દુનિયાભરના હિંદુઓને જોડવા બાલેન સરકારની મોટી તૈયારી
હિમાલયની ગોદમાં વસેલું Nepal હવે પોતાની ધાર્મિક અને આધ્યાત્મિક ઓળખને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા માટે મોટા મિશન તરફ આગળ વધી રહ્યું છે. નેપાળની બાલેન સરકારએ સંસદમાં પોતાની પ્રથમ નીતિ જાહેર કરતાં “દેવભૂમિ નેપાળ” નામના રાષ્ટ્રીય અભિયાનની જાહેરાત કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ વિશ્વભરના હિંદુઓ અને આધ્યાત્મિક પ્રવાસીઓને નેપાળ સાથે જોડવાનો છે અને દેશને વૈશ્વિક આધ્યાત્મિક ટૂરિઝમ હબ તરીકે વિકસાવવાનો છે.
નેપાળના રાષ્ટ્રપતિ Ram Chandra Poudel દ્વારા સંસદમાં રજૂ કરાયેલા નીતિ કાર્યક્રમમાં ધાર્મિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક પર્યટનને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. સરકારનું માનવું છે કે નેપાળની પ્રાચીન સંસ્કૃતિ, હિંદુ પરંપરા અને બૌદ્ધ વારસો સમગ્ર વિશ્વના શ્રદ્ધાળુઓને આકર્ષી શકે છે. આ યોજના માત્ર ધાર્મિક પ્રવાસ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ દેશની આર્થિક વૃદ્ધિ અને રોજગારી વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.આ નવી નીતિ હેઠળ Pashupatinath Temple, Muktinath Temple, Lumbini અને Janaki Mandir જેવા પ્રખ્યાત ધાર્મિક સ્થળોને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવામાં આવશે. સરકારનો પ્રયાસ છે કે આ સ્થળોને માત્ર તીર્થધામ નહીં પરંતુ વૈશ્વિક આધ્યાત્મિક કેન્દ્ર તરીકે પણ વિકસાવવામાં આવે. આ માટે ટૂરિઝમ અને સંસ્કૃતિ મંત્રાલય હેઠળ અલગ “તીર્થાટન વિભાગ” શરૂ કરવાની તૈયારી પણ ચાલી રહી છે.
સરકાર મહાભારત ક્ષેત્રથી લઈને માનસ ખંડ સુધીની યાત્રા સુવિધાઓમાં સુધારો લાવવાની યોજના પર પણ કામ કરી રહી છે. માર્ગ વ્યવસ્થા, રહેવાની સુવિધા, ડિજિટલ બુકિંગ, આધુનિક ટ્રાન્સપોર્ટ અને પ્રવાસી માર્ગદર્શિકા જેવી સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં આવશે જેથી દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓને સરળ અને સુવિધાસભર અનુભવ મળી શકે.બાલેન સરકારની આ યોજના પાછળ આર્થિક દૃષ્ટિકોણ પણ ખૂબ મહત્વનો છે. સરકારનું માનવું છે કે આધ્યાત્મિક પર્યટન દ્વારા દેશના ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી સર્જી શકાય છે. નીતિ મુજબ સમગ્ર નેપાળમાં ઓછામાં ઓછા 5,000 નવા હોમસ્ટે વિકસાવવામાં આવશે, જેને “Nepal Homestay” બ્રાન્ડ હેઠળ ઓનલાઈન બુકિંગ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે.આ યોજના ખાસ કરીને સીમાવર્તી અને પછાત સમુદાયોને રોજગારી આપવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સરકાર “લિવિંગ મ્યુઝિયમ”ની સંકલ્પના પણ આગળ ધપાવી રહી છે, જેમાં સ્થાનિક કલા, લોકસંસ્કૃતિ, વસ્ત્ર, ભોજન અને પરંપરાગત જીવનશૈલીને સીધા ટૂરિઝમ સાથે જોડવામાં આવશે. આથી પ્રવાસીઓને માત્ર મંદિર દર્શન જ નહીં ,નેપાળની સંસ્કૃતિને નજીકથી અનુભવવાની તક મળશે.નેપાળ ઐતિહાસિક રીતે હિંદુ રાજાશાહી ધરાવતો દેશ રહ્યો છે અને આજે પણ અહીં લગભગ 81 ટકા લોકો હિંદુ ધર્મનું પાલન કરે છે. Nepal ને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ હિંદુ અને બૌદ્ધ તીર્થસ્થાનોમાં ગણવામાં આવે. ભગવાન બુદ્ધનો જન્મસ્થળ લુમ્બિની હોય કે ભગવાન શિવનું પવિત્ર ધામ પશુપતિનાથ બંનેની વિશ્વભરમાં વિશેષ માન્યતા છે.
વિશ્લેષકોનું માનવું છે કે “દેવભૂમિ નેપાળ” અભિયાન દ્વારા નેપાળ પોતાની સોફ્ટ પાવરને વધુ મજબૂત બનાવવા માંગે છે. ભારત સહિત વિશ્વભરના હિંદુઓને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે જોડીને દેશ ટૂરિઝમ, રોકાણ અને આંતરરાષ્ટ્રીય ઓળખમાં વધારો કરવા માંગે છે. ખાસ કરીને ભારત-નેપાળ વચ્ચેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધોને આ અભિયાનથી નવી દિશા મળી શકે છે. જો આ યોજના સફળ થાય તો નેપાળ આગામી વર્ષોમાં વૈશ્વિક આધ્યાત્મિક પ્રવાસનના નકશામાં વધુ મજબૂત સ્થાન મેળવી શકે છે. બાલેન સરકાર હવે આ અભિયાનને માત્ર રાજકીય જાહેરાત નહીં પરંતુ રાષ્ટ્રીય ઓળખ અને આર્થિક વિકાસના મોટા મિશન તરીકે રજૂ કરી રહી છે.