Surat Main

સુરતમાં સગી જનેતાએ 18 દિવસની દીકરીને નદીમાં ફેંકી દીધી!, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

સુરત: (Surat) શહેરના ઉન ખાતે રહેતી મહિલાએ ગત 12 તારીખે તેની 18 દિવસની બાળકીને (Girl) ઘરકંકાસથી કંટાળી તાપી (Tapi River) નદીમાં ફેંકી દીધી હતી. આ બાળકીની ફાયર (Fire) વિભાગ અને પોલીસ (Police) દ્વારા છેલ્લા બે દિવસથી સતત શોધખોળ ચાલી હતી. ફાયર વિભાગને 17 કલાકની શોધખોળ બાદ આજે સવારે બાળકીની લાશ જીલાની બ્રીજ (Jilani Bridge) નીચે મળી આવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉન પાટિયા ખાતે ઉનનગરમાં રહેતા રિક્ષા ચાલકની પત્નીએ ગત 12 તારીખે મોડી સાંજે તેની 18 દિવસની બાળકીને મક્કાઈપુલ પરથી તાપી નદીમાં ફેંકી દીધી હતી. મહિલાએ ઘરે આવીને પોતે બાથરૂમમાં ગઈ ત્યારે બાળકી કોઈ અપહરણ કરીને લઈ ગયું હોવાની વાર્તા ઉપજાવી કાઢી હતી. અને પોલીસને પણ પહેલા ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની પૂછપરછમાં તેણે ઘરકંકાસથી કંટાળી પોતે જ બાળકીને નદીમાં ફેંકી હોવાની કબૂલાત કરી હતી. મહિલાની વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

  • માતાએ જ બાળકીને ઘરકંકાસથી કંટાળી તાપીમાં ફેંકી હતી, માતા સામે હત્યાનો ગુનો નોંધાશે
  • ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં બાળકીનું મોત ડૂબી જવાથી થયું હોવાનું જાણવા મળ્યું

ફાયર વિભાગની ટીમ અને પોલીસ દ્વારા બાળકીની બે દિવસથી સતત શોધખોળ કરવામાં આવી રહી હતી. પહેલા દિવસે એટલે કે 12 તારીખે રાત્રે 3 કલાક, 13 તારીખે સવારથી રાત સુધી સતત 11 કલાક અને આજે સવારે 3 કલાક મળી કુલ 17 કલાક સુધી ફાયર વિભાગે બાળકીની શોધખોળ કરી હતી. દરમિયાન આજે સવારે સાડા દસ વાગ્યાના આસપાસ બાળકીની લાશ જીલાની બ્રીજ પાસેથી મળી આવી હતી. પોલીસે બાળકીનો મૃતદેહ કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલમાં ખસેડ્યો હતો.

નવી સિવિલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ ફોરેન્સિક વિભાગના વડા ડો.ગણેશ ગોવેકરે બાળકીનું મોત પાણીમાં ડુબવાથી થયું હોવાનું જણાવ્યું હતું. બાળકી લાશ મળી તે સંદર્ભે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. રાંદેર પોલીસ સ્ટેશનમાં માતાની સામે બાળકીની હત્યાનો ગુનો દાખલ થશે.

Most Popular

To Top