Madhya Gujarat

ચાંગા સ્થિત ચારૂસેટ કેમ્પસનો 23મો સ્થાપના દિન આજે ઉજવાશે

આણંદ : ચાંગા સ્થિત ચારૂસેટ કેમ્પસનો 23મો સ્થાપના દિન આજરોજ યુનિવર્સિટી કેમ્પસમાં ઉજવવામાં આવશે. જેમાં શ્રેષ્ઠ સંશોધન બદલ અધ્યાપકોને રિસર્ચ એપ્રિસિએશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિવિશેષપદે અમેરિકા સ્થિત વિખ્યાત ટેક્નોક્રેટ અને અગ્રણી દાતા  ડો. હરીશ પટેલ ઉપસ્થિત રહી સંબોધન કરશે. ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચાંગાસ્થિત વિશ્વ-વિખ્યાત ચારૂસેટ કેમ્પસનો 23મો સ્થાપના દિન આજરોજ ચારૂસેટ યુનિવર્સિટી કેમ્પસમાં ઉજવવામાં આવશે.

આ સમારોહમાં મુખ્ય અતિથિવિશેષપદે અમેરિકા સ્થિત વિખ્યાત ટેક્નોક્રેટ અને અગ્રણી દાતા  ડો. હરીશ પટેલ ઉપસ્થિત રહી સંબોધન કરશે. આ પ્રસંગે કેળવણી મંડળ અને યુનિવર્સીટીના હોદ્દેદારોના પ્રાસંગિક અને પ્રેરણાદાયી પ્રવચનો ઉપરાંત સ્થાપના દિવસની ઉજવણીની પરંપરા મુજબ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ સંશોધન કાર્ય કરનાર અધ્યાપકોને રિસર્ચ એપ્રિસિએશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેથી યુનિવર્સીટીમાં સંશોધન અને નવીનીકરણની પ્રવૃત્તિઓને વેગ અને મજબૂત પીઠબળ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચરોતર પ્રદેશને શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક નકશા પર મુકવા ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચારૂસેટ કેમ્પસની કલ્પના કરવામાં આવી હતી. આ કલ્પનાને સાચા અર્થમાં સાકાર કરતા કેળવણી મંડળ દ્વારા વર્ષ 2000માં રૂ. ત્રણ કરોડના રોકાણ સાથે ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની સ્થાપના કરવામાં આવી અને આજે આ જ કેમ્પસ ફક્ત 23 વર્ષના ટૂંકા સમયગાળામાં ચારૂસેટ શિક્ષણ, સંશોધન અને નવીનીકરણ થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત બન્યું છે. ચારૂસેટ યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમો હેઠળ 8900થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

ચારૂસેટ યુનિવર્સીટી રાષ્ટીય કક્ષાએ પ્રથમ હરોળની 20 યુનિવર્સીટીમાં સ્થાન પામવાનું ધ્યેય ધરાવે છે. તેમજ લાંબા ગાળે ચારૂસેટ એક વૈશ્વિક યુનિવર્સીટી બનવાની નેમ ધરાવે  છે. આ પ્રસંગે ચારૂસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ,  કેળવણીમંડળ, માતૃસંસ્થા, અને સીએચઆરએફ ના માનદ મંત્રી  ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને સીએચઆરએફ ના પ્રમુખ નગીનભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશી, ગવર્નીંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, સંસ્થાઓના પ્રિન્સિપાલ,  સ્ટાફ મેમ્બર્સ ઉપસ્થિત રહેશે.

Most Popular

To Top