Surat Main

સુરત મનપાના નવા વહીવટી ભવનની ડિઝાઈનમાં ફેરફાર કરવા આ નિર્ણય લેવાયો, દ.ગુજરાતની સૌથી ઊંચી ઈમારત બનાવાશે

સુરતઃ (Surat) સુરત મનપાના (SMC) નવા વહીવટી ભવન માટે અનેક વિવાદો બાદ આખરે પ્રોજેક્ટ (Project) શરૂ થવાનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. ત્યારે રિંગરોડ સ્થિત જૂની સબજેલવાળી જમીન પર સાકાર થનારા આ પ્રોજેક્ટમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારની કચેરીઓને પણ સમાવી લેવા માટે નક્કી કરાયું છે. તેથી અહીં જે બે ટાવરની ઇમારતોનો પ્રોજેક્ટ છે તે ડિઝાઇનને (Design) ટોલ બિલ્ડિંગ (Toll building) પોલિસીનો લાભ મળી શકે છે.

  • રીંગરોડ પર સબજેલની જમીન પર 28-28 માળના બે ટાવર બનાવાશે
  • ટોલ બિલ્ડિંગ પોલિસીનો લાભ મળી શકે તેમ હોવાથી ડિઝાઈનમાં ફેરફાર કરવાની તજવીજ
  • 3.50ની FSI વધીને હવે 5.4ની FSI મળી શકશે, જેથી ઊંચી ઈમારત બનાવી શકાશે
  • મનપાના નવા વહીવટી ભવનના પ્રોજેક્ટનું બાંધકામ 14.10 લાખ સ્કે.ફૂટથી વધી 23.50 લાખ ફૂટ જેટલું થશે
  • આર્કિટેક્ટ કન્સ્લટન્સીની ફીમાં વધારો કરાયો, હવે 11.89 કરોડ રૂપિયા ફી આપવામાં આવશે

આથી 3.50ની FSI વધીને હવે 5.4ની FSI મળી શકે તેમ હોવાથી હવે આ પ્રોજેક્ટનું બાંધકામ 14.10 લાખ સ્ક્વેર ફૂટથી વધીને 23.50 લાખ સ્ક્વેર ફૂટ જેટલું થશે. આ પ્રક્રિયાને પગલે વહીવટી ભવન નિર્માણના આર્કિટેક્ટ કન્સલ્ટન્ટ્સીએ પણ પોતાની ફીમાં વધારો માંગ્યો હોવાથી સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર રાખી ફેબ્રુઆરીના અંત સુધીમાં નિર્માણ કાર્ય માટે ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરવા પણ સૂચના આપી હતી.

તમને જણાવી દઈએ કે, ગુજરાતની આઇકોનિક બિલ્ડિંગ (Iconic building of Gujarat) તરીકે નિર્માણ થનારા મનપાના નવા વહીવટી ભવન (SMC new administrative building) માટે અમદાવાદની આઇએનઆઇ ડિઝાઇન સ્ટુડિયો કંપની દ્વારા ડિઝાઇન તેમજ તેનું આર્કિટેક્ચર તૈયાર કરાઇ રહ્યું છે. આ ભવનને ટોલ બિલ્ડિંગ નોટિફિકેશનનો લાભ મળતાં એફએસઆઇ (FSI)માં વધારાને પગલે ડિઝાઇન બનાવનાર INI કંપનીની પહેલાં 8.15 કરોડ રૂપિયા ફીમાં વધારો કરી 12.31 કરોડ ફી નક્કી કરવા માંગ કરી હતી, જેમાં 10 ટકા જેટલો ઘટાડો કરવાની સંમતિ માંગી કન્સલ્ટન્ટ્સીની (Consultancy) કુલ 11.89 કરોડ રૂપિયા ફી નક્કી કરતી દરખાસ્તને મંજૂરી આપી ફેબ્રુઆરી અંત સુધીમાં નિર્માણ કાર્યની ટેન્ડરિંગ (Tendering) પ્રક્રિયા શરૂ કરવા પણ સૂચના આપી હતી.

સબજેલ ખાતે 28-28 માળના બે ટાવર ઉભા કરાશે

સબજેલની જગ્યા પર મનપાનું નવું વહીવટી ભવન બનાવવાનું આયોજન ફાઇનલ કરવામાં આવ્યું છે. મનપાના આ નવા ભવનમાં 28- 28 માળના બે ટાવરો (Tower) ઊભા કરવામાં આવશે. સબજેલની જગ્યા પર 898.91 કરોડના ખર્ચે નવું વહિવટી ભવન બનાવાશે. જેને પગલે હવે 179 વર્ષ બાદ સુરત મનપાના મુખ્યાલયને નવું સરનામું મળશે.

સુરત મનપાના નવા વહિવટી ભવનને આઇકોનિક બનાવવા માટે ખાસ સૂચના અપાઇ હોય, સબજેલની 22,563 ચોરસ મીટર જમીન પર બનનારી આ ઇમારતમાં 28-28 માળના બે ટાવર હશે. બન્નેની ઉંચાઇ 109.15 મીટરની હશે, આ ઇમારત દક્ષિણ ગુજરાતની સૌથી ઉંચી બિલ્ડિંગ હશે અને દેશની સૌથી ઉંચી સિટી ઇમારતોમાં તેની ગણના થશે. તેમજ અહી મોટા પ્રમાણમાં મુલાકાતીઓ આવવાના હોવાથી તેના માટે જરૂરી પાર્કિંગ માટે ભોંયતળિયે ચાર માળનું પાર્કિંગ તૈયાર કરાશે.

Most Popular

To Top