Dakshin Gujarat

‘સાહેબ, ભૂલ થઈ ગઈ, માફ કરી દો’: ભરૂચના કેબલ બ્રિજ પર હથિયાર લઈ સ્ટંટ કરનારા 4 ‘ભાઈ’ની હવા નીકળી ગઈ

અંકલેશ્વર: (Ankleshwar) નર્મદા નદી (Narmada river) પરના કેબલ બ્રિજ (Cable bridge) પર 4 યુવાનોએ ભાઈગીરીના અભરખા અને સોશિયલ મીડિયા (Social media) ઉપર સસ્તી પ્રસિદ્ધિ માટે હથિયારો સાથે સ્ટંટ (Stunt) કરતા બનાવેલા વિડીયોમાં (Video viral) પોલીસે ધરપકડ (arrest) કરતાં જ ચારેયની ભાઈગીરી નીકળી ગઇ હતી. પોલીસ સામે બે હાથ જોડી સાહેબ ભૂલ થઈ ગઈ હોવાનું કહી ચારેયે રડમસ ચહેરે આજીજી કરી હતી.

  • ફરતો થયેલો વિડીયો કુકરવાડા પાસેથી પસાર થતા નવા બનેલા એક્સપ્રેસ વેના પ્રતિબંધિત 8 લેન કેબલબ્રિજનો હતો
  • જોખમી સ્ટંટ કરી ભયનો માહોલ ફેલાવનારા આ 4 યુવાન અશોકા બિલ્ડકોન કંપનીના સિક્યોરિટી ગાર્ડ નીકળ્યા

ભરૂચ તાલુકા પોલીસે વાયરલ જોખમી વિડીયોની તપાસ કરતાં આ ભરૂચના ને.હા.નં.48ના કેબલ બ્રિજનો નહીં પરંતુ કુકરવાડા પાસેથી પસાર થતા નવા બનેલા એક્સપ્રેસ વેના પ્રતિબંધિત 8 લેન કેબલબ્રિજનો હતો. ત્યાંના કર્મચારીઓને વિડીયો બતાવી પોલીસે તપાસ કરતાં 2 બાઇક ઉપર પ્રાણઘાતક હથિયારો સાથે જોખમી સ્ટંટ કરી ભયનો માહોલ ફેલાવનારા આ 4 યુવાન અશોકા બિલ્ડકોન કંપનીના સિક્યોરિટી ગાર્ડ નીકળ્યા હતા.

જેના આધારે ભરૂચ તાલુકા પોલીસે ભરૂચના સીતપોણના અસ્ફાક યાકુબ માલા, કંબોલીનો ફૈયાઝ હનીફ સિંધી, મુબારક સફીક સિંધી અને વરેડિયા ગામનો ઇર્ષાદ જુસબ સિંધીની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ચારેય સિક્યોરિટીના જવાનોને જોખમી સ્ટંટ કરતાં લોકઅપ ભેગા કરતાં જ તેમની ભાઈગીરી નીકળી ગઈ હતી. અને ચારેય યુવાનો પોલીસને બે હાથ જોડી સાહેબ ભૂલ થઈ ગઈ, માફ કરી દોની કાકલૂદી કરવા માંડ્યા હતા.

પોલીસે ચારેયને 2 બાઇક, ધારિયા, ફરસી, મોબાઈલ સાથે પકડી લઈ જાહેરમાં હથિયારોનું પ્રદર્શન, લોકોમાં ભય ફેલાવો, જીપી એક્ટ, મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ, પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અને પૂરઝડપે સ્ટંટ તેમજ સોશિયલ મિડીયા ઉપર તેને વાયરલ કરી અન્યને અનુકરણ કરવા પ્રેરી બીજાના જીવ પણ જોખમમાં નાંખી શકે એ સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે. ભરૂચ પોલીસે તમામને નસીયત પણ આપી છે કે, જાહેરમાં હથિયારોનાં આવાં પ્રદર્શન થકી જે કોઈ પણ ભય ફેલાવવાનું આવું કૃત્ય કરશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.

Most Popular

To Top