Comments

અસમાનતા કોઠે પડી ગઇ છે?

પદ સંભાળ્યા પછીના થોડા મહિના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું હતું કે મનમોહન સિંહની સરકારે કેટલી નબળી કામગીરી કરી છે તે બતાવતી હોવાથી મનરેગા ચાલુ રખાશે. મારી રાજકીય અંત:સ્ફુરણા મને કહે છે કે મનરેગા બંધ નહીં થવી જોઇએ કારણકે તે તમારી નિષ્ફળતાનું જીવંત સ્મારક છે. વિરોધ પક્ષોની ઠેકડી ઉડાવતાં તેમણે વધુમાં કહ્યું હતું કે સત્તા પર આટલાં વર્ષો રહ્યા બાદ તમે ગરીબ માણસ પાસે મહિનામાં થોડા દિવસ જ ખાડા ખોદાવી શકયા છે. મોદી તેમની સરકાર બહેતર નોકરી સર્જી શકતી હોવાથી આ યોજનાને તેના કુદરતી મોતે જ મરવા દેશે. આ કામ આ યોજના માટે ઓછા પૈસા આપીને અને તેનો લાભ થોડા લોકોને જ આપી કરી શકાય. સરકાર સત્તા પર આવ્યા પછી નીતિન ગડકરીએ નિર્દેશ આપ્યો હતો કે મનરેગા ભારતના ૧/૩ જિલ્લાઓ માટે મર્યાદિત કરવામાં આવશે.

મનરેગાને હતોત્સાહ કરવા માટે મોદી સરકાર જેને પંદર દિવસમાં પૈસા ચૂકવવાના છે તેના પૈસા ચૂકવવામાં વિલંબ કરશે. ૨૦૧૨ માં આ ૪૨% હતો તે ૨૦૧૪ માં ૭૦% પર પહોંચી ગયો. મોદી સત્તા પર આવ્યા ત્યાર પછીના છ મહિના પછી, એટલે કે ૨૦૧૪ ના ડિસેમ્બરમાં પાંચ રાજયો સિવાય અન્ય તમામને ૨૦૧૩ ની સરખામણીમાં ૨૦૧૪ માં કેન્દ્ર પાસેથી ઓછા પૈસા મળ્યા હતા. ભારતનું અર્થતંત્ર નબળું પડયું અને બેરોજગારી વધી તેથી મોદી સરકારે વડા પ્રધાન જેને નિષ્ફળ ગણાવતા હતા તે યોજનામાં નીચે મુજબ વધુ રોકાણ કરવા માંડયું:

મનરેગાનું રોકાણ વર્ષ રૂા. કરોડમાં, ૨૦૧૪-૧૫ ૩૨૦૦૦, ૨૦૧૫-૧૬ ૩૭૦૦૦, ૨૦૧૬-૧૭ ૪૮૦૦૦, ૨૦૧૭-૧૮ ૫૫૦૦૦, ૨૦૧૮-૧૯ ૬૧૦૦૦, ૨૦૧૯-૨૦ ૭૧૦૦૦, ૨૦૨૦-૨૧ ૧,૧૧,૦૦૦

આ સ્મારક મનમોહનસિંહના શાસનમાં હતું તેનાથી ત્રણ ગણું મોટું થઇ ગયું છતાં જેમની પાસે કોઇ કામ નથી એવી વસ્તીની માંગને પહોંચી નથી વળી શકાયું. માંગ ઓછી છે એવી ધારણાએ ચાલુ વર્ષે રૂા. ૭૩,૦૦૦ કરોડ અલગ રાખવામાં આવ્યા છે પણ નાણાંકીય વર્ષના પહેલા પાંચ મહિનામાં જ ૮૦% નાણાં વપરાઇ ગયા છે અને મનરેગા હેઠળના કામ માટેની મોટા ભાગની માંગણી હજી સંતોષાઇ નથી. મનરેગા હેઠળ નોંધાયેલા ઘરને રોજના રૂા. ૨૦૦ ના હિસાબે ૧૦૦ દિવસ કામ આપવાની બાંહેધરી આપવામાં આવે છે. અર્થાત્‌ પરિવારને વર્ષમાં રૂા. ૨૦,૦૦૦ મળે. કુલ ૧૩ કરોડ ભારતીય ઘર નોંધાયાં છે જે અડધોઅડધ વસ્તીને એટલે કે ૨૫ કરોડ ઘરને આવરી લે છે. ૨૦૧૬ માં કાર્ડના કાર્ડની સંખ્યામાં ૨૪ લાખનો ઘટાડો થયો હતો પણ નોટબંધી પછી ૧૮ લાખ કાર્ડનો તે પછીના વર્ષમાં વધારો થયો હતો. આ બતાવે છે કે જયારે આર્થિક તાણ અનુભવે ત્યારે ગરીબ ભારતીયો મનરેગાને શરણે જાય છે પણ જયારે બધું ઠીકઠાક ચાલે ત્યારે તેઓ મનરેગા સિવાયનાં કામ શોધે છે.

અશોકા યુનિવર્સિટી સાથે સંલગ્ન સેન્ટર ફોર ઇકોનોમિક ડેટા એન્ડ એનેલિસીસ – સેડા નોંધે છે કે ગયા વર્ષે મનરેગાની માંગમાં ૧.૫ કરોડનો વધારો થયો, એટલે કે નોટબંધી પછીના કપરા વર્ષની માંગ કરતાં આઠ ગણી વધુ માંગ નીકળી. કમનસીબે આપણાં સૌથી મોટાં રાજયોમાં સરકાર જેમને કામ જોઇએ છે તેને મળે જ એવી ચોકકસ વ્યવસ્થા કરવામાં નિષ્ફળ જાય છે. ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા ઘર દીઠ સરેરાશ રોજગારી ૧૮ દિવસ: (રૂા. ૩૬૦૦) અને બિહારમાં ૧૧ દિવસ (રૂા. ૨૦૦૦) હતી. નોંધાયેલા ૯૫% ઘરને ગયા વર્ષે પછી ૧૦૦ દિવસની રોજગારી મળી ન હતી. સેડાના સર્વેક્ષણમાં બીજી એક વાત એ બહાર આવી કે અન્યત્ર કાયમી રોજી નહીં મેળવી શકનાર યુવકનો હવે મનરેગાની નોકરી શોધે છે. ૧૮ થી ૩૦ વર્ષની વય જૂથના ૨૦% લોકો ૨૦૧૮ માં મનરેગામાં કામ શોધતા હતા તે આંકડો હવે લગભગ બમણો થઇ ૩૭% પર પહોંચ્યો છે.

ભારત સરકારના પોતાના આંકડા કહે છે કે કામ કરતા અથવા કામની શોધ કરતા ૧૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના ભારતીયોની સંખ્યા કુલ શ્રમબળના ૪૦% છે. અમેરિકામાં લગભગ ૬૦% છે. થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયામાં લગભગ ૭૦% છે અને ચીનમાં ૭૦% થી વધુ છે. ભારતની શ્રમની હિસ્સેદારી પાકિસ્તાન અને બાંગ્લા દેશ કરતાં નીચી છે. ભારતીયો આળસુ છે? ના. તેમની પાસે કામ નથી. સેન્ટર ફોર મોન્ટિરિંગ ધી ઇન્ડિયન ઇકોનોમી કહે છે કે ૨૦૧૬ માં ભારતમાં કામ કરવાની ઉંમરના ૪૨% લોકો કામ કરતા હતા. ૨૦૧૭ માં આ આંકડો ૪૧%, ૨૦૧૮-૧૯ માં ૪૦% ૨૦૧૯ માં ૩૯% અને અત્યારે ૩૬% પર પહોંચ્યો છે.

ભારતની વસ્તીમાં સાત કરોડ લોકોનો વધારો થયો છે અને કામ કરતા લોકોની સંખ્યા પાંચ વર્ષ કરતાં ઓછી છે. આ સમસ્યા એમને એમ નથી ચાલી જવાની પણ તેને કોઇ ધ્યાનથી જોતું નથી કારણકે આપણા દેશનું રાજકારણ અન્ય વિચારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારત હંમેશાં એક ગરીબ રાષ્ટ્ર રહ્યું છે કારણ કે મોટા ભાગનાં લોકો મૂંગે મોંએ યાતના સહન કરે છે પણ થોડા લોકો તાગડધિન્ના કરે છે. હજાર વર્ષ પહેલાં હતી તેનાથી આ સ્થિતિ ખાસ જુદી નહીં લાગે. પણ સવાલ એ છે કે આટલી હદે આજે અસમાનતા દેખાય છે ત્યારે બહુમતી ચૂપચાપ બધું સહન કરતી રહેશે? જવાબ ‘ના’ માં હોય તો રાષ્ટ્ર તરીકે આપણે આ સમસ્યાના વિસ્ફોટ સુધી રાહ જોવાને બદલે તેની ચર્ચા કરવી જોઇએ.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top