વૈશ્વિક સ્તરે કાળા નાણાંના વ્યવહારો અને આતંકવાદી નાણાંકીય પ્રવૃત્તિઓ સામે નજર રાખતી સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સ (DeFi)ને લઈને ગંભીર ચેતવણી આપી છે. FATFના નવા અહેવાલ મુજબ DeFi પ્લેટફોર્મનો ઉપયોગ હવે માત્ર નાણાકીય નવીનતા માટે જ નહીં, પરંતુ છેતરપિંડી, રેન્સમવેર, મની લોન્ડરિંગ અને ગેરકાયદે નાણાંકીય પ્રવૃત્તિઓ માટે પણ ઝડપથી વધી રહ્યો છે. સંસ્થાએ જણાવ્યું છે કે DeFi ક્ષેત્રનો વિકાસ નિયમનકારી વ્યવસ્થા કરતાં ઘણી ઝડપથી થયો છે, જેના કારણે મોટાભાગના દેશો હજુ પણ અસરકારક નિયંત્રણ સ્થાપિત કરવામાં પાછળ છે.
93% દેશોમાં હજુ નિયમનનો અભાવ
FATFના ટાર્ગેટેડ રિપોર્ટ ઓન રેગ્યુલેટરી ચેલેન્જિસ ફ્રોમ DeFi મુજબ અહેવાલ આપનારા 142 દેશોમાંથી 132 દેશોએ DeFi માટે FATFના ધોરણો અમલમાં મૂક્યા નથી. આ ઉપરાંત, 142 દેશોમાંથી માત્ર 2 દેશોએ જ વાસ્તવમાં DeFi પ્લેટફોર્મને લાઇસન્સ અથવા નોંધણી આપી છે. FATFનું માનવું છે કે આ સ્થિતિ વૈશ્વિક નાણાકીય સુરક્ષા માટે ચિંતાજનક છે.
ડિસેન્ટ્રલાઇઝેશનનો દાવો, પરંતુ નિયંત્રણ કેન્દ્રિત
FATFએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા DeFi પ્લેટફોર્મ પર પૂરતું નિયંત્રણ અથવા પ્રભાવ ધરાવતી હોય તો તે વર્ચ્યુઅલ એસેટ્સ સંબંધિત FATFના નિયમોની વ્યાપ્તિમાં આવે છે. અહેવાલ મુજબ ઘણા DeFi પ્રોજેક્ટ્સ પોતાને સંપૂર્ણપણે ડિસેન્ટ્રલાઇઝ્ડ ગણાવે છે, પરંતુ વાસ્તવમાં અનેક જગ્યાએ નિયંત્રણ થોડા લોકો અથવા સંસ્થાઓ પાસે જ રહે છે. જેમા મુખ્યત્વે ગવર્નન્સ ટોકન્સની કેન્દ્રિત માલિકી, એડમિનિસ્ટ્રેટિવ અધિકારો, સોફ્ટવેર અપડેટ્સ પર નિયંત્રણ, આર્થિક લાભ પર પ્રભાવ, પ્લેટફોર્મના વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અસરનો સમાવેશ થાય છે. FATFએ આવા નિયંત્રણોને ઓળખવા માટે ઓન-ચેઇન અને ઓફ-ચેઇન સંકેતો પણ રજૂ કર્યા છે.
ગુનેગારો અપનાવી રહ્યા છે અદ્યતન પદ્ધતિઓ
અહેવાલમાં જણાવાયું છે કે ગુનેગારો હવે ચેઇન-હોપિંગ, ક્રોસ-ચેઇન બ્રિજ, ડિસેન્ટ્રલાઇઝ્ડ એક્સચેન્જ, ક્રિપ્ટોકરન્સી મિક્સર અને ગવર્નન્સ મેનિપ્યુલેશન જેવી જટિલ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ગેરકાયદે નાણાંની હેરફેર છુપાવી રહ્યા છે. FATFએ ખાસ કરીને ઉત્તર કોરિયા (DPRK) સાથે જોડાયેલા સાયબર હુમલાઓનો ઉલ્લેખ કર્યો છે. એપ્રિલ 2026 દરમિયાન DeFi પ્લેટફોર્મ પર થયેલા 2 મોટા હુમલાઓમાં અંદાજે 570 મિલિયન અમેરિકન ડોલરથી વધુની રકમની ચોરી થઈ હતી, જે સમગ્ર વર્ષ દરમિયાન વર્ચ્યુઅલ એસેટ હેકિંગથી થયેલા કુલ નુકસાનના લગભગ 76% જેટલી હતી. સેફમૂન ટોકન સ્કીમ અને ફોર્સેજ પ્લેટફોર્મ જેવા કિસ્સાઓમાં પણ રોકાણકારોને કાયદેસર દેખાતા પ્લેટફોર્મ દ્વારા છેતરવામાં આવ્યા હોવાનો અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
FATFએ સરકારો અને નાણાકીય સંસ્થાઓને શું કહ્યું?
FATFએ ભલામણ કરી છે કે DeFi સાથે સંકળાયેલી તમામ નાણાકીય સંસ્થાઓ અને વર્ચ્યુઅલ એસેટ સર્વિસ પ્રોવાઇડર્સ (VASPs)એ ગ્રાહક ચકાસણી, નવી ટેકનોલોજી અને નાણાકીય વ્યવહારો સંબંધિત FATFના તમામ ધોરણોનું પાલન કરવું જોઈએ. જો આ નિયમોનું પાલન શક્ય ન હોય તો આવી DeFi વ્યવસ્થાઓ સાથે વ્યવહાર ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે.
કયા વિસ્તારોમાં સૌથી વધુ DeFi પ્રવૃત્તિ?
અહેવાલ અનુસાર:
- ઉત્તર અમેરિકા અને યુરોપ મળીને વિશ્વની લગભગ 60% DeFi લેવડદેવડ ધરાવે છે.
- મધ્ય પૂર્વ અને આફ્રિકાનો હિસ્સો મળીને 10%થી પણ ઓછો છે.
- વિશ્વના સૌથી મોટા 20 DeFi પ્રોટોકોલ સમગ્ર ક્ષેત્રની 70%થી વધુ પ્રવૃત્તિ સંભાળે છે.
સરકારો માટે FATFની મુખ્ય ભલામણો
FATFએ સરકારો, નાણાકીય સંસ્થાઓ અને DeFi સંચાલકોને સંતુલિત અને અસરકારક નિયમનકારી માળખું તૈયાર કરવું, સ્માર્ટ કોન્ટ્રાક્ટનું પ્રમાણપત્ર અને સુરક્ષા ચકાસણી વધારવી, નાણાકીય નિયમનકારો અને તપાસ એજન્સીઓ વચ્ચે વધુ સંકલન કરવું, જાહેર-ખાનગી ભાગીદારી મજબૂત બનાવવી, ક્રિપ્ટોકરન્સી તપાસ માટે વિશેષ ટીમો રચવી અને Egmont Secure Web અને FIU.net જેવા પ્લેટફોર્મ દ્વારા માહિતીની ઝડપી આપ-લે વધારવી જેવા પગલાં લેવા ભલામણ કરી છે.
FATFના પ્રમુખ ગાઇલ્સ થોમ્સને જણાવ્યું કે ઉભરતી ટેકનોલોજીનો ગેરકાયદે ઉપયોગ અટકાવવો જરૂરી છે, પરંતુ સાથે સાથે નવીનતાને પણ અવરોધ ન પહોંચે તેની સમાન કાળજી રાખવી પડશે.