Sports

પાંચ મુખ્ય દેશો ઓલિમ્પિક્સની ‘જેન્ડર બેલેન્સ ગેમ’ થિમને અનુસર્યા

કોરોનાના ઓછાયા હેઠળ 23મીથી શરૂ થઇ રહેલા ટોક્યો ઓલિમ્પિક્સમાં આ વખતે જેન્ડર બેલેન્સ ગેમ થીમ અપનાવવામાં આવી રહી છે અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી દ્વારા જાહેર કરાયેલી આ થીમને અનુસરીને વિશ્વના પાંચ મોટા દેશોએ રમતોના આ મહાકુંભ માટે પોતાની ટીમમાં પુરૂષોની સરખામણીએ મહિલા એથ્લેટની સંખ્યા વધુ રાખી છે. આ પાંચ દેશોમાં યુનાઇટેડ કિંગડમ (યુકે), અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા અને કેનેડાનો સમાવેશ થાય છે કે જેમણે પોતાની ઓલિમ્પિક્સ ટીમમાં વધુ મહિલાઓને પ્રતિનિધિત્વ આપ્યું છે. આ ઉપરાંત આ વર્ષે ડોપિંગ મામલે પ્રતિબંધિત થવાને કારણે રશિયાના એથ્લેટ રશિયન ઓલિમ્પિક્સ કમિટીનું પ્રતિનિધિત્વ કરીને ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેશે અને તેમની ટીમમાં પણ પુરૂષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા વધારે છે.

ચીન દ્વારા ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે 431 એથ્લેટ મોકલી રહ્યું છે, જેમાં 298 મહિલાઓ તેમજ 133 પુરૂષોનો સમાવેશ થાય છે અને જો આ આંકડાઓને ધ્યાને લઇએ તો તેમની ટીમમાં પુરૂષો કરતાં મહિલા એથ્લેટનું પ્રતિનિધિત્વ ડબલથી પણ વધુ છે. અમેરિકા દ્વારા જે 613 એથ્લેટની ટીમ મોકલવામાં આવી છે, તેમા 329 મહિલાઓ અને 284 પુરૂષોનો સમાવેશ થાય છે.

યુકેની ટીમમાં 376 એથ્લેટ છે, જેમાં 201 મહિલાઓ સામેલ છે. જ્યારે કેનેડા દ્વારા 370ની ટીમ મોકલવામાં આવી રહી છે, જેમાં 225 મહિલાઓ અને 145 પુરૂષ છે, તો ઓસ્ટ્રેલિયાની 471ની ટીમમાં 252 મહિલાઓ અને 219 પુરૂષો છે. જાપાનના 552 એથ્લેટ આ ઓલિમ્પિકસમાં ભાગ લેશે જેમાં 293 પુરૂષ અને 259 મહિલાઓ છે.

Most Popular

To Top