Charchapatra

પરમેશ્વરમય બને તેને પરમેશ્વર અનુભવાય

 ‘પૂર્વજન્મ પુનર્જન્મ એક જુઠાણું’ શીર્ષક હેઠળનું એન.વી. ચાવડાનું ચર્ચાપત્ર વાંચ્યું. એમણે પૂર્વજન્મ પુનર્જન્મને એક જુઠાણું કહ્યું છે. તેઓ વિજ્ઞાનમાં વધુ માનતા હોય એવું લાગે છે પણ વિજ્ઞાન પણ હજી મૃત્યુ પામેલાને સજીવન કરી શકયું નથી. માતાના ગર્ભમાં બાળકનાં અંગોનો વિકાસ કોણ કરે છે? ડોકટર પણ બિમાર દર્દીનો ઇલાજ ન કરી શકે ત્યારે ઉપરવાલાને પ્રાર્થના કરવાનું કહે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે નાની છોકરી પોતાના સગાને ઓળખી શકે છે તેનું શું? આજે નાસ્તિક માણસો કરતાં આસ્તિક માણસો વધુ છે. જેમ દૂધમાં દહીં છે, માખણ છે અને ઘી છે પણ આપણે તે જોઇ શકતાં નથી પણ છે તે આપણે માનવું પડે છે. ઇશ્વર – ભગવાન દેખાતા નથી પણ તે કણ કણમાં છે. એન.વી. ચાવડાએ આત્મા છે તે સ્વીકાર્યું છે તો એ આત્મા આવ્યો કયાંથી? અને માણસ મૃત્યુ પામે છે ત્યારે એ કયાં જાય છે? મીરાંબાઇ, નરસિંહ મહેતા, જલારામબાપા વગેરે સંતોને ઇશ્વરદર્શન થયાં, પણ તેનો આનંદ તેઓ પોતે માણી શકયા. એ અનુભવ બીજાને સમજાવી શકે નહીં. અગ્નિને પકડવા જવાથી દાઝી જવાય તેવું બાળકને સમજાય ત્યારે તે અગ્નિને પકડવા જશે નહીં. પરમેશ્વરમય બની જનાર માણસ પરમેશ્વરને ઓળખી શકે છે.
નવસારી           – મહેશ નાયક       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top