Madhya Gujarat

પોલીસ ચોકી નજીક જ 4 દુકાનના તાળા તૂટ્યાં

નડિયાદ: નડિયાદ શહેરમાં પોલીસ દ્વારા સઘન નાઈટ પેટ્રોલીંગ કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમછતાં શહેરમાં ચોરીના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેમછતાં પોલીસ સબ સલામત હોવાનું જણાવી રહી છે. એવામાં શહેરના સંતરામ પોલીસ ચોકી નજીક જ રાત્રી દરમિયાન ચાર દુકાનોના તાળાં તુટતાં પોલીસની ઉંઘ ઉડી ગઈ છે. ચોરીની આ ઘટનામાં દુકાનોમાંથી રોકડ સહિત મુદ્દામાલ ચોરાયો હોવાનું દુકાનદારો તરફથી જાણવા મળેલ છે.
નડિયાદ શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાને કારણે તસ્કરો બેફામ બન્યાં છે.

તસ્કરોને જાણે પોલીસનો બિલકુલ ડર જ ન હોય તેમ છાશવારે ચોરી કરી રહ્યાં છે. જેને પગલે નગરજનોમાં ફફડાટ ફેલાયો છે. તેમછતાં પોલીસતંત્ર દ્વારા નાઈટ પેટ્રોલીંગ કરવામાં આળશ દાખવવામાં આવી રહી હોવાથી તસ્કરોને ફાવતું જડ્યું છે. બેફામ બનેલાં તસ્કરોએ ગત તા.25 મી જાન્યુઆરીની રાત્રે શહેરના સંતરામ પોલીસ ચોકી નજીક મુખ્ય માર્ગ પર આવેલ દુકાનો પૈકી ચાર દુકાનોના તાળાં તોડ્યાં હતાં અને તેમાંથી રોકડ તેમજ મુદ્દામાલની ચોરી કરી, ફરાર થઈ ગયા હતાં. તસ્કરોએ ડ્રીલ કટરની મદદથી શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. પકડાઈ ન જવાય તે માટે તસ્કરોએ દુકાનોમાં લગાવાયેલાં સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યાં હતાં. જોકે, એકાદ સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થઈ ગયા હતાં. દુકાનદારોએ આ મામલે પોલીસને જાણ કરી હતી અને ચોરીની ઘટનાના સીસીટીવી ફુટેજ પણ પોલીસને સોંપ્યાં હતાં. પરંતુ, બનાવના બે દિવસ બાદ પણ ચોરીની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ નથી.

Most Popular

To Top