Top News

યુક્રેનમાં હુમલાના પગલે નાસભાગ, લાખો લોકો ઘર છોડીને ભાગતા હાઈવે પર ફસાયા

યુક્રેન: યુક્રેન – રશિયા વચ્ચે યુદ્ધના (Ukraine – Russia war) બીજા દિવસે પણ હુમલા કરવામાં આવી રહ્યા છે,યુક્રેનની રાજધાની કિવ (kivy) પર કબજો કરવા માટે રશિયા દ્વારા હુમલા સતત વધી રહ્યા છે. રશિયાન સેના સવારે 4 વાગ્યાથી કિવ પર મિસાઈલ હુમલા કરી રહી છે. કિવમાં ૭ મોટા બ્લાસ્ટનાં પગલે તબાહી મચી જવા પામી છે. યુક્રેનના ગૃહમંત્રી એન્ટોન ગેરાશચેન્કોએ જણાવ્યું હતુ કે કિવમાં સવારથી અત્યાર સુધીમાં કુલ છ બ્લાસ્ટ થયા છે. આ બ્લાસ્ટ ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલથી કરવામાં આવ્યા છે. તેની સામે જવાબી કાર્યવાહીમાં એક રશિયન વિમાનને પણ તોડી પાડવામાં આવ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પણ રશિયન હુમલાનો સામનો કરવા માટે સમગ્ર સેનાને ઉતારી દીધી છે. ઝેલેન્સકીએ કહ્યું કે કિવમાં ઘૂસેલી રશિયન સેનાનો પ્રથમ ટારગેટ હું જ છું. તેઓ મને મારીને દેશમાં અસ્થિરતા પેદા કરવા માગે છે. યુક્રેનને રશિયાની સાથે લડાઈમાં એકલું છોડી દેવાયું છે.

યુક્રેનની રાજધાની કિવ પર કબજો મેળવવાની લડાઈ ઐતિહાસિક વળાંક પર પહોંચી ગઈ છે. કિવની બહાર રશિયન અને યુક્રેનિયન સૈનિકો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, એવા અહેવાલો છે કે યુક્રેને રશિયન ટેન્કોને આગળ વધતા રોકવા માટે તેના શહેરમાં ત્રણ પુલ ઉડાવી દીધા છે.રશિયન સેનાએ આજે ​​રાજધાની કિવમાં છ મિસાઈલ હુમલા કર્યા. જો કે આ દરમિયાન યુક્રેનની સેનાએ એક રશિયન પ્લેનને તોડી પાડ્યું હતું. જે રહેણાંક મકાન પર તૂટી પડ્યું અને ત્યાં આગ લાગી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું છે કે રશિયન દળો નાગરિક વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. તેણે રશિયનોને યુક્રેન યુદ્ધનો વિરોધ કરવાની અપીલ કરી.

યુક્રેનમાં હુમલાના પગલે લોકોમાં નાશભાગ
રશિયા અને યુક્રેન વચ્ચે ગુરુવારે શરૂ થયેલું યુદ્ધ હજુ પણ ચાલુ છે. રશિયા યુક્રેનના શહેરો પર કબજો કરવાનું ચાલુ રાખ્યું છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, યુક્રેનના લગભગ 1 લાખ લોકો શરૂઆતથી તેમના ઘર છોડીને ભાગી ગયા છે. કિવથી પશ્ચિમ તરફ જતો હાઇવે શુક્રવારે બ્લોક કરવામાં આવ્યો હતો. આ પાંચમાર્ગીય હાઇવે પર કાર, બસ, જીપ, ટ્રક સહિતના હજારો વિવિધ વાહનો અટવાઈ પડ્યા છે. લોકો સમજી શકતા નથી કે આ જામ ક્યારે ખુલશે અને તેઓ અહીંથી બહાર નીકળી શકશે. વાસ્તવમાં આ હાઈવેને અડીને આવેલા શહેરો અને ગામડાઓમાં 30 લાખથી વધુ લોકો રહે છે. રશિયન ફાયરિંગથી ડરીને આ લોકો હવે સરહદને અડીને આવેલા યુરોપિયન દેશો તરફ ભાગી રહ્યા છે. અચાનક થયેલી નાસભાગને કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, યુક્રેનથી ભાગી રહેલા લોકો રોમાનિયા, મોલ્ડોવા, પોલેન્ડ અને હંગેરી સહિત અનેક પડોશી દેશોમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સરેન્ડર નહી કરતા ૧૩ યુક્રેન સૈનિકોને મારી નાખ્યા
કિવ પર કબજો મેળવવા માટે રશિયન સૈનિકો આગળ વધી રહ્યા છે. આ હુમલાની તબાહી વચ્ચે એક વિડીયો સામે આવ્યો છે. જેમાં રશિયન યુદ્ધ જહાજ પર હાજર સૈનિકોએ યુક્રેનના 13 સૈનિકોને મારી નાખ્યા હતા. તેણે સરેન્ડર કરવાની મનાઈ કરી હતી. આ વીડિયોમાં રશિયન યુદ્ધ જહાજમાંથી અવાજ આવી રહ્યો છે કે શરણાગતિ આપો નહીંતર હુમલો થશે. યુક્રેનિયન પોસ્ટ તરફથી અપશબ્દ બોલવામાં આવે છે ત્યાર પછી આ ટાપુ પરના તમામ સૈનિકોણે મારી નાખવામાં આવે છે.

પુતિનનો પોતાના જ દેશમાં વિરોધ
યુક્રેન પર હુમલા પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દુનિયાની સાથે પોતાના દેશમાં પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન પર હુમલાના વિરોધમાં રશિયનોએ અનેક શહેરોમાં દેખાવકારોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. જે પછી 1700 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Most Popular

To Top