્ષાનો ટૂંકો સમય દૂર થશે. વિદ્યાર્થીઓ પોતાની તૈયારી અનુસાર વર્ષ દરમિયાન ગમે તેટલી વખત એક કે તેથી વધુ વિષયોની પરીક્ષા આપી શકશે. આ વ્યવસ્થા થકી પરીક્ષામાં વધુ ગુણ મેળવવા માટેની તરકીબો દૂર થશે.
સામૂહિક રીતે થતી ચોરી બંધ થશે. સવિશેષ ટ્યુશનની ચૂંગાલમાંથી બાળકો અને વાલીઓ મુક્ત થશે અને એક વર્ષ સુધી જે વિષય ભણ્યા હોઈએ તેમાં જેટલું ગોખી શકાય તે બધું ત્રણ કલાકમાં ઠલવી કાઢવાની મૂર્ખામીભરી પદ્ધતિ દૂર થશે. છેવટે શિક્ષણ શાળાના ઓરડામાંથી બહાર આવતાં વ્યક્તિના ભણતરનું પ્રમાણપત્ર જ નહીં, પરંતુ તેની આવડતનું પણ મૂલ્યાંકન કરશે. સમાજવાદીઓને આ વિચાર મૂડીવાદી લાગે તે સ્વાભાવિક છે. પરંતુ હાલ જે શાળાઓ પંચાયત અને મ્યુનિસિપલ વ્યવસ્થા સાથે જોડાયેલી છે, તેને આ પ્રયોગમાંથી બાકાત રાખી શકાય, જેથી ગરીબ અને મધ્યમવર્ગના હિતોનું જતન થઈ શકે.
શિક્ષણક્ષેત્રે ખાનગી મૂડીરોકાણ વધારવા સામે કેરળની વડી અદાલતે આપેલા ચુકાદા સંબંધે સુપ્રીમ કોર્ટની પુનર્વિચારણા પછી શિક્ષણક્ષેત્રની વર્ગસામાન્યતા અને તેની વિશિષ્ટ જરૂરિયાતોને અલગ પાડવાનો સમય પાકી ગયો છે. વિદેશોમાં ઘસડાઈ જતા આપણા બુદ્ધિધનને રોકવાનો સમય પાકી ગયો છે. ટ્યુશનની આસપાસ કુંઠિત થતા શિક્ષણ માટે વિજ્ઞાનીઓ, ઉદ્યોગપતિઓ અને રાજ્યના નીતિ-ઘડનારાઓએ એક મંચ પર ભેગા થઈ પ્રયોગશીલતા અપનાવવાનો સમય પાકી ગયો છે. ભારતીય પ્રજાતંત્રમાં સંગઠિત વિકાસ અને રાજકીય નિર્ણયોની સ્વતંત્રતા રહેલી છે, તે સારી બાબત છે. પરંતુ તેનો લાભ મુઠ્ઠીભર બુદ્ધિજીવીઓ અને ગણ્યાગાંઠ્યા સમૂદાય પૂરતો મર્યાદિત છે. ત્યારે આવી ઘટનાઓ લોકશાહીની પ્રક્રિયાને શિથિલ કરી નાખવા માટે પૂરતી જણાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.