Columns

બસની છેલ્લી સીટ

એક કુટુંબનાં બધાં કુટુંબીજનો યાત્રાએ જવા નીકળ્યાં.એક બસ જ ભાડે કરી લીધી હતી.યાત્રાધામમાં પહોંચીને દર્શન કરે અને બસમાં મુસાફરીમાં યુવાનો પાછળની સીટમાં બેસી મસ્તી કરે અને વયસ્ક વડીલો આગળની સીટમાં બેસીને સત્સંગ કરે.ક્યારેક બધા સાથે મળીને અંતાક્ષરી પણ રમે.બહુ સરસ મજાનો પ્રવાસ હતો. ભગવાનનાં દર્શન ,કુટુંબીજનો સાથે મોજ અને પ્રવાસનો આનંદ બધું જ સાથે મળી રહ્યું હતું. છેલ્લા મંદિરમાં દર્શન કરી લીધા બાદ એક વડીલ બોલ્યા, ‘હવે યાત્રા પૂરી થશે. આજે તો હું પણ પાછળની સીટમાં બેસીને તમે યુવાનો શું મસ્તી કરો છો તે જોઇશ અને તમારી સાથે મસ્તી કરીશ.હું હજી દિલથી યુવાન જ છું.’બધા હસવા લાગ્યા. યુવાનોએ કહ્યું, ‘ચાલો વડીલ…’વડીલનાં પત્ની બોલ્યાં, ‘અરે, ના પાછળ ન જશો. દિલથી યુવાન છો પણ શરીરથી નહિ.

પાછળની સીટમાં થડકા બહુ લાગે, કમર દુખવા લાગશે પછી મને નહિ કહેતા…’બધા વધારે જોરથી હસ્યા. વડીલ સાવ છેલ્લી સીટમાં નહીં પણ યુવાનો પાસે બેઠા.બસ શરૂ થઇ. વડીલે પોતાની વાતો શરૂ કરી.તેમણે કહ્યું, ‘દોસ્તો, આ તમે આખી યાત્રા દરમ્યાન પાછળની સીટમાં બેઠા અને ધક્કા-થડકા ખાધા, પણ ક્યારેય વિચાર્યું કે આ પાછળની સીટમાં કેમ વધારે ધક્કા લાગતા હશે.બસ એક જ છે,ડ્રાઈવર એક જ છે.બસની સ્પીડ પણ એકસરખી જ છે તો કેમ આગળ થડકા ઓછા, નહીંવત્ અને પાછળ થડકા ધક્કા વધારે લાગે છે?’યુવાનો બોલ્યા, ‘ના, એવું વિચાર્યું તો નથી.’ વડીલ બોલ્યા, ‘દોસ્તો, બસના ડ્રાઈવરથી તમે જેટલા દૂર બેસો, જેટલું ડ્રાઈવર અને આપણું અંતર વધારે એટલા ધક્કા વધુ લાગે.’

યુવાનો તેમની વાત શાંતિથી સાંભળી રહ્યા હતા.વડીલે આગળ ઉમેર્યું, ‘મારા યુવાન દોસ્તો, હવે સત્સંગની વાત કરું.આપણા જીવનની બસના ડ્રાઈવર કોણ? એક બીજા વડીલ બોલ્યા, ‘આપણા બધાના જીવનની બસના ડ્રાઈવર તો એક જ છે તે છે ઈશ્વર.’ વડીલે કહ્યું, ‘બરાબર , હવે મારી વાત સમજો. બસના ડ્રાઈવરથી તમે જેટલા દૂર બેસો, જેટલું ડ્રાઈવર અને આપણું અંતર વધારે એટલા ધક્કા વધુ લાગે.એટલે આપણે જીવનની બસના ડ્રાઈવરથી જેટલા દૂર રહીએ એટલા જીવનમાં ધક્કા વધારે લાગશે.

આપણી અને પરમાત્મા વચ્ચે જેટલું અંતર વધારે એટલા વધુ ધક્કા ખાવા પડશે.માટે આ અંતર ઘટાડો.ઈશ્વરની સમીપ જવાની કોશિશ કરો.યુવાનો માત્ર યાત્રા પ્રવાસમાં જોડાઈને કે કોઈક વાર મંદિરમાં જઈને નહિ, પણ રોજે રોજ થોડો સમય ઈશ્વર માટે કાઢો.ઘરમાં તમારા આરાધ્ય ભગવાનની પાસે બેસો. તેને મનની બધી વાત કરો.પ્રાર્થના કરો,ધ્યાન કરો,ધીમે ધીમે તમે ભગવાન સાથે એક જોડાણ અનુભવશો.’વડીલે બહુ સરસ વાત સમજાવી. ચાલો, આપણે પણ આપણી જીવનબસના ડ્રાઈવર, ઈશ્વર અને આપણી વચ્ચેનું અંતર આજથી જ ઘટાડીએ.ઈશ્વરની સમીપ જઈએ.
          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top