Editorial

ચૂંટણીમાં તંત્રની બેદરકારી પ્રજાને મોંઘી પડી રહી છે

કોરોના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે અને તેની સાથે સાથે લોકોમાં ફરી લોકડાઉન લાગશે તેવો ભય પણ વધી રહ્યો છે. લોકો હાલ નવાં કામો અથવા નવા ઓર્ડર હાથમાં નથી લઇ રહ્યા કારણ કે પૈસા રોકી દીધા બાદ ફરી લોકડાઉન લાગી જશે તો શું કરવું એવો પ્રશ્ન દરેક વેપારીની સામે છે, છતાં કેટલાક વેપારીઓ જોખમ લઇને આગળ વધી રહ્યા છે. રાત્રી કરફ્યુને લીધે હોટેલ અને ખાણી પીણી ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે.

માંડ શરૂ થયેલાં કામ ધંધા ફરી ઠપ્પ થવા લાગ્યા છે. મુખ્યમંત્રીએ કરેલી ભવિષ્યવાણી મુજબ પહેલી એપ્રિલના રોજ કેસોમાં ઘટાડો નોંધાયો અને સુરતમાં એક જ ઝાટકે 138 કેસો 31 માર્ચની સરખામણીમાં ઓછા નોંધાયા. આમાં હાશકારો અનુભવવો કે પછી આશ્ચર્ય કરવું એ જ સમજાય એમ નથી. હાલ, જો કે લોકો એવી આશા રાખતાં જ હશે કે કેસો ઘટે અને રાત્રી કર્ફ્યુમાં લોકોને રાહત મળે.

પણ આ બધામાં એક ચર્ચા પાછળ છૂટી ગઇ તે એ હતી કે કેસ વધ્યા કોના કારણે? સરકારનું તો સ્પષ્ટ કહેવું હતું કે લોકોએ બેદરકારી દાખવી એ કારણે કેસ વધ્યા છે.

સરકાર પાસે જો કે, કોઇ ખાસ જવાબ આના સિવાય હોઇ પણ નહીં શકે પરંતુ પ્રજા પણ જાણે છે અને સરકાર પણ જાણે છે કે સ્થાનિક ચૂંટણી સમયે જે રીતે લોકોને ભેગા કરવા માટે છૂટો દોર આપી દેવામાં આવ્યો હતો એ જ કારણ છે કે સુરત સહિત આખું ગુજરાત ફરી કોરોનાના ભરડામાં સમાઇ રહ્યું છે.

ચૂંટણી સમયે તમામ રોકટોક અને પ્રતિબંધો હોવા છતાં જે રીતે રાજકીય પક્ષોએ સભાઓ ગજવી એ જોતાં અધિકારીઓ ત્યારથી જ એવી ભીતિ સેવતા હતા કે આગળ જતાં કેસ વધશે. ચૂંટણી પૂર્ણ થઇ અને તરત વધેલા કેસના આંકડાઓ એવી પણ શંકા જન્માવતા હતા કે ક્યાંક ને ક્યાંક ચૂંટણી દરમિયાન જાણીજોઇને આંકડાઓ છુપાવવામાં આવ્યા જેથી ચૂંટણી પતાવી શકાય.

જો કે, આના કોઇ પુરાવા ન હોય છતાં સરકાર, મીડિયા અને પ્રજા બધાં જ જાણે છે કે કેસ કઇ સ્થિતિમાં ઘટાડવામાં આવ્યા અને કઇ સ્થિતિમાં હવે કેસો વધી રહ્યા છે. જો ગુજરાતમાં કોરોના કાબૂમાં હતો તો ચૂંટણી દરમિયાન ધમધોકાર રેલીઓ કરવાની પરવાનગી તંત્રે કેમ આપી? આ જ સ્થિતિ હાલ પશ્ચિમ બંગાળમાં છે.

બંગાળમાં કોરોના શાંત પડ્યો છે કારણ કે ચૂંટણી ચાલી રહી છે. બંગાળ જ નહીં, તમિલનાડુ, અસમ જેવા રાજ્યમાં પણ કોરોનાના કેસો વધ્યા નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તો ત્યાં સુધી કહી દીધું કે, ચૂંટણી ન હતી એવાં રાજ્યોમાં પણ કોરોના કેસો વધ્યા છે.

હશે, ત્યાં કેસ વધ્યા છે પણ ગુજરાત સરકાર શું આ સ્થિતિને ટાળી શકી ન હોત? સ્થાનિક ચૂંટણીમાં રાજકારણીઓએ જે રીતે પ્રચાર માટે તમામ નિયમો નેવે મૂકીને નીકળ્યા હતા તે જોઇને પ્રજાને પણ એવું લાગવા લાગ્યું હતું કે, હવે કોરોનાનો કહેર ઘટ્યો છે અને લોકો તરફથી પણ બેદરકારી વધી હતી. હવે જો કે, પ્રજાને ધીરે ધીરે ફરી કોરોનાનો ડર લાગવા લાગ્યો છે અને પ્રજા સરકારના સૂચવેલા માર્ગો પર ફરી ચાલવા માંડી છે.

આ સ્થિતિ વચ્ચે વેક્સિનની કામગીરી વેગવંતી બનાવવા માટેના પ્રયત્નો સતત ચાલી રહ્યા છે પરંતુ લોકોમાં ક્યાંક ને ક્યાંક વેક્સિન પ્રત્યે શંકા કુશંકા પણ જોવા મળી રહી છે.

ઘણાં લોકો વેક્સિન લેવા નથી માગતા કારણ કે કેટલાક એવા અહેવાલો આવ્યા હતા કે વેક્સિન લીધા બાદ પણ કોરોના થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. પણ લોકોએ એ વાત સમજવાની જરૂર છે કે વેક્સિન લાગ્યા બાદ કોરોના નહીં થાય તેવું નથી, કોરોના થાય તો તેની સામે રક્ષણ મળી શકશે એટલે કે હોસ્પિટલમાં જવાના કે તેનાથી મૃત્યુ થવાની સંભાવનામાં કમી આવશે અને એ જ જરૂરી છે. વેક્સિન કોરોના સામે ઇન્યુનિટી વધારે છે અને તેને લીધે કોરોના થશે તો પણ તેની સામે શરીરને પૂરતી રક્ષા મળી રહેશે. 

કોરોના વેક્સિન હવે પહેલી એપ્રિલથી 45 વર્ષથી ઉપરનાં તમામ લોકોને આપવામાં આવી રહી છે ત્યારે એક નાગરિક તરીકે કોરોના વેક્સિન લઇને પોતાનો ધર્મ બજાવવો જોઇએ. રાજનેતાઓએ જે કર્યું પરંતુ હવે લોકોએ જાગ્રત થઇને કોરોના સામે લડત લડવાની છે.

નેતાઓ પોતાની રીતે કામ કરશે પરંતુ પ્રજા પોતે જવાબદાર બનીને કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરે તો કોરોનાને હરાવી શકાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top