SURAT

સુરત ક્રાઈમ બ્રાન્ચનો જમાદાર પણ વ્યાજખોરના ચુંગાલમાં ફસાયો

સુરત: રાંદેર પોલીસમાં હાલમાં ક્રાઇમ બ્રાન્ચના (Crime Branch) જમાદાર દ્વારા વ્યાજખોરો (Money Lenders) સામે ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. તેમાં આ ક્રાઇમ બ્રાન્ચના જમાદારની મિલકતો વ્યાજખોરીમાં ફસાઇ હોવાની વિગત મામલે પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વ્યાજખોરીમાં ફસાયેલો આ જમાદાર હાલમાં રાંદેર પોલીસમથકમાં તપાસના નામે ચક્કર કાપી રહ્યો છે. દરમિયાન સંવેદનશીલ ફરિયાદો લેવામાં હવે પોલીસ પરિવારોએ પણ ચક્કર કાપવા પડી રહ્યાં હોવાની ચર્ચા છેડાઇ છે.

  • રાંદેર પોલીસ કાર્યવાહી કરે એ પહેલાં મંત્રીનો ફોન આવી ગયો
  • પોલીસ કહે છે તપાસ કાર્યવાહી ચાલુ છે

આ પોલીસ જમાદાર દ્વારા કરવામાં આવેલી અરજી સામે ફરિયાદ કરવાનો તખ્તો ગોઠવવામાં આવ્યો હતો. અલબત્ત, હાલમાં જે વિગત જાણવા મળી છે તે પ્રમાણે રાજ્યના મંત્રીનો ફોન આવતાં આ મામલે ચોક્કસ વ્યાજખોર સામે કાર્યવાહી અટકાવી દેવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ વ્યાજખોર રાજ્યના ટોચના મંત્રીનો ખાસ માણસ છે. તેથી પોલીસ હવે તેને હાથ લગાડતા ડરી રહી હોવાની ચર્ચા છે.

હાલમાં આખા ગુજરાતમાં હજારો વ્યાજખોરો સામે ઝુંબેશ ચાલી રહી છે. જ્યારે કહેવાતા મંત્રીઓના ભલામણના ફોન આવતા આ મામલે પોલીસ પણ અવઢવમાં હોવાની વિગત જાણવા મળી છે. અલબત્ત, આ મામલે ગુજરાતમિત્ર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરી હતી. તેમાં પીઆઇ સોનારાએ જણાવ્યું કે, આ કિસ્સામાં જમાદાર સાચો છે કે ખોટો તેની ખરાઇ ડીસીપી દ્વારા કરવામાં આવી રહી છે. આ મામલો હાલમાં ડીસીપી સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત જમાદાર સામે ચેક બાઉન્સની ફરિયાદ છે અને તેમના સગા દ્વારા છ જેટલી ગાડીઓ લેવામાં આવી હતી. આમ આ મામલો હાલમાં વિવાદી છે. તેથી તપાસ કાર્યવાહી બાદ જ આ કિસ્સામાં વધુ કાર્યવાહી શક્ય બને છે.

દરમિયાન હાલમાં ક્રાઇમ બ્રાન્ચના જમાદારની અરજી આવી હોવાની વાતને પીઆઇ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. અલબત્ત, વ્યાજખોરીના આ ચક્કરમાં સામાન્ય વ્યક્તિ તો ઠીક પરંતુ પોલીસ પણ ફસાઇ છે. નોકરી બચાવવાના ચક્કરમાં પોલીસ જમાદાર કોઇને ફરિયાદ પણ કરી શકતો નથી. આમ વ્યાજના ખપ્પરમાં ફસાયેલા લોકોની હાલત અત્યંત દયનીય હોવાનો વધુ આ કિસ્સો પોલીસ બેડામાં ચર્ચાને ચક્રાવાતે ચઢ્યો છે.

Most Popular

To Top